બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 31 જાન્યુઆરી 2008 (14:04 IST)

સાંઈભક્તોએ શિરડી મંદિરે 60 કરોડ ચડાવ્યા

દાનમાં મળેલા 300 કરોડથી શાળા, હોસ્પીટલ તથા રસ્તા બનાવવાની યોજના

મુંબઈ (ભાષા) વર્ષ 2007 દરમિયાન સાંઈ ભક્તો દ્વારા શિરડીના સાંઈબાબા મંદિરમાં 60 કરોડ રૂપિયા રોકડા, 14 કિલોગ્રામ સોનુ તથા 235 કિલોગ્રામ ચાંદીનો ચડાવો ચડાવવામાં આવ્યો હતો. અત્યાર સુધી દાનમાં મળેલી કુલ 300 કરોડ જેટલી જંગી રકમથી શાળા, હોસ્પીટલ તથા રસ્તા બનાવવાની યોજના પર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

પવિત્ર યાત્રાધામ શિરડીમાં વર્ષ 2007 દરમિયાન ભક્તો દ્વારા ચડાવવામાં આવતી રોકડ અને દાગીનાએ ભુતકાળના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. વર્ષના અંતે થયેલી ગણતરી બાદ ચડાવા સ્વરૂપે મળી રકમનો જંગી આંક જાહેર કરવામાં આવ્યો હતો. શિરડીના સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યુ હતુ કે, વર્ષ 2006 દરમિયાન શ્રધ્ધાળુઓએ 35.25 કરોડ રૂપિયા અને 9 કિલોગ્રામ સોનુ તથા 13.6 કિલોગ્રામ ચાંદીનુ દાન કર્યુ હતુ.

વર્ષ 2007 દરમિયાન ભક્તોએ સાંઈબાબા મંદિરે કુલ 60 કરોડ રૂપિયા રોકડા, 14 કિલોગ્રામ સોનુ તથા 235 કિલોગ્રામ ચાંદી ચડાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે હૈદરાબાદના એક ભક્તે 90 કિલોગ્રામ ચાંદીનુ સિંહાસન ચડાવ્યુ હતુ જેની કિંમત દસ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. વર્ષ 2008ની શરૂઆતમાં જ ભક્તોએ કુલ 6.24 કરોડ રૂપિયા રોકડા અને એક કિલોગ્રામ સોનુ તથા 30 કિલોગ્રામ ચાંદીનુ દાન કર્યુ છે. બાબાના ભક્તોના ચડાવાથી ભેગા થયેલા કુલ 300 કરોડ રૂપિયાથી વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે. જેમાં શાળા, હોસ્પિટલ તથા રસ્તા બનાવવામાં આવશે તેવુ સંચાલકોએ જણાવ્યુ હતુ.