શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 9 મે 2014 (14:57 IST)

વર્લ્ડ હેરીટેજમાં રાણકી વાવનો સમાવેશ

ઉત્તર ગુજરાતમાં આવેલા ઐતિહાસિક પાટણ શહેરમાં કલાકારીગરીની અજોડ અને બેનમૂન રાણીની વાવને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પર્યટકો આવે છે. આ રાણકી વાવને વર્લ્ડ હેરીટેજમાં સમાવવા માટે યુનેસ્કોની હેરીટેઝ દ્વારા ભલામણ કરાતા હવે દોહા-કતાર ખાતે મળનારા વર્લ્ડ હેરીટેજ અંગેના વિશ્ર્વ સંમેલનમાં પાટણની રાણ કી વાવને વર્લ્ડ હેરીટેજમાં સમાવવાની વિધિવત જાહેરાત કરવામાં આવશે તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દોહા-કતાર ખાતે વર્લ્ડ હેરીટેજના વૈશ્ર્વિક સંમેલનમાં ભાગ લેવા માટે ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગના બે અધિકારીઓ જશે. તેમને વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ કરતું શિલ્ડ, સન્માન પત્ર વગેરે એનાયત કરવામાં આવશે. આમ વર્લ્ડ હેરીટેજમાં રાણકી વાવને સમાવવાની જાહેરાત કારશે.

ગુજરાતના ઐતિહાસિક નગરોમાં પાટણ નગરીનો સમાવેશ થાય છે વર્ષો પહેલા પાટણમાં રાણી ઉદયમનીએ રાજા ભીમદેવની યાદમાં પ્રજાની તરસ છીપાવવા માટે ભૂગર્ભમાં પથ્થરો પર કોતરકામ કરીને બેનમૂન વાવ બનાવવામાં આવી હતી. અને આ વાવ રાણકી વાવ તરીકે પ્રસિદ્ધ બની હતી. રાણકી વાવને વર્લ્ડ હેરીટેજમાં સમાવવા માટે ભારતના પુરાતત્ત્વ વિભાગે યુનિટ-૩માં દરખાસ્ત કરી હતી. જે દરખાસ્તના સંદર્ભમાં યુનેસ્કોની ટીમ પાટણ આવી હતી. આ ટીમના વડા ચીનના બીજિંગ શહેરના પ્રો-ઝીંગ ઝોઈ હતા. યુનેસ્કોની ટીમે રાણીની વાવનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. અને તેના શિલ્પ-સ્થાપત્ય તેમજ અદભુત કલા કારીગરીને નિહાળી હતી. ત્યારબાદ પાટણ જિલ્લા હેરીટેજ ક્ધઝર્વેશન સોસાયટીના સભ્યો, વિવિધ સંગઠનો તેમજ શહેરના આગેવાનો સાથે બેઠક યોજીને ચર્ચા બાદ નિષ્ણાતો સાથે ટેકનીકલ પાસાઓ પર પરામર્શ કરીને અહેવાલ તૈયાર કર્યો હતો. ગયા ઓક્ટોબર મહિનામાં આવેલી યુનેસ્કોની ટીમે તે સમયે હકારાત્મક સંકેતો આપ્યા હતા. હવે માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે.

રાજ્યના પુરાતત્ત્વ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. ૧૫મીથી ૨૫મી જૂન દરમિયાન દોહા-કતાર ખાતે યુનેસ્કોના ૩૮મા વિશ્ર્વ સંમેલનમાં વર્લ્ડ હેરીટેજમાં રાણકી વાવનો સમાવેશ કરવામાં આવશે. આ સંમેલનમાં ગુજરાતના આર્કિયાલોજીના વડા વી. શિવાનંદ રાવ તથા રાજેશ જોહરી હાજર રહીને રાણીની વાવને વર્લ્ડ હેરીટેજમાં ઘોષિત કરતું સન્માનપત્ર અને શિલ્ડ સ્વીકારશે.