શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2014 (00:02 IST)

હવે રમશે ભારત, જીતશે ભારતઃ ભાજપ દેશભરમાં યુવાનોને આકર્ષવા ક્રિકેટ રમાડશે

P.R
તાજેતરમાં જ ખેલ મહાકુંભનું સમાપન થયા બાદ હવે દેશના ભાવિ વડા પ્રધાન પદના ભાજપના ઉમેદવાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હવે ક્રિકેટની રમત દ્વારા યુવાઓના દિલ સુધી પહોંચવાની પીચ બનાવી રહ્યા છે. દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ માટેની જંગી પ્રચાર રેલીઓને સંબોધિત કરી રહેલા મોદી માટે દેશના યુવાનોનું મન મોદીમય બને તે માટે ભાજપ હવે દેશભરમાં ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યું છે.

કેજરીવાલની અસર કહો કે ગમે તે હોય યુવાઓ સાથે જોડાયેલા રહેવા માટે ભાજપે હવે ક્રિકેટ નામનો પાસો મેદાનમાં ઉતાર્યો છે. પક્ષના યુવા મોરચાને દેશભરમાં ક્રિકેટમેચની તૈયારી કરવા માટેની જવાબદારી સોંપી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં મોદી ફોર પીએમના નામથી પક્ષ દ્વારા જિલ્લા કક્ષાએ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું છે.

રાજકીય ટીકાકારો માને છે કે પાટનગર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના પક્ષના ઉદય બાદ મોદીના રણનીતિકારોને યુવાઓ સુધી પહોંચતા કરી દીધા છે. યુવાનોમાં કેજરી ફેક્ટર ઓછું કરવા માટે ભાજપ દ્વારા આ નવો નુસખો અપનાવાયો છે. પક્ષના સિનિયર નેતાએ જણાવ્યું હતું કે આ મહિનાથી યુવાનો વચ્ચે પાર્ટી લેવલે અનેક કાર્યક્રમ આયોજિત કરાયા છે. આ પહેલાં શહેરી યુવાનોને સાથે રાખવા માટે મોદીએ રન ફોર યુનિટી કાર્યક્રમ પૂરો કર્યો છે. ગ્રામીણ મતદાતાઓને ભાજપ સાથે જોડી રાખવા માટે સ્ટેટ્સ ઓફ યુનિટી કાર્યક્રમ પૂરા દેશમાં યોજાઈ રહ્યો છે, જેના કારણે સરદાર પટેલ સ્મારક માટે દેશભરમાંથી લોખંડ એકત્રિત કરાઈ રહ્યું છે. ભારતભરમાં ક્રિકેટમેચનું આયોજન કરવા યુવા ભાજપ મોરચાને જવાબદારી સોંપાઈ. અનુરાગ ઠાકુરને સુકાન સોંપાશે. યુવાનોને આકર્ષવાની યોજના- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે ક્રિકેટની કિટ આપી હતી તેમ દેશભરમાં અપાશે - રમશે ભારત, જીતશે ભારતનું સૂત્ર અપાશે.