બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

આગ

W.D
એ માણસનુ ઘર સળગી રહ્યુ હતુ. તે પોતાના પરિવાર સહિત આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ આગ પ્રચંડ હતી. ઓલવવાનુ નામ નહોતી લઈ રહી. એવુ લાગતુ હતુ કે જેમ સદીઓથી લાગેલી આગ છે, કે પછી તેલના કૂવામાં માચીસ ચાંપી દીધી હોય, કે પછી કોઈ જ્વાલામુખી ફાટી પડ્યો હોય. માણસે પોતાની પત્નીને કહ્યુ, - આ પ્રકારની આગ તો મે મારા જીવનમાં ક્યારેય જોઈ નથી.

પત્ની બોલી - હા, આ રીતની આગ તો આપણા પેટમાં લાગતી હતી જે આપણે જોઈ નહોતા શકતા.

તેઓ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે બે ભણેલા ગણેલા ત્યાં આવી પહોંચ્યા. માણસે તેમને કહ્યુ - ભાઈ અમારી મદદ કરો'. બંનેયે આગ જોઈ અને ગભરાઈ ગયા. તેઓ બોલ્યા - જુઓ અમે બુધ્ધિજીવી છીએ. લેખક છીએ, પત્રકાર છીએ, અમે તમારી આગ વિશે જઈને લખીએ છીએ અને તેઓ બંને જતા રહ્યા.

થોડીવાર પછી ત્યાં એક સામાન્ય માણસ આવ્યો તેને પણ આ માણસે આગ ઓલવવામાં મદદ કરવાની વિનંતી કરી. તે બોલ્યો - 'આવી આગ તો મેં કદી જોઈ નથી. આ આગ વિશે જાણવા માટે શોધ કરવી પડશે. હુ મારી શોધ સામગ્રી લઈને આવુ છુ ત્યાં સુધી તમે આ આગ ન ઓલાવવા દેતા. આટલુ કહીને એ ત્યાંથી ચાલ્યો ગયો. માણસ અને તેનો પરિવાર ફરીથી આગ ઓલવવાના પ્રયત્નોમાં લાગી ગયા. પરંતુ આગ હતી કે કાબુમાં નહોતી આવી રહી.

બંને પતિ-પત્ની થાકીને બેસી ગયા. થોડીવાર પછી એક બીજો માણસ ત્યાં આવી પહોંચ્યો. તેણે માણસ પાસે મદદ માંગી. તે માણસે આગ જોઈ. અંગારા જોયા તે બોલ્યો - 'એ બતાવો કે આ અંગારાઓનું તમે શુ કરશો ?

પેલો માણસ આશ્ચર્યમાં પડી ગયો, એ શુ બોલતો ?

એ માણસ બોલ્યો - હું અંગારા લઈ જઈશ, હા, ઠંડા થયા પછી જ્યારે એ કોલસો બની જશે ત્યારે.

થોડીવાર પછી આગ ઓલવનારા આવી ગયા, આગનુ વિકરાળ રૂપ જોઈને તેમના તો હોશ જ ઉડી ગયા. તેઓ તો ચિંતામાં ડૂબી ગયા. તેમાંથી એક બોલ્યો - આ આગ આમ જ સળગી રહે તેમા જ દેશની ભલાઈ છે.

કેમ ? માણસે પૂછ્યુ

એ માટે કે આ આગ ઓલવવા માટે આખા દેશના કુલ પાણીમાંથી અડધુ પાણી જોઈશે.

પણ મારુ શુ થશે ? પેલા માણસે પૂછ્યુ

જુઓ તમારુ નામ ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાશે. તમારા દેશનુ નામ પણ સમજ્યા ?

આ વાતચીત દરમિયાન વિશેષજ્ઞો પણ આવી ગયા. તેઓ આગ જોઈને બોલ્યા - આટલી વિરાટ આગ, આનો તો નિકાસ થઈ શકે છે. વિદેશી મુદ્રા આવી શકે છે. આ આગ ખાડી દેશોમાં મોકલી શકાય છે.

બીજા વિશેષજ્ઞે કહ્યુ - આ આગ તો આખા દેશ માટે સસ્તી ઉર્જાનો સ્ત્રોત બની શકે છે.

આ ઉર્જાથી પેટ્રોલ વગર ગાડી ચાલી શકે છે. આ ઉર્જા દેશના વિકાસમાં ફાળો આપી શકે છે. આ આગને ફેલાવો.

ફેલાવો ? પેલો માણસ બરાડ્યો.

હા, મોટા મોટા પંખા લગાવો, તેલ નાખો જેથી આગ ફેલાય.

પણ મારુ શુ થશે ? પેલો માણસ બોલ્યો.

તમને તો ફાયદો જ ફાયદો છે, તારુ નામ આખા દેશના નિર્માણ ઈતિહાસમાં સોનીરી અક્ષરે લખવામાં આવશે. તુ તો નાયક છે.

થોડા દિવસો પછી જોવા મળ્યુ કે પેલો માણસ જેના ઘરમાં એના પેટ જેવી ભયાનક આગ લાગી હતી, આગને ભડકાવી રહ્યો હતો, હવા આપી રહ્યો હતો.