બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By વેબ દુનિયા|
Last Modified: કોલકાતા , મંગળવાર, 7 એપ્રિલ 2009 (14:55 IST)

નેનોઃગુજરાતમાં ગુડ, બંગાળમાં બેડ

બંગાળમાં નેનો "એજન્ડા કાર"

ભારતીય રાજકારણમાં પ્રથમવાર કોઈ વાહન રાજકીય મુદ્દો બની ગયો છે. એક પક્ષ તેના દ્વારા લાભ કમાવવા માંગે છે, તો બીજો પક્ષ તેનાથી થનારા નુકસાન અંગે જનતાની વચ્ચે જાય છે. આમ પીપલ્સ કાર, રાજકારણીઓ માટે એજન્ડા કાર બની ગઈ છે. એક પક્ષ માટે ઈકોનોમિક મુદ્દો છે, તો બીજા પક્ષ માટે પોલીટીકલ મુદ્દો બની ગઈ છે. આ અંગે તપાસ કરીને રીપોર્ટ આપ્યો છે, અમારા રીપોર્ટર દેવાંગ મેવાડાએ.....

ઈતિહાસઃ

ટાટા મોટર્સની પીપલ્સ ગાડી નેનો સિંગુર થી સાણંદ આવી ગઈ છે. સિંગુરમાં નેનોને માર મળ્યો હતો, પણ સાણંદમાં તેનો માવો મળી રહ્યો છે. એટલે કે સિંગુર ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે.પણ સાણંદમાં તેના માટે લાલ જાજમ પાથરવામાં આવ્યા છે. એટલે કે કોમ્યુનિસ્ટનાં દુર્ગ એવા પશ્ચિમી બંગાળથી નેનો કાર બહાર તો આવી ગઈ છે. પણ લોકસભાની ચુંટણીમાં નેનો પ્રચારનો મુખ્ય મુદ્દો બની ગયો છે. એકતરફ સીપીએમ જેવી સામ્યવાદી પાર્ટી નેનો પ્રોજેક્ટ જવાથી રાજ્યને થયેલા નુકસાની અંગે જનતાને સમજાવી રહી છે. તો તૃણમુલ કોંગ્રેસની ફાયરબ્રાન્ડ નેતા મમતા બેનર્જી ખેડૂતોને પોતાની કિંમતી જમીન જવાથી થનારા નુકસાનને લઈને જનતા વચ્ચે જઈ રહી છે.

હકીકતઃ

પણ સાચી વાત કંઈ બીજી જ છે. કોમ્યુનિસ્ટોનાં દુર્ગ એટલે કિલ્લા એવા પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 30 વર્ષોથી સરકાર ચાલે છે. કોઈપણ પક્ષ તેને હરાવી તો શું, હલાવી પણ શક્યું નથી. જ્યોતિ બસુએ પોતાનાં કાર્યકાળમાં જમીન સુધારા, મજૂરોને હક્ક તેમજ પંચાયતી રાજ જેવા પગલાં ભરીનેરાજ્યનાં ગામડાઓને સ્વાવલંબી બનાવ્યા હતા. પણ સમયની સાથે રાજ્યની વસ્તી વધતી રહી. જમીનનાં ટુકડા થતાં રહ્યાં. બેરોજગારી વધતી રહી. ત્યારે 2001માં બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ સત્તા સંભાળી. બુદ્ધદેવને સીપીએમમાં ઉદારમતવાદી ગણવામાં આવે છે. તેણે રાજ્યની આર્થિક સ્થિતિ જોઈ. બેરોજગારી દૂર કરવાનાં ઉપાયરૂપે રાજ્યમાં ઉદ્યોગોને આકર્ષવા લાગ્યા. જેમાં સલીમ અને નેનો જેવા મોટો પ્રોજેક્ટો મળ્યા.

પણ આ પ્રોજેક્ટો માટે ફળદ્વુપ જમીનની ફાળવણી કરવા અંગે સીપીએમનાં નિર્ણયને લઈને નંદીગ્રામ અને સિંગુરમાં લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો. કહેવાય છે કે આ વિરોધ તૃણમુલ કોંગ્રેસે કર્યો હતો. પણ સાચી હકીકત તો એ છે કે સીપીએમમાં કટ્ટરવાદી એવા વર્ધમાન જૂથને બુદ્ધદેવની ઉદારમતવાદી અને મૂડીવાદી છબી પસંદ નહતી. તેમણે જ પોતાની કોમ્યુનિસ્ટ સરકાર વિરૂદ્ધ ચળવળ ચલાવી અને તૃણમુલને આડકતરી રીતે સપોર્ટ આપ્યો. આ ઉપરાંત 30 વર્ષથી જે રાજ્યમાં જમીન સુધારણા અને રક્ષણનાં કામ ચાલતાં હોય, ત્યાં ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવા માટે થોડો સમય જોઈએ. પણ બુદ્ધદેવ સરકારે તાત્કાલિક ધોરણે અમલ કરવાનો પ્લાન કર્યો. જેના કારણે લોકોની અંદર પણ રોષ ફાટી નીકળ્યો.

કોમ્યુનિસ્ટની કાલ....

કારણ કે સામ્યવાદી સામાન્ય રીતે મૂડીવાદી વિરોધી હોય છે. તેમાં બુદ્ધદેવની ઉદ્યોગો તરફી નીતિઓએ સામ્યવાદીઓ હજમ કરી શક્તાં હતા. આમ બે વાંદરાઓનાં ઝઘડામાં બિલાડી લાભ લઈ જાય, તેમ સીપીએમનાં આંતરીક ઝઘડામાં તૃણમુલની મમતા રાજકીય લાભ લઈ રહી છે. ત્રણ દાયકામાં બંગાળમાં ઔદ્યોગિક ક્ષેત્રે કંગાલીયત પર આવી ગયું હતું. તેથી તેણે રાજ્યનું ઔદ્યોગિકીકરણ કરવાનો મોકો ગુમાવી દીધો છે.

છેલ્લાં ત્રણ દાયકાથી કોલકાતાની અલીમુદ્દીન સ્ટ્રીટમાં કે જ્યાં સીપીએમનું હેડક્વાર્ટર આવેલું છે. તેમાં જમીન, મજૂર અને પંચાયતીરાજનાં હિમાયતી એવા માર્ક્સવાદીઓ પાર્ટીમાં મૂડીવાદી એટલે કે અમેરિકા તરફી વલણ ક્યારેય સ્વીકાર્યું નથી. તો બીજી બાજુ બુદ્ધદેવની લાર્જર ધેન પાર્ટીની ઈમેજ પણ નેનો પ્રોજેક્ટ હટાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ.

તટસ્થ વાત...

નેનોને લઈને સીપીએમ અને તૃણમુલ બંને પોતાનો મત રાખ્યો છે. બંને એમ કહે છે કે તેઓ નેનોની વિરોધમાં નથી. આ અંગે જાણીતા અખબાર ધ સ્ટેટ્સમેનનાં પત્રકાર ઉદય બસુનાં જણાવ્યા મુજબ તૃણમુલને પ્રારંભિક રીતે ગમે તેટલો ફાયદો ઉઠાવી લીધો હોય, પણ ચુંટણીમાં સીપીએમને વફાદાર એવા ગ્રામીણ વિસ્તારમાં કેવી રીતે પ્રચાર કરશે તે જોવું રસપ્રદ રહેશે. તો સીપીએમ તો આ મુદ્દાને પોતાની છબી બદલવાની તક તરીકે જોઈ રહી છે. પણ ધ સ્ટેટ્સમેનનાં વરિષ્ઠ પત્રકાર ઉદય બાસુનાં જણાવ્યા મુજબ તૃણમુલે સીપીએમનાં ગઢ એવા ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા લાગી છે. સીપીએમ હાલ પોતાની વિચારધારાને બદલવા અંગે મુંઝવણમાં આવી ગઈ છે. સીપીએમ માટે યુદ્ધ જીતવા જતાં ગઢ હારવા જેવી સ્થિતિ પેદા થઈ છે. ઔદ્યોગિકીકરણ કરવાની કોશિશમાં તે પોતાની પરંપરાગત વોટબેન્ક ગુમાવી રહી છે. બાસુનાં જણાવ્યા મુજબ લોકસભાની ચુંટણીમાં તૃણમુલ કોંગ્રેસ પોતાનો દેખાવ સુધારી શકે છે.


નેનો ગુજરાતમાં....

નેનો પ્રોજેક્ટ ગુજરાતમાં આવવાની સાથે સ્વયંભૂ રીતે લોકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. ઠેર ઠેર મોદી અને રતન ટાટાનાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે સાબિત કરે છે કે ભાજપનાં નેતાઓ સ્થાનિક સ્તરે નેનો પ્રોજેક્ટનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરશે.