શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : સર્વગુણ સંપન્ન ફળ છે દ્રાક્ષ

P.R
કહેવાય છે દ્રાક્ષનું ઉત્પાદન સૌથી પહેલા લગભગ છથી આઠ હજાર વર્ષ પહેલા યુરોપમાં થયું હતું. ફ્રાન્સના લોકો સાથે તે અમેરિકા પહોંચી જ્યાં બાદમાં તેનો પ્રયોગ વાઇન બનાવવા માટે થવા લાગ્યો. દ્રાક્ષ એક બળવર્ધક અને સૌંદર્યવર્ધક ફળ છે. તેમાં માતાના દૂધ સમાન પોષકતત્વો હોય છે. ફળોમાં દ્રાક્ષ સર્વોત્તમ ગણાય છે. તે નિર્બળ-સબળ, સ્વસ્થ-અસ્વસ્થ વગેરે તમામ માટે સમાન રીતે વાપરી શકાય છે. જાણીએ તેના મહત્વપૂર્ણ ઉપયોગો વિષે...

દ્રાક્ષના ફાયદા -

1. દ્રાક્ષના નાના-નાના દાણા પર ભરપુર ખૂબીઓથી ભરેલા હોય છે. દ્રાક્ષમાં પૉલી-ફેનોલિક ફાઇટોકેમિકલ કમ્પાઉન્ડ હોય છે. આ એન્ટીઓક્સિડેન્ટ્સ શરીરને માત્ર કેન્સરથી જ નહીં કોરોનરી હાર્ટ ડિસીઝ, નર્વ ડિસીઝ, અલ્ઝાઇમર અને વાઇરલ તથા ફંગલ ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે.

2. દ્રાક્ષમાંથી મળતા પોષકતત્વો આપણા સમગ્ર શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. દ્રાક્ષમાંથી સીમિત માત્રામાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ, સોડિયમ, ફાઇબર, વિટામિન એ, સી, ઈ અને કે, કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક અને આયર્ન પણ મળે છે.

3. શરીરના કોઇપણ ભાગમાંથી લોહીનો સ્રાવ થતા દ્રાક્ષના એક ગ્લાસ જ્યુસમાં બે ચમચી મધ નાંખીને પીવડાવવાથી લોહીના સ્રાવ દરમિયાન જેટલું લોહી ઓછું થયું હોય તેટલા લોહીની ઉણપને પૂરી કરી શકાય છે.

4. દ્રાક્ષનો પલ્પ ગ્લુકોઝ અને શર્કરાયુક્ત હોય છે. દ્રાક્ષમાં વિટામિન એ પૂરતી માત્રામાં હોવાથી દ્રાક્ષનું સેવન ભૂખ વધારે છે, પાચનશક્તિ સુધારે છે, આંખો, વાળ અને ત્વચાને ચમકીલી બનાવે છે.

5. હાર્ટ અટેક સામે બચવા માટે કાળી દ્રાક્ષનો રસ એસ્પ્રિનની ગોળી સમાન કારગર છે. એસ્પ્રિન લોહીના ગઠ્ઠા જામવા નથી દેતી. કાળી દ્રાક્ષના રસમાં ફલેવોનાઇડ્સ નામનું તત્વ હોય છે અને તે પણ આ જ કાર્ય કરે છે.

6. દ્રાક્ષ ફોલ્લી, ખીલ વગેરેને સૂકવવામાં મદદ કરે છે. દ્રાક્ષના રસ દ્રાક્ષના રસના કોગળા કરવાથી મોઢાના ઘામાં રાહત મળે છે.

7. એનિમિયામાં દ્રાક્ષથી ઉત્તમ બીજી કોઇ દવા નથી. ઉલ્ટી આવે કે બેચેની લાગે તો દ્રાક્ષ પર થોડું મીઠું અને મરીનો ભૂક્કો ભભરાવી સેવન કરો.

8. પેટની ગરમી શાંત કરવા માટે 20-25 દ્રાક્ષ રાતે પાણીમાં પલાળી દો તથા સવારે તેને મસળીને નીચોવી તથા તે રસમાં ખાંડ મિક્સ કરી પીવું જોઇએ.

9. ભોજનના અડધા કલાક પછી દ્રાક્ષનો રસ પીવાથી લોહી વધે છે અને થોડા દિવસોમાં પેટ ફૂલવું, અપચો વગેરે બીમારીઓમાંથી છુટકારો મળે છે.