ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 17 મે 2013 (11:53 IST)

વિશ્વભરની ૭૦૦૦ જેટલી ભાષાઓનો વાગી રહ્યો છે મૃત્યુઘંટ

ગુજરાતી ટકશે જ એવો આશાવાદ રાખવો કે નહીં?

P.R
૭૦૦૦ જેટલી ભાષાઓનો વાગી રહ્યો છે મૃત્યુઘંટ

૬૯૧૨ બોલાતી ભાષાઓની સામે અડધીઅડધ ભાષાઓ નામશેષ થવાને આરે

ચા કેવી કે ચા કેવો? મુંબઈથી લઈ સમગ્ર ભારત ચા માટે સ્ત્રીલિંગ વાપરે અને ચરોતરમાં ચા પુંલ્લિંગ બની જાય. આઈસક્રીમ ખાધી? આઈસક્રીમ ખાધો કે આઈસક્રીમ ખાધું... રાજકોટવાસી, સુરતવાસી અને મુંબઈગરા એકમેવ આઈસક્રીમની જાતિ અલગ અલગ કરી નાખે છે.

જેટલી ભાષા તેથી વધુ બોલીઓ. એમ કહેવાય છે કે બાર ગામે બોલી બદલાય તો વ્યાકરણ કે ભાષા ન બદલાય?

ભાષા રાજ્ય, દેશ, વિદેશ પ્રમાણે સ્વરૂપ બદલતી જાય કે ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે પ્રયોજાતી જાય તે તો જાણીતી વાત છે. સમસ્યા છે ભાષાના મૃત્યુઘંટની.

ભાષા અને મૃત્યુઘંટ આ બે શબ્દ આવે એટલે વાત માત્ર ગુજરાતી ભાષાની છે તેવું માની લેવું અતિશયોક્તિભર્યું છે. વાત છે વિશ્વભરની ભાષાઓની. આજે પરિસ્થિતિ એવી છે કે વિશ્વભરમાં બોલાતી લગભગ ૭૦૦૦ જેટલી ભાષાઓમાંથી પચાસ ટકા ભાષાઓ મૃતપ્રાય અવસ્થાએ પહોંચી ચૂકી છે. અલબત્ત, ગુજરાતી ભાષા તો તેમાં સામેલ નથી જ. અન્યથા આફ્રિકાથી લઈ અમેરિકા અને ઉત્તર ધ્રુવથી લઈ દક્ષિણ ધ્રુવ સુધી પથરાયેલા જીવંત અસ્તિત્વમાં જેમ પશુ-પંખી, કીટકોની જાતિઓ લુપ્ત થઈ રહી છે તે જ રીતે ભાષાઓ કાળના વહેણમાં વહી જઈ રહી છે.

ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મેક્સિકોની ભાષા એઈપેન્કોનું. મેક્સિકોની સંસ્કૃત જેવી પ્રાચીન લેખાતી આ ભાષા બોલનાર માત્ર ને માત્ર બે વ્યક્તિ હવે જીવંત છે. આ બે બુઝુર્ગ જ્યારે નહીં હોય ત્યારે ભાષા સંપૂર્ણપણે મરી પરવારશે તેવું પણ નથી. આ ભાષા આમ પણ મરી જ પરવારી છે, કારણ કે ૭૫ વર્ષના મેન્યુઅલ સેગોવિયો અને ૬૯ વર્ષના ઈસીડ્રો વેલેઝુ માને છે કે જ્યારે સૌએ ભેગા મળીને ભાષા નામનું નાહી જ નાખ્યું છે તો પછી એકમેક સાથે કોઈ જ સામ્યતા ન હોવા છતાં વ્યર્થ વિતંડાવાદ માત્ર ભાષા બોલવા શા માટે કરવો?

વધુ આગળ



પણ, આ ભાષા પરવારી ગઈ છે તેનું દુઃખ બંનેને સમાન છે. મેક્સિકોમાં સ્પેનિશ ભાષાના વધતા જતા ચલણે મેક્સિકોની પોતાની સદીઓ પુરાણી ભાષા ભુલાવી દીધી તેમ તેઓ માને છે. બંને પાસે પૂરતું શબ્દભંડોળ છે, તેને જાળવવા એક ડિક્શનરી પણ તૈયાર કરી રહ્યા છે, પરંતુ હવે તે માટે પણ ઘણું મોડું થઈ ચૂક્યું છે, કારણ છે આજની પેઢીની નિઃસ્પૃહતા. કોઈને પોતાની ભાષા બચાવવી જ નથી તો શું? એવો નિશ્વાસ આ બંને બુઝુર્ગને કોરી નાખે છે.

આ પરિસ્થિતિ માત્ર મેક્સિકોમાં જ નથી જે સ્પેનિશ ભાષાએ મેક્સિકોમાં જઈ ત્યાંની લગભગ ૬૦ જેટલી સ્થાનિક ભાષાઓને મરણતોલ કરી નાખી તે જ હિસ્પેસ્પીનેક (સ્પેનિશ)નો દબદબો એક સમયે અમેરિકામાં વર્તાતો હતો. એ જ અમેરિકામાં એનાં એવાં વળતાં પાણી થયાં કે અમેરિકામાં સેકન્ડ લેન્ગ્વેજ તરીકે તેનું રીતસરનું પ્રમોશન કરવું પડ્યું હતું, જેના પરિણામે હવે તે ફરી જડમૂળથી પ્રસ્થાપિત થઈ ચૂકી છે.

વાત કોઈ પણ ભાષાની હોય, વિરોધાભાસ જ ભારે બોલકો છે. વિશ્વની ૬૯૧૨ બોલાતી ભાષાઓની સામે અડધીઅડધ ભાષાઓ નામશેષ થવાને આરે છે. તેનું કારણ શું હોઈ શકે?

આજે વિશ્વભરમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ઈંગ્લિશ પછી ચાઈનીઝ, મેન્દ્રીન આવે છે. હિંદી તેની સાથે સાથે જ ચાલે છે. આ તમામ ભાષા અચાનક જ આટલું કાઠું કાઢી ગઈ તેનાં કારણોમાં આર્થિક, સામાજિક જગત વચ્ચે વધતો જતો વ્યવહાર તો ખરો જ, પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે આ તમામ ભાષાનું મૂળ આફ્રિકામાં જઈને મળે છે.

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓ જેવી કે અંગ્રેજી, ચાઈનીઝ, મેન્દ્રીન અને હિંદી વચ્ચે કોઈ સામ્યતા હોય તો એ જ કે આ તમામ ભાષાઓ એક લાખ વર્ષ પૂર્વે આફ્રિકામાં બોલાતી ભાષામાંથી જન્મી છે. અત્યાર સુધી હિબ્રૂ અને સંસ્કૃતને ભાષાની ગંગોતરી લેખાતી હતી. હવે તાજેતરમાં જ થયેલા રિસર્ચે આ નવું કૌતક સમાન તારણ પ્રગટ કર્યું છે. ઓકલેન્ડ યુનિવર્સિટી દ્વારા લગભગ ૫૦૦ ભાષા પર અભ્યાસ કરીને ભાષાશાસ્ત્રીઓ આ નિષ્કર્ષ પર આવ્યા છે.

કદાચ આ જ કારણ હશે આ ભાષાઓ વધુ ને વધુ સમૃદ્ધ થતી રહી? બહેનોની જેમ કે પછી માસિયાઈ બહેનોની જેમ કે પછી એક ચુંબકની માફક ભાષાઓ પણ ચૂપચાપ કામ કરે જાય છે. જો એવું ન હોત તો દુનિયાના ખૂણેખૂણેથી ભાષાઓનું વિસ્મરણ તેની નિયતિ ન હોત!

દુનિયામાં જેટલી ભાષા બોલાય છે તેમાંથી મોટા ભાગની (૫૦ ટકાથી વધુ) ભાષાઓનું મૃતપ્રાય થવું કોઈક સંકેત છે. આ સંકેત શું હોઈ શકે તે સહેલાઈથી અટકળ કરી શકાય છે. ઈતિહાસના પાને નોંધાયેલી વાસ્તવિકતા તેની સાબિતી આપે છે. જેમ કે અસાધારણ કુદરતી આફતો અચાનક જ વસતિની વસતિને રાતોરાત સાફ કરી નાખે એટલે કે એકસાથે પશુ, પંખી, વનસ્પતિ અને માણસો સાથે ભાષા મરી પરવારે. માત્ર કાલ્પનિક ઉદાહરણરૂપે જાપાન લઈ શકાય. ઈતિહાસની આવી અકલ્પનીય સુનામી અને ન્યુક્લીયર તારાજીથી જો જાપાન આખેઆખું દરિયામાં જ ગરક થઈ ગયું હોત તો? જેમ સદીઓ પૂર્વે એટલાન્ટિસ ડૂબી ગયું. એવી કોઈ તારાજી જે દુનિયાની સાતમી અજાયબીના બેબીલોનના ઝૂલતા બગીચાવાળી સંસ્કૃતિને ભરખી ગઈ. એ ઈજિપ્તના દેવોની ભાષા જે હવે લિપિ કમ અને અદ્ભુત ચિત્રકારી વધુ લાગે છે.

વધુ આગળ



આ તો માત્ર આપણી જાણકારીમાં હોય તેવી સંસ્કૃતિ છે અન્યથા સાઈબીરિયા, ઓસ્ટ્રેલિયા, સેન્ટ્રલ - સાઉથ અમેરિકા આ તમામ વિસ્તારમાં પણ ભાષાનું બાષ્પીભવન થઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાની બોલાતી માગાતી કે નામની ભાષા બોલનાર માત્ર ત્રણ વ્યક્તિ બચી છે. જ્યારે પશ્ચિમી ભાગમાં યાવુરૂ ભાષા બોલાતી હતી. તે જાણનાર માત્ર ને માત્ર આંગળીના ટેરવે ગણાય એટલા લોકો બચ્યા છે. તેનું કારણ છે ઓસ્ટ્રેલિયામાં વિસ્તરતી ગયેલી બ્રિટિશ કોલોની. જેના કારણે સમયાંતરે સ્થાનિક ભાષાઓ પૂર્ણપણે વસૂકી ગઈ. અર્થવ્યવહાર, શિક્ષણમાં વિદેશી ભાષાના મિશ્રણથી સંસ્કૃતિ અને પ્રથા પણ પોતાનાં ન રહ્યાં.

આવી જ પરિસ્થિતિ વિશ્વભરના પ્રદેશોમાં છે. આંદામાન - નિકોબારના નિવાસીઓ સુનામી પછી જેમ જેમ બહારના લોકો સાથે સંપર્કમાં આવ્યા તેમ તેમ ત્યાં કહેવાતો પ્રગતિનો પવન ફૂંકાવા માંડ્યો છે. એ આદિવાસીઓએ પોતાની ભાષા, પોતાની જીવનશૈલી અને જનજીવન હાંસિયામાં ધકેલવાની શરૂઆત કરી દીધી છે. ઘણાને આ લોકોનું મુખ્ય પ્રવાહમાં ભળવું પ્રગતિ સમાન લાગશે, પણ આ લોકોની ભૂંસાતીજતી ભાષા, સંસ્કૃતિ સાથે સાથે તેમની આગવી સંસ્કૃતિ જેવી કે અદ્ભુત વૈદક જ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, કળા-કારીગીરી, હુન્નર અને જેને આપણે જિઓ-સાયન્સ તરીકે ઓળખીએ છીએ તે પ્રકૃતિ, પૃથ્વીના અકળ અગમ્ય સ્વભાવનું શાસ્ત્ર તે પણ ભૂલવી દેશે. જે લોકો આ આદિવાસીઓને ગંવાર કે જાહિલ માને છે, તે ખરેખર તો પોતે મૂર્ખ છે, કે તેઓ આ જ્ઞાનની કદર કરી શકે તેવી પાત્રતા જ ધરાવતા નથી, બલકે આ તેમની પાસેથી ખૂંચવી લેવા બળૂકા બન્યા છે.

જો યાદ હોય તો ૨૦૦૪માં આવેલા સુનામીના પ્રકોપ જે શહેરોને ધમરોળી શક્યા તે આ ટાપુવાસીઓને સ્પર્શી નહોતા શક્યા એનું કારણ આપણી આંદામાન - નિકોબાર ગયેલી બચાવટુકડીઓને જાણવા મળ્યું હતું તે પ્રમાણે તેમનું દરિયા વિષેનું જ્ઞાન હતું. સુનામી કે તે પ્રકારના દરિયાઈ તોફાનની આગાહી આ આદિવાસીઓ પવનના વહેણ, તેના સુસવાટા અને સાગરના ઘૂઘવાટ, રંગ અને મોજાંની શાંત ગતિથી અંદાજી શકતા હતા. એટલું જ નહીં, દરિયાના તોફાન હોય કે ભૂકંપ જેવી આપત્તિ, માણસ કરતાં વધુ બળવત્તર રીતે પશુ-પંખી સૂંઘી લે છે. તેમનો ચહચહાટ પણ એક ભાષા છે, જે આ આદિવાસીઓ જાણે અને સમજે છે. હવે ત્યાં શરૂ થશે મિશનરીની શાળાઓ, આધુનિક શિક્ષણ. એક વાત તો નક્કી છે કે આ બધું પામીને આ આદિવાસીઓ પોતાની ભૂૂમિથી બહાર નીકળીને મુખ્ય પ્રવાહમાં ભળી શકશે કે નહીં તે તો સમય જ નક્કી કરશે. પણ પોતાના ઘરઆંગણાની પરિસ્થિતિ સમજવા, પારખવાની તેમની મૂળભૂત વ્યવહારુ શક્તિ અને વિચક્ષણતા જરૂર ગુમાવી દેશે. એ પછી વારો આવશે ભાષાનો.

માત્ર ભૌગોલિક સંજોગો જ નહીં, આર્થિક વ્યવહારો, સામાજિક પરિસ્થિતિઓ અને વિસ્તરતી ક્ષિતિજો જૂનું એટલું ખોટું માનવાની વૃત્તિને પોષીને પૃથ્વીના વિજ્ઞાનને વધુ ને વધુ ગોપિત કરી નાખવા પૂરતી છે.

દુનિયાભરના ખૂણેખૂણામાં આવી જ પરિસ્થિતિ છે. જે ભાષામાં આર્થિક - સામાજિક વ્યવહાર વધુ થતા હોય તે ભાષાનું ચલણ વધતું જ જાય છે અને ક્યારે આપણા પોતાના શબ્દો પરાયા થઈ જાય છે તેનો ખ્યાલ સુધ્ધાં નથી આવતો.

સાચું કહેજો તમે પોતે હવે દાતણ, શિરામણ, બસી જેવા શબ્દો ક્યારેય વાપરો છો ખરા?

ઈરાનથી ગુજરાત આવેલી પારસી પ્રજા હજી બેડને ઢોલિયો સંબોધે પણ આપણા ગામડા ગામમાં આડબંધ કહીએ તો કોઈ સમજે એમ નથી, કારણ કે ચેકડેમ શબ્દ તેમનો પોતાનો થઈ ચૂક્યો છે. જે શબ્દ આપણા રોજ-બરોજના વપરાશમાં હતા તે હવે ગઈ કાલની વાત થઈ ગયા છે. હવે વાત વન બીએચકેની હોય ત્યાં દીવાનખાનું કે ગેલેરી/બાલ્કનીને બદલે ઝરૂખા કોઈ સમજે ખરું? પરસાળ, ઓસરી, શબ્દ કાને પણ પડે છે? આશ્વાસન માત્ર એટલું જ કે વિશ્વમાં આટલી બધી ભાષાનું ભાવિ જ્યારે તળિયે બેઠું હોય ત્યારે ગુજરાતી તો ટોપ બાદાન પર છે. જ્યાં સુધી જીભ પર ખમણ-ઢોકળાં, પાતરાં અને ઊંધિયાનો સ્વાદ બરકરાર રહેશે ત્યાં સુધી તો ગુજરાતી ટકશે જ એવો આશાવાદ રાખવો કે નહીં? જો આ આશાવાદને પોષવો હોય તો આ વેકેશનમાં બાળકોને માતૃભાષાના વર્ગમાં મોકલી આપજો. કદાચ ફરી આપણી વચ્ચે આવી જાય બકોર પટેલ, મિયાં ફુસકી, છેલ-છબો અને હાથીશંકર ધમધમિયા સ્પેસ શટલમાં, કોઈ નવા સ્વરૂપે...