શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2016 (14:19 IST)

સુરતની ચાર બાઇકિંગ ક્વીન્સ 10 દેશોના 10 હજાર કિલોમીટરના સફરે ઉપડી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન માટે સુરતની ચાર બાઇકિંગ ક્વીન્સ પહેલી વાર ૧૦ દેશોમાં બાઇક-રાઇડ કરીને પ્રચાર કરશે. સુરતથી મુંબઈ અને ત્યાર બાદ નેપાલથી છેક સિંગાપોર સુધી માત્ર ને માત્ર બાઇક પર જ ૧૦ હજાર કિલોમીટરની સાહસિક રાઇડ કરવા જઈ રહેલી આ બાઇકિંગ ક્વીન્સ પહેલી વાર ઓપન થઈ રહેલા આ રૂટને લઈને બહુ જ રોમાંચિત છે.

સુરતની ત્રણ મહિલા ડૉ. સારિકા મહેતા, ખ્યાતિ દેસાઈ અને દુરૈયા તાપિયા તેમ જ યુગ્મા દેસાઈ ૪૦ દિવસમાં ભારત, નેપાલ, ભુતાન, મ્યાનમાર, થાઇલૅન્ડ, લાઓસ, કમ્બોડિયા, વિયેટનામ, મલેશિયા અને સિંગાપોરની ૧૦ હજાર કિલોમીટરની સફર ખેડશે. આ પહેલાં તેઓ ચોથી જૂને સુરતથી મુંબઈ સુધી બાઇક-રાઇડ કરીને જશે. ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ લીલી ઝંડી બતાવીને તેમને પ્રસ્થાન કરાવશે.

સુરતમાં ચાલતી બાઇકિંગ ક્વીન્સ સંસ્થાનાં સ્થાપક ડૉ. સારિકા મહેતાએ મીડિયાને કહ્યું હતું કે ‘સિંગાપોર સુધીનો આખો રૂટ પહેલી વાર ઓપન થઈ રહ્યો છે. આ ટોટલી રોડ-રૂટ છે. અમે એક મેસેજ લઈને રૂટ પર રાઇડ કરવાનાં છીએ. અમે આ રૂટ જોયો નથી. ત્યાંના રાઇડરે ક્લિપ્સ મોકલાવી છે એના આધારે અમે રૂટ પર જવાની ચૅલેન્જ ઉપાડી છે. અમારા માટે આ ચૅલેન્જ અઘરી છે, અમને મૉન્સૂન સહિત ઘણી કઠિન પરિસ્થિતિ નડશે, પણ અમે ચૅલેન્જ ઉપાડવા તૈયાર છીએ. આ અમારા માટે પ્રાઉડ મોમેન્ટ છે કે અમે આ રૂટ પર નીકળીશું. ૪૦ દિવસ બાઇક-રાઇડ કરવાની હોવાથી તેમ જ બીજા દેશોમાં જવાનું હોવાથી ખાસ બાઇક મેકૅનિકની ટ્રેઇનિંગ લીધી છે અને મેન્ટલી પ્રિપેડ છીએ. બાઇક ખાસ મૉડિફાઇડ કરાવી છે. રોડનો સ્ટડી કર્યો છે, ક્યાં લંચ લેવું, પેટ્રોલ-પમ્પ ન હોય તો શું પ્રિકૉશન લેવાં એ ઉપરાંત દરેક દેશનાં ફૂડ અને પાણી અલગ હોવાથી અમે હેલ્થનાં પ્રિકૉશન પણ લીધાં છે. આ ઉપરાંત અમે અમારી સાથે એક જીપ પણ રાખીશું. અમે ચારેય બાઇકર્સ પહેલાં સુરતથી બાઇક પર મુંબઈ જઈશું અને ત્યાંથી ફ્લાઇટમાં નેપાલ જઈશું. નેપાલથી અમારી બાઇક-રાઇડ શરૂ થશે જે ભારતમાં થઈને છેક સિંગાપોરમાં પૂરી થશે. ભારતમાં તો અમે બાઇક રાઇડ કરીએ છીએ, પણ બીજા દેશમાં જઈને કેમ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો મેસેજ પાસ ન કરીએ એવો આઇડિયા આવ્યો અને આ રૂટ ગોઠવાયો હતો.’

ઉલ્લેખનીય બાબત એ છે કે આ ત્રણ મહિલાઓમાંથી બે મહિલા ડૉ. સારિકા મહેતા અને ખ્યાતિ દેસાઈને એક-એક દીકરી છે જ્યારે યુગ્મા પોતે જ દીકરી છે એટલે કે યુવતી છે.

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ, એશિયા બુક ઑફ રેકોર્ડ્સ અને લિમકા બુક ઑફ રેકોર્ડ્સવાળા સુરતની બાઇક-મહારૅલીમાં નોંધ લેવા આવશે. ૬ જૂનથી નેપાલના કાઠમાંડુથી તેમની સફર શરૂ થશે.

PMOએ ૧૦ દેશોની એમ્બેસીમાં મેસેજ આપી તમામ મદદ કરી

‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ના સંદેશ સાથે નીકળનારી ચાર બાઇકિંગ ક્વીન્સ માટે પ્રાઇમ મિનિસ્ટર ઑફિસે (PMO) ૧૦ દેશોની એમ્બેસીમાં મેસેજ આપી તમામ મદદ કરી છે.

ગુજરાત BJPના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે ‘એક સારા સંદેશ સાથે નીકળનારી આ બહેનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રોત્સાહન અને સાથસહકાર મળ્યાં છે. આ બહેનોની સફર માટે PMO દ્વારા મદદ કરવામાં આવી છે. ૧૦ દેશોની એમ્બેસીને તેમ જ આર્મીને પણ મેસેજ આપવામાં આવ્યા છે અને તમામ મંજૂરીઓ લીધી છે.’

ગુજરાતમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનના ઇન્ચાર્જ અને BJPના વિધાનસભ્ય જનક પટેલે કહ્યું હતું કે ‘સુરતમાં ચોથી જૂને બાઇક-મહારૅલી યોજાશે જેમાં ૨૫ હજાર બાઇકર્સ જોડાશે. સુરતના બાઇકર્સ આ ચારેય બહેનોને કામરેજ ચાર રસ્તા સુધી બાઇક-મહારૅલીના રૂપમાં મૂકવા જશે.’


(ફોટો - સાભાર યુટ્યુબ)