શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2014 (15:26 IST)

'સ્ટેચ્યુ ઓફ યુનિટી' વાતો કરતા મોદીજીએ તેમના મ્યુઝીયમ માટે કોઈ જ યોગદાન નથી આપ્યું

P.R
કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલના વારસાના રાજકીય વારસાનો મુદ્દો ફરી એકવાર ચર્ચા પર લાવીને નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યો કે મોદી મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ અંગે સામાન્ય લોકોને 'ગેરમાર્ગે' દોરી રહ્યા છે.

કેન્દ્રીય ખાણ મંત્રી દિનશા પટેલે કહ્યું કે 'રાજ્યના લોકોને સરદાર પટેલ વિશે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને જે લોકો 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ કરવાની વાતો કરી રહ્યા છે તેમને હું એક પ્રશ્ન પૂછવા માગું છું કે તેઓ દોઢ દાયકા કરતાં વધુ સમયથી સત્તા પર હતા છતાં અત્યાર સુધી કેમ ચૂપ રહ્યા.' તેઓ અહીં રાજકોટ-સરાઈ રોહિલ્લા(દિલ્હી) સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સેવાનો આરંભ થયો તે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

દિનશા પટેલે કહ્યું કે 'તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવાની વાતો કરી રહ્યા છે, પરંતુ અમદાવાદમાં શાહીબાગ ખાતે સરદાર પટેલ મ્યુઝીયમ માટે તેમણે કોઈ જ યોગદાન નથી આપ્યું.' દિનશા સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના પ્રમુખ પણ છે. ઉલ્લેખનીય છે કે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' મુખ્યમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સરદાર સરોવર ડેમ પ્રોજેક્ની નજીક આ સ્ટેચ્યૂ માટેનું ભૂમિપૂજન પણ થઈ ચૂક્યું છે.

તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકાર માત્ર કોર્પોરેટ્સના લાભ માટે જ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રની યુપીએ સરકારે આમ આદમીના આરોગ્ય અને શિક્ષણ માટે સંખ્યાબંધ પગલાં લીધા છે.