શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By કલ્યાણી દેશમુખ|

લડાઈનું કારણ

N.D
પૌત્ર રોહિત સાથે દાદાજી એક અનાથાલયમાં થોડોક સામાન આપવા ગયા હતા. અનાથાલયમાં ઘણાં બાળકો હતા. જોઈને દાદાજીએ પોતાના પૌત્રના માથા પર હેતથી હાથ ફેરવ્યો અને મનોમન વિચારી રહ્યા હતા કે મારો પૌત્ર નસીબદાર છે કે તેને માતા-પિતા અને પરિવાર મળ્યો છે. તેને દરેકનો પ્રેમ અને સંસ્કાર મળ્યા છે.

જે બાળકો અનાથ થઈ જાય છે એ લોકો પર શુ વીતતી હશે ? તેઓ કોની પાસે અધિકારથી કોઈ વસ્તુની માંગણી કરી શકે છે ? આગળ જતા નસીબ સાથ આપે તો ઠીક નહી તો બસ બીજાઓની દયા પર જીવવું એ જ એમનુ જીવન બની જાય છે.

દાદાજી સાથે આવેલ રોહિતે બાળકોને પોતાના હાથથી વસ્તુઓ આપી. ઘણા સમયથી સાચવીને પોતાના ખિસ્સામાં મૂકી રાખેલી એક કેડબરી પણ છેવટે એક રડતા બાળકને આપી, અને તેને ચૂપ થતો જોઈને એક અનોખો આત્મસંતોષ મેળવ્યો. દાદાજી આ દ્રશ્ય જોઈને ગદ્દગદ્દ થઈ ગયા. તેમને પણ સંતોષ થયો કે પૌત્રમાં પોતાના ગુણ આવ્યા ખરા.

થોડીવાર પછી રોહિતે જોયુ કે ત્યાં બે બાળકો લડી રહ્યા હતા, રોહિતે દાદાજીને પૂછ્યુ - દાદાજી, આ બંને કેમ લડી રહ્યા છે ? દાદાજી બોલ્યા - એ લોકોના માતા-પિતા નથી ને માટે એમને કોણ સમજાવે?

સાંજે ઘરે ગયા પછી રોહિતે જોયુ કે તેના પપ્પા અને તેના કાકા માતા-પિતાને પોતાની પાસે રાખવાની જવાબદારી કોણ લે તે બદલ લડી રહ્યા હતા. ફરી રોહિતે દાદાજીને પૂછ્યુ - દાદાજી, આ લોકો કેમ લડી રહ્યા છે ?

દાદાજી બોલ્યા - તેમના મા-બાપ છે ને એટલે.
દાદાજી વિચારી રહ્યા હતા કે કોણ નસીબદાર ? માતા પિતા વગરના એ અનાથ બાળકો કે જેમને મોટા થઈને માતા-પિતાની જવાબદારી નહી લેવી પડે, ભલે પછી તેમનુ બાળપણ અનાથ હોવાને કારણે ગમે તેવુ વીત્યુ હોય, કે પછી આ માતા-પિતાવાળા બાળકો ? જે ભૂલી ગયા કે જે માતા-પિતાને કારણે તેઓ આજે આટલા ભણી-ગણીને ઉચ્ચ હોદ્દા પર બેસ્યા છે, તેઓ માતા પિતાને સાચવવા માટે લડી રહ્યા છે.

તો બીજી બાજુ દાદાજીએ આપેલા બે જવાબ પહેલા તો - 'મા-બાપ નથી ને માટે', અને બીજો જવાબ 'તેમના માતા-પિતા છે ને માટે'. આ બે લડાઈને કારણે ઉભા થયેલા વિરોધાભાસથી રોહિતનુ નાનકડું હૃદય વધુ મૂંઝવણમાં પડી ગયુ.