બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 12 મે 2014 (17:07 IST)

હવે પાક્કુ, આનંદીબહેન પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી

લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં છે ત્યારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શનિવારે અને ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે રવિવારે સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં નવી સરકાર માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું મનાય છે. આ ઉપરાંત ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલના નામની ચર્ચા કરાઈ હોવાનું સંઘના સૂત્રોએ જણાવ્યું હતું.
 
લોકસભાની ચૂંટણીનો આવતીકાલે અંતિમ તબક્કો છે. આવતીકાલે નવમા તબક્કાનું મતદાન યોજાઈ જાય ત્યારબાદ સૌની નજર ૧૬મી તારીખના પરિણામો પર રહેશે. રાજકીય પંડિતો અને ભાજપ એવું માની રહ્યો છે કે ૧૬મીએ પરિણામો જાહેર થશે ત્યારે એનડીએ જ સરકાર બનાવશે. અને જો એનડીએ સરકાર બનાવે તો નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે. આવા સમીકરણો વચ્ચે નરેન્દ્ર મોદીએ ગઈકાલે શનિવારે સંઘના વડા મોહન ભાગવતની મુલાકાત લીધી હતી.
 
ભાગવત અને મોદી વચ્ચે બે કલાક જેટલી લંબાણભરી ચર્ચા થઈ હતી. બાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે આજે રવિવારે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. આ બન્ને નેતાઓએ પણ દોઢ કલાક સુધી ચર્ચા-વિચારણા કરી હતી. આ બન્ને નેતાઓની મુલાકાતનો ઉદ્દેશ કેન્દ્રમાં નવી સરકાર બનાવવા અંગે જરૃરી માર્ગદર્શન મેળવવાનો હતો. નવી સરકાર બનાવવાની થાય તો શું રણનીતિ અખત્યાર કરવી તે અંગે ભાગવત સાથે ચર્ચા કરવામાં આવી હતી.
 
આ ઉપરાંત અન્ય એક મુદ્દો ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવી તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સંઘના અત્યંત વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલના નામનો વિચાર રજૂ કર્યો હતો. પક્ષ કક્ષાએ તમામની સર્વસંમતિ આનંદીબહેનના નામ પર સધાઈ ગયા બાદ હવે સંઘની સ્વિકૃતિ મેળવવા ગઈકાલે મોદીએ ભાગવત સમક્ષ આ મામલે ચર્ચા કરી હતી.
હાલ સંઘમાં પણ નરેન્દ્ર મોદી કહે તેટલું જ થતું હોવાથી તે જે નામ રજૂ કરે તેમાં સંઘ કોઈ વાંધો લે તેવું બનવું લગભગ અશક્ય છે. આથી આનંદીબહેનના નામ પર સંઘે હાલ તો સંમતિ દર્શાવી દીધી છે.
 
હવે ૧૬મી સુધીમાં કોઈ નવા રાજકીય ફણગાં ફૂટે છે કે નહીં તેના પર બધો આધાર રહેલો છે.
સંભવતઃ આ માટે જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મંગળવારે સાંજે પ વાગ્યે ભાજપના તમામ ધારાસભ્યોની એક અગત્યની અને તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં જ નવા મુખ્યમંત્રી માટે નામની ચર્ચા વિચારણા કરાવશે. કોઈપણ ચૂંટણીમાં ટિકીટ વિતરણની બાબત હોય, સંગઠનમાં નિમણૂંકની બાબત હોય કે અન્ય કોઈ બાબત હોય. તેમાં નરેન્દ્ર મોદીનો નિર્ણય આખરી નિર્ણય ગણાય છે. આમ છતાં તેઓ સમગ્ર પ્રક્રિયાને પક્ષની વ્યવસ્થા મુજબ અનુસરાવે છે અને બાદમાં પોતાને નિર્ણય લેવાની સત્તા સોંપવાનો નિર્ણય કરાવે છે. આવી જ રીતે મંગળવારની બેઠકમાં ભાજપના ધારાસભ્યો પાસે પુરી કસરત કરાવ્યા બાદ અંતે આખરી નિર્ણય લેવાની સત્તા નરેન્દ્ર મોદીને સોંપવાનો નિર્ણય કરાવશે.