1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. વાયરલ અને ટ્રેંડિંગ સમાચાર
  4. Digital Lock and Iron Grille Turn Fatal, 8 Members of Indore Pugalia Family Burn to Death

ઘરમાં ડિઝિટલ લૉક અને લોખંડની જાળી બની મોત, ઈન્દોર પુગલિયા પરિવારના 8 સભ્યોના જીવતા બળી જવાથી મોત

Indore fie accident
Indore fie accident
Indore Fire Tragedy :મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા બ્રજેશ્વરી એનેક્સ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક કાળજું કંપાવનારી ઘટના બની હતી. રબરના વેપારી મનોજ પુગલિયાના ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગતા પરિવારના 8 સભ્યોના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હજુ થોડા દિવસો પહેલા જ પરિવારમાં લગ્નનો પ્રસંગ ઉજવાયો હતો.
 

ઇલેક્ટ્રિક કારમાં શોર્ટ સર્કિટથી લાગી આગ

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આગનું મુખ્ય કારણ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર્જ થઈ રહેલી ઇલેક્ટ્રિક કાર (ટાટા પંચ) હતી. સવારે 4 વાગ્યાની આસપાસ કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થયું હતું. કારની બાજુમાં જ ઇલેક્ટ્રિક પોલ હોવાથી આગના તણખા વાયરિંગ મારફતે આખા ઘરમાં વીજળીની ઝડપે ફેલાઈ ગયા હતા અને જોતજોતામાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું.
 

 સુરક્ષા જ બની પરિવાર માટે કાળ

- સુરક્ષિત ઘરના કારણે બચાવ કામગીરી શક્ય બની ન હતી.
- મનોજ જૈનના પુત્રના લગ્ન 23 જાન્યુઆરીએ થયા હતા; તેની નાની પુત્રવધૂ તેના માતાપિતાના ઘરે હોવાથી     બચી ગઈ.
- મૃતકોમાં ત્રણ બાળકો, ત્રણ મહિલાઓ, જેમાં એક ગર્ભવતી પુત્રવધૂનો પણ સમાવેશ થાય છે, અને બે
    પુરુષોનો   સમાવેશ થાય છે.
- ઘરમાં કાર, રેફ્રિજરેટર, એસી અને જીમ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
-  ઘરનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
 
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે ઘરની સુરક્ષા માટે લગાવવામાં આવેલા આધુનિક સાધનો જ મોતનું કારણ બન્યા. ઘરના મુખ્ય દરવાજા પર ડિજિટલ લૉક લગાવેલા હતા અને ઉપરના માળની બાલ્કનીઓ લોખંડની મજબૂત જાળીઓથી ઢંકાયેલી હતી. આગ લાગ્યા બાદ વીજળી ગુલ થતા ડિજિટલ લૉક જામ થઈ ગયા, જેના કારણે પરિવારના સભ્યો ઘરની બહાર નીકળી શક્યા નહીં અને અંદર જ ફસાઈ ગયા.
 

ઘરની અંદર થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો
 

આગ લાગ્યા બાદ ઘરમાં રહેલી અન્ય વસ્તુઓએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી હતી. પડોશીઓએ જણાવ્યું કે તેમણે કારની બેટરી, એસી કોમ્પ્રેસર અને રેફ્રિજરેટરમાં વિસ્ફોટ થવાના ભયાનક અવાજો સાંભળ્યા હતા. આ ઉપરાંત, ઘરમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા, જેમાંથી એક કે બે સિલિન્ડર ફાટ્યા હોવાની શંકા છે, જેના કારણે આખું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું.
 

8 સભ્યોના કરૂણ મોત
 

આ અગ્નિકાંડમાં ઘરના માલિક મનોજ પુગલિયા, તેમની ગર્ભવતી પુત્રવધૂ સિમરન અને ત્રણ નિર્દોષ બાળકો સહિત કુલ 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. મનોજભાઈ પોતે પરિવારને બચાવવા અંદર ગયા હતા પરંતુ તેઓ બહાર આવી શક્યા નહીં. અન્ય 4 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નસીબજોગે નાની પુત્રવધૂ પિયર હોવાથી તેનો જીવ બચી ગયો હતો.
 

ફાયર બ્રિગેડ પહોંચવામાં થયેલો વિલંબ
 

સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ઘટનાની જાણ કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ લગભગ 40 મિનિટ મોડી પહોંચી હતી. સાંકડી શેરીઓને કારણે મોટા વાહનોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી. જો ફાયર ફાઈટરો સમયસર પહોંચ્યા હોત, તો કદાચ જાનહાનિ ઓછી થઈ શકી હોત. પડોશીઓએ અડધા કલાક સુધી ડોલથી પાણી નાખીને આગ ઓલવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
 

તપાસ અને સુરક્ષા અંગેના સવાલો
 

હાલમાં તિલક નગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટનાએ ડિજિટલ લૉક અને વધુ પડતી સુરક્ષા (ગ્રીલ) ધરાવતા મકાનોમાં ઇમરજન્સી એક્ઝિટની જરૂરિયાત પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રબરના વેપારી હોવાથી ઘરમાં કોઈ જ્વલનશીલ સામગ્રી હતી કે કેમ તે દિશામાં પણ ફોરેન્સિક નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે.
 
ये भी पढ़ें
અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ