શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By હરેશ સુથાર|

ભાજપને 47 કોંગ્રેસને 40 ટકા પ્રજામત !

N.D

લોકસભાની ચૂંટણીના નગારા પીટાઇ રહ્યા છે, રાજકીય પક્ષોના કાર્યકરો આળસ મરડી ઉભા જોશમાં આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ બેઉ મેદાન મારી જવાના દાવા કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. ગત લોકસભાની ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો બંનેમાંથી કોઇ માટે પણ આ ચૂંટણી જંગ સરળ નથી. ભાજપને 47 તથા કોંગ્રેસને 40 ટકાનો પ્રજામત મળ્યો છે. જો કોમવાદ. સગાવાદ, જ્ઞાતિવાદ કે પછી અન્ય કોઇ વાદનું ફેક્ટર કામ કરી જાય તો પરિણામ કંઇ ઓર હશે !
N.D

ગત ચૂંટણીના આંકડાનું પૃથ્થકરણ કરીએ તો ચોંકાવનારી વિગતો જાણવા મળે છે. 26 બેઠકો પૈકી 14 ઉપર કમળ ખીલ્યું હતું તો 12 બેઠકો પંજાના હાથમાં આવી હતી. જેમાં દસેક બેઠકો તો એવી છે જેમાં પાતળી સરસાઇ જોવા મળી હતી. જો બેઠકો ઉપર મતોનું ધ્રુવીકરણ થાય તો આ ચૂંટણીનું પરિણામ કંઇક અલગ આવી શકે એમ છે.

રાજ્યના 1,52,13,501 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 45.18 ટકા મતદાન થયું હતું. જેમાંથી 72,04,915 મતોએ કમળ ખીલવતાં ભાજપને 47.36 ટકા પ્રજામત મળ્યો હતો. જ્યારે સામે પક્ષે 12 બેઠકો ઉપર જીત મેળવનાર કોંગ્રેસને 68,48,560 મત સાથે 40.01 ટકા પ્રજામત મળ્યો હતો.

26 બેઠકો પૈકી નવ બેઠકો ઉપર 5 ટકાથી ઓછી, સાત બેઠકો ઉપર 5થી10 ટકા, પ બેઠકો ઉપર 10થી15 ટકા તથા 5 બેઠકો ઉપર 15થી20 ટકાની સરસાઇ જોવા મળી હતી. જેમાં સૌથી ઓછી સરસાઇ દાહોદની બેઠક ઉપર માત્ર 0.07 ટકા જ રહી હતી જ્યારે સૌથી વધુ લીડ માંડવી બેઠક ઉપર 26.89 ટકા લીડ રહી હતી.

5 ટકાથી ઓછી સરસાઇવાળી નવ બેઠકોમાં પાંચ ભાજપ તથા ચાર કોંગ્રેસના ફાળે છે. જેમાં ભાજપની દાહોદ બેઠક ઉપર તો હાર-જીત વચ્ચે માત્ર 361 (0.07 ટકા) મતનું જ અંતર હતું. બરોડામાં 6603 તથા પોરબંદરમાં 5703 (1.16 ટકા) મતની સરસાઇ હતી. જ્યારે પાટણમાં 23624 (4.39 ટકા) તથા ધંધુકામાં 22794 (4.41 ટકા) હતી તો સામે પક્ષે કોંગ્રેસના કબ્જાવાળી અમરેલી બેઠક ઉપર માત્ર 2030 (0.43 ટકા) મતનો જ તફાવત હતો. બનાસકાંઠાની બેઠક ઉપર 6928 (1.08 ટકા) તથા જામનગરમાં 5593 (1.29 ટકા) તથા મહેસાણાની બેઠક ઉપર 14511 (2.09 ટકા) મતોની સરસાઇ હતી.

5થી 10 ટકા સરસાઇવાળી 7 બેઠકો પૈકી ભાજપને 3 તથા કોંગેસને 4 બેઠકછે. જેમાં ભાજપની કચ્છ બેઠકમાં 6.32 ટકા, સુરેન્દ્રનગરમાં 7.45 ટકા તથા ગોધરામાં 10 ટકા સરસાઇ રહી હતી. કોંગ્રેસના વિજયવાળી સાબરકાંઠા બેઠક ઉપર 6.1 ટકા, જુનાગઢમાં 6.21 ટકા, વલસાડમાં 6.45 ટકા તથા છોટા ઉદેપુરમાં 6.51 ટકા તફાવત હતો. 10થી 15 ટકાની સરસારઇવાળી 5 બેઠકોમાં ભાજપની ભરૂચ બેઠક ઉપર 10.61 ટકા તથા અમદાવાદ બેઠક ઉપર 14.45 ટકા લીડ રહી હતી. જ્યારે કોંગ્રેસની આણંદમાં 10.33 ટકા, ખેડામાં 12.58 ટકા તથા કપડવંજમાં 13.34 ટકા સરસાઇ હતી.

15થી 20 ટકા સરસાઇવાળી 5 બેઠકોમાં ભાજપે 4 બેઠકોની સામે કોંગ્રેસની માત્ર એક જ બેઠક છે. ભાજપની સુરત બેઠક ઉપર 16.80 ટકા, ભાવનગર 18.08 ટકા, ગાંધીનગર 25.68 તથા રાજકોટ બેઠક ઉપર 26.73 ટકા તફાવત હતો. જયારે કોંગ્રેસની એક માત્ર માંડવીની બેઠક ઉપર સૌથી વધુ લી઼ડ 26.89 ટકા સર્જાઇ હતી. વધુ લીડથી જીતેલી આ બેઠકો જીત માટે નક્કર કહી શકાય બાકી બેઠકો ગમે તે ઘડીએ નવું સમીકરણ બતાવે એમ છે.