ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 1 માર્ચ 2014 (12:02 IST)

‘ખુશબૂ ગુજરાત કી' હવે પાવાગઢ-ચાંપાનેરમાં

P.R


રાજ્‍યના ટૂરિઝમ બ્રાન્‍ડ એમ્‍બેસેડેર અને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્‍ચન નવમી માર્ચે ‘ખુશબૂ ગુજરાત કી' ના શૂટિંગ માટે પાવાગઢ-ચાંપાનેર આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે. બિગ બી ત્રણ દિવસ માટે આ વિસ્‍તારમાં શૂટિંગ કરશે અને ચાંપાનેર અને પાવાગઢ વિસ્‍તારની વિવિધ ઇમારતોની પણ જાણકારી આપશે. છેલ્લા એક વર્ષથી બીગ બી પાવાગઢ-ચાંપાનેરની મુલાકાતે આવશે તેવું અંદાજે ગોઠવાયું હતું પરંતુ ગત મે માસમાં છેલ્લા દિવસો દરમિયાન શૂટિંગનું શેડયૂલ કેન્‍સલ થયાં હોવાના કારણે હવે પછી રાજ્‍ય સરકારના શેડયૂલ મુજબ શૂટિંગ માટે ૯-૧૦-૧૧ માર્ચની ફાળવણી કરવામાં આવી છે. આ દરમિયાન બિગ બી પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતાના મંદિર ઉપરાંત વિવિધ ઐતિહાસિક ઇમારતો અંગે પણ માહિતી આપતા દેખાશે. બિગ બીના શૂટિંગ દરમિયાન પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનો ધસારો વધે તેવી શક્‍યતાના પગલે સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત બનાવાઇ છે. પ્રવાસન વિભાગનાં સૂત્રો જણાવે છે કે શૂટિંગ બાબતે હજુપણ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ સાત જેટલી ઐતિહાસિક ઇમારતોનું શૂટિંગ હાથ ધરાશે.

ખુશબૂ ગુજરાત કીના શૂટિંગ દરમિયાન ચાંપાનેર-પાવાગઢનાં સૌ પ્રથમ મા મહાકાળી મંદિર ઉપરાંત જામા મસ્‍જિદ, કેવડા મસ્‍જિદ, નગીના મસ્‍જિદ, ઇસ્‍ટ અને સાઉથ બજરા ગેટ અને શહર કી મસ્‍જિદ ઉપરાંત ચાંપાનેરની પ્રસિદ્ધ સાત કમાનનું શૂટિંગ પણ કરાશે.

ખુશબૂ ગુજરાત કીના શૂટિંગ માટે પ્રવાસન વિભાગના પુરાતત્ત્વ વિભાગ દ્વારા ત્રણ દિવસની મંજૂરી આપવામાં આવી છે. નવ માર્ચથી અગિયાર માર્ચ સુધી ઉપરોક્‍ત સ્‌થળે શૂટિંગ થઇ શકશે. પુરાતત્ત્વ વિભાગના નિયમ અનુસાર સૂર્યોદયથી સૂર્યાસ્‍ત સુધી જ શૂટિંગની પરવાનગી આપવામાં આવી છે તેવું પુરાતત્ત્વ વિભાગના અધીક્ષક ડો. શિવાનંદ રાવે જણાવ્‍યું હતું.