મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. સ્વતંત્રતા દિવસ
Written By વેબ દુનિયા|

ગુજરાતી મહિલા નવલકથાકાર - વિનોદીની

- અક્ષેશ સાવલિયા

ગુજરાત સાહિત્યનાં પ્રસિદ્ધ સાહિત્યકાર રમણભાઇ નીલકંઠ કે જેમણે ગુજરાતી સાહિત્ય જગતને અમુલ્ય એવી 'રાઈનો પર્વત' અને ભદ્રંભદ્ર' કૃતિઓ આપી છે તથા ગુજરાતનાં પ્રથમ મહિલા સ્‍નાતક વિદ્યાબેનને ત્યાં ફેબ્રુઆરી 1907 માં પુત્રી તરીકે વિનોદીનીનો જન્મ થયો હતો.

માતા- પિતાની વિદ્યાનો વારસો પુત્રી વિનોદીનીમાં આપ મેળે આવ્યો. વિનોદીની ગુજરાતી તથા અંગ્રેજી બંને વિષય સાથે સ્‍નાતક થયા બાદ વર્ષ 1929 માં ઉચ્ચ અભ્યાસ અર્થે શિષ્‍યવૃત્તિ મેળવીને અમેરીકા ગયા. અમેરીકામાં વધુ અભ્યાસ કરીને અનુસ્‍નાતકની પદવી મેળવી. જેવી રીતે માતા ગુજરાતનાં પ્રથમ મહિલા સ્‍નાતક બન્યા હતાં તેમ વિનોદીની પણ અમેરીકા જનાર પ્રથમ ગુજરાતી મહિલા બન્યા અને અન્ય યુવતીઓ માટે પ્રેરણાસ્‍ત્રોત બન્યા.

ગુજરાત આવ્યા બાદ વિનોદીની નીલકંઠે ગુજરાતી સા‍હિત્ય જગતમાં વિવિધ રીતે યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, બાળ બાર્તા, અનુવાદ... વગેરે પ્રકારમાં સાહિત્યનું ખેડાણ કર્યું છે. જીવનનાં આશરે 40 વર્ષો સુધી સમાચાર પત્રોનાં માધ્યમ દ્વારા સ્‍ત્રી જાગૃતિ વિશે સિંહ ફાળો આપ્યો છે. સાદી છતાં સચોટ શૈલી દ્વારા ગુજરાતીની સીધી-સાદી સ્‍ત્રીઓને ધ્યાનમાં રાખીને ગાંધીયુગનાં વિચારો દ્વારા વિનોદીનીએ સ્ત્રીઓનાં હૃદયમાં ઉચ્ચ સ્‍થાન પામ્યા છે. તેમની અનેક કૃતિઓ પાઠ્યપુસ્‍તકોમાં પણ પ્રકાશિત થતી રહે છે.

તેમની જાણીતી વાર્તા 'દરિયાદિલ' પરથી પ્રખ્યાત ફિલ્મ 'કાશીનો દિકરો' બની છે. જે ફિલ્મને અનેક પુરસ્‍કારો મળ્યા છે. વિવિધ સ્‍થળોની મુલાકાત લઇને તેમને કાગળ પર વર્ણવાની કળા વિનોદીની નીલકંઠે સિદ્ધહસ્‍ત કરી છે. તેમણે ‍હિમાલય સહિત ભારતભરમાં અનેક પ્રવાસ કર્યા છે. પ્રકૃતિ અંગેના તેમના નિબંધ ગ્રંથો 'રસદ્વાર', 'આસીના ભીતરમાં' , 'નિજાનંદ' અને 'વિનોદિની' ઘણા પ્રસિદ્ધ થયા છે.

સાહિત્ય સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ વિનોદીનીએ અમૂલ્ય ફાળો આપ્યો છે. વનિતા વિશ્રામ અને મ્યુનિસિપણ ગર્લ્સ હાઇસ્‍કુલનાં આચાર્ય તરીકે પણ પોતાની સેવા આપીને અમદાવાદમાં અગ્રેસર કરી હતી. કોલેજમાં પણ પ્રાધ્યાપિકા તરીકે દસ-દસ વર્ષ સુધી શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન આપ્યું હતું. ગાંધીવાદી એવા વિનોદીનીએ દારૂ નિષેધમાં પણ અગ્રેસર રહ્યાં છે.

સો વર્ષ પહેલા જન્મેલા વિનોદીની નીલકંઠનો અમુલ્ય ફાળો ગુજરાતની પ્રજા કદી પણ ભૂલશે નહીં......