શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2015 (15:11 IST)

૨૫ લાખ મહિલાઓ યોગ દિવસનો બહિષ્કાર કરશે

૨૧ જુનને વૈશ્વિક યોગા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આયુષ મંત્રાલય દ્વારા પ્રથમ યોગા દિવસની ભવ્ય ઉજવણી કરવા ફરમાન કરવામાં આવ્યું છે. યોગા દિવસની ગુજરાતમાં તડામાર તૈયારી પણ ચાલી રહી છે. પરંતુ બીજી તરફ રાજ્યના તમામ જિલ્લાના ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ (GLPC)ના 1600 થી વધારે અધિકારીઓએ બરાબર યોગ દિવસ અગાઉ જ ત્રણ દિવસની માસ સી.એલ.જાહેર કરી છે. સાથે જ સખી મંડળની ૨૫ લાખ બહેનોએ પણ યોગા દિવસના કાર્યક્રમમાં ન જોડાવાનું એલાન કરી બહિષ્કાર કરવાનો નિર્ણય કરતા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ આ વિરોધને શાંત કરવા દોડતા થઈ ગયા છે.

શા માટે ઊગામ્યું માસ સી.એલનું શસ્ત્ર?

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમીટેડ (GLPC) એટલે કે મિશન મંગલમ સાથે જોડાયેલા તમામ જિલ્લાના આશરે ૧૬૦૦ જેટલા અધિકારીઓએ તારીખ 18 થી 20 જુન સુધી ત્રણ દિવસની રજા પર રહેનાર છે. ત્યારે GLPCના તાબા હેઠળના 2.5 લાખ સખી મંડળની 25 લાખ મહિલાઓ પણ યોગ દિવસના કાર્યક્રમમાં નહીં જોડાય કાર્યક્રમના બહિષ્કાર કર્યો છે. મળતી માહિતી મુજબ GLPCના અધિકારીઓના પગારમાં છેલ્લા ચાર વર્ષથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેમજ મળવાપાત્ર પી.એફ અને ગવર્મેન્ટ ગાઈડલાઈન મુજબ ઇન્શોરન્સ પણ આપવામાં ન આવતું હોવાથી અધિકારીઓએ યોગા દિવસની ઉજવણીના સમયે જ વિરોધનું શાસ્ત્ર ઉગામ્યું છે. GLPCના અધિકારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણીની તૈયારીના કામકાજથી પણ અળગા રહ્યા છે. તેમજ GLPCના અધિકારીઓના સમર્થનમાં સખી મંડળની ૨૫ લાખ જેટલી મહિલાઓએ પણ આ યોગ દિવસની ઉજવણીનો બહિષ્કાર કરવાની સાથે સખી મંડળને સોંપવામાં આવેલી યોગ શિબિરની કામગીરીથી અળગા રહી વિરોધ દર્શાવ્યો છે.

યોદ દિવસ પહેલાં સામૂહિક રજા પર ઉતરીશું :  વિજય સચદેવા

GLPCના અધિકારી વિજય સચદેવાએ Khabarchhe.comને જણાવ્યું હતું કે રાજયભરમાં 2.5 લાખ સખી મંડળો GLPC અંતર્ગત કાર્યરત છે. એક સખી મંડળમાં ઓછામાં ઓછી 10 મહિલાઓ હોવી જરૂરી હોય છે. અગાઉ તમામ સખી મંડળની મહિલાઓ તેમજ GLPCના અધિકારીઓને યોગના કાર્યક્રમમાં જોડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે યોગ દિવસ પહેલાના ત્રણ દિવસ અધિકારીઓ માસ સી.એલ.ઉપર હોવાથી સખી મંડળની 25 લાખ મહિલાઓ પણ યોગ દિવસની ઉજવણીમાં નહીં જોડાય.

- વર્તાશે લોકોની પાંખી હાજરી

શાસક પક્ષના વિવિધ કાર્યક્રમોમાં મસમોટી જનસંખ્યાની હાજરી વિવિધ યોજનાના અધિકારીઓ જ દર્શાવતા હોય છે. ત્યારે યોગા દિવસની ઉજવણીના ભવ્ય કાર્યક્રમમાં GLPCના ૧૬૦૦ અધિકારીઓ સહીત સખી મંડળની ૨૫ લાખ મહિલાઓ હાજર ન રહેવાની હોવાથી કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરીના એંધાણ વર્તાય રહ્યા છે. તેવા સમયે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ આ વિરોધને શાંત કરવા માટે દોડતા થઈ ગયા છે.

બીજી બાજુ GLPCના અધિકારીઓએ માસ સી.એલ.નું શસ્ત્ર ઉગામતા રાજ્ય સરકારના ઇશારે મેનેજિંગ ડિરેક્ટરે પણ આદેશ નહીં માનનાર અને કામગીરીમાં નબળા હોય તેવા અધિકારીઓને છૂટા કરવાનો આદેશ ફરમાવ્યો છે. ત્યારે વિવિધ ઉજવણીમાં કરોડોનો ધુમાડો કરનાર શાસક પક્ષ પોતાની જ યોજનાના કાર્યકરોની હાજરીને જાહેર જનતાની મસમોટી હાજરી ગણાવતા આવ્યા છે. તેવા સમયે GLPCના અધિકારીઓના સી.એલ.ના આ શસ્ત્રને નાથવા માટે ઉચ્ચ અધિકારીઓ કેવા પગલા લેશે તેને લઈ હાલ યુધ્ધ પહેલાંની શાંતિ પ્રવર્તી રહી હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યું છે.