ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

લો કેલેરીવાળી નેપાળી ડિશ - મોમોસ

P.R
તિબેટ અને નેપાળની આ સ્પેશિયલ ડિશ મોમોસ આજે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. આ રેસિપિની સૌથી ખાસ વાત એ છે કે તેમાં બહુ ઓછી કેલરીનો પ્રયોગ થાય છે. તેને બનાવવા માટે કોઇપણ પ્રકારના તેલ કે ખાસ મસાલાનો ઉપયોગ નથી થતો કારણ કે તેને સ્ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જાણીએ તે બનાવવાની રીત...

સામગ્રી - 4-5 કપ મેંદો, 1 ચમચી બેકિંગ પાવડર, 9-10 કાપેલી ડુંગળી, 1 કાપેલી કોબીજ. કાપેલા 7-8 ગાજર, 2-3 ચમચી બટર, 1થી 2 ચમચી આદુંની પેસ્ટ, 1-2 ચમચી આજીનો મોટો, સ્વાદ અનુસાર મીઠું.

ચટણી બનાવવા માટે - 4-5 ટામેટા, 4-5 લસણ, 2-4 લીલા મરચાં. 1 કપ કાપેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું.

મોમો બનાવવાની રીત - સૌથી પહેલા મેંદામાં પાણી, બેકિંગ સોડા અને મીઠું મિક્સ કરી લોટ બાંધીને તૈયાર કરો અને તેને બાજુએ રાખી દો. હવે એક વાટકામાં બારીક કાપેલી ડુંગળી, કોબીજ અને ગાજર લઇ તેમાં 1 ચમચી બટર અને થોડું મીઠું મિક્સ કરો. આ શાકભાજીને પાણીમાં ઉકાળવા માટે મૂકો અને જ્યારે બરાબર બફાઇ જાય એટલે પાણી નીતારી દો. હવેતેમાં 1 ચમચી બટર અને આજીનોમોટો નાંખીને સારી રીતે મિક્સ કરી બાજુએ મૂકી દો. હવે તૈયાર કરેલા લોટમાંથી લુવા લઇ ગોળ વણો. વણેલી રોટલીમાં શાકભાજીનું મિશ્રણ ભરી પોટલી જેવો આકાર આપી દો. પોટલીને કસીને દબાવી સીલ કરી દો. આ રીતે બધી પોટલીઓ બનાવી તેમાં સામગ્રી ભરી લો. હવે પાણી ભરેલા પ્રેશર કૂકરને ગેસ પર ચઢાવો અને તેમાં મોમોને સ્ટીમ દ્વારા 15-20 મિનિટ માટે બાફી લો.

ચટણી બનાવવાની રીત - ગેસની આંચ પર ટામેટાંને બાફીને છોલી દો. હવે મિક્સરમાં ટામેટાં, કોથમીર, લસણ મીઠું અને લીલા મરચાંને એકસાથે પીસી લો. ચટણી તૈયાર છે.