બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4.3 સ્કેલનો ભૂકંપ

કેન્‍દ્રબિન્‍દુ ભચાઉના રણ વિસ્‍તારમાં હતું-ભુજ સિસ્‍મોગ્રાફ કચેરી

અમદાવાદ (વાર્તા) ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં રવિવારે સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 4 વાગ્યેને 41 મિનિટે ભૂકંપનો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી.

અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ભૂકંપથી જાનમાલના નુકશાનનાં કોઈ સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર કચ્છનાં રાપર નજીક હતું. ભૂકંપ બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરી 2001 માં ગુજરાતમાં આવેલા ભૂકંપમાં હજારો માણસોનાં મૃત્યુ થયા હતાં.

સૌરાષ્ટ્ર-કચ્છના થોડાક ભાગોમાં ગઇકાલે સાંજે 4.41 કલાકે ભૂકંપના શક્‍તિશાળી આંચકાથી ધરા ધ્રૂજી ઊઠતાં લોકોમાં ગભરાટનો માહોલ છવાઇ ગયો હતો. ભૂકંપશાસ્ત્રીઓના જણાવ્‍યા અનુસાર, ભૂકંપના આ આંચકાની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ ઉપર 4.3ની નોંધાઇ હતી અને તે 10 સેકન્‍ડ સુધી અનુભવાયો હતો. તેના આફ્‍ટરશોક્‍સ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠાના વિસ્‍તારો તેમ જ સુરતના અમુક ભાગોમાં પણ અનુભવાયા હતા.

ભૂકંપથી કોઇ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી, પરંતુ ગાંધીધામ, રાપર અને ભચાઉ સહિત કચ્‍છના પૂર્વીય ભાગોમાં લોકો ગભરાટના માર્યા તેમના ઘરોની બહાર દોડી ગયા હતા. બહુમાળી મકાનોમાં રહેતા લોકોમાં વધુ ગભરાટ જોવા મળતો હતો. ભૂકંપનું કેન્‍દ્રબિંદુ ભચાઉથી પાંચ કિ.મી. દૂર હોવાનું જાણવા મળ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, 2001ના ધરતીકંપમાં ભચાઉમાં વ્‍યાપક તારાજી સર્જાઇ હતી. ગઇકાલે રવિવારે અનુભવાયેલા આંચકાનું કેન્‍દ્રબિન્‍દુ ભચાઉના રણમાં રાપરથી નૈઋત્‍ય દિશામાં 15 કિ.મી. દૂર તેમ જ સુવીથી દક્ષિણ દિશામાં 10 કિ.મી. દૂર હોવાનું ભુજ સિસ્‍મોગ્રાફ કચેરીએ જણાવ્‍યું હતુ.

સૌરાષ્ટ્ર-કચ્‍છને ર6 જાન્‍યુઆરી, 2001ના રોજ હચમચાવી દેનાર ફોલ્‍ટલાઈન પુનઃ સક્રિય બની હોવાનું તેમજ આ આંચકા બાદ હળવા આંચકાની સંભાવના પણ ભુજ સિસ્‍મોગ્રાફ કચેરીએ દર્શાવી હતી. કચેરીના એક અધિકારીના જણાવ્‍યાનુસાર, રવિવારે સાંજે જે આંચકો આવ્‍યો તે 4.3 રિકટર સ્‍કેલનો હતો તેમ જ તેનું કેન્‍દ્રબિન્‍દુ ભચાઉના રણ વિસ્‍તારમાં હતું. નવી ફોલ્‍ટ લાઈન નથી પણ જૂની ફોલ્‍ટ લાઈનનો જ આ આંચકો હતો. ભૂકંપની આગાહી શકય નથી, પણ મોટો આંચકો આવતા હવે હળવા આંચકાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું.