ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|

ઓકી દાતણ જે કરે, તે વૈદ ઘેર કદી ન જાય'- દાતણનું મહત્વ હવે લોકોને સમજાય છે

P.R
આજે દિન-પ્રતિદિન દાતણ શબ્દ નવી પેઢી માટે અજાણ્યો્ બનતો જાય છે. ટુથ બ્રશ અને ટુથપેસ્ટ ના જમાનામાં છેલ્લા બે દાયકાથી દાતણ વપરાશકારો લુપ્ત્ થતા જાય છે. આજે મોટા ભાગના બાળકો અને વડીલો ટુથબ્રશનો ઉપયોગ કરતા જોવા મળે છે. જો કે આજે પણ અમુક વડીલો બજારમાંથી દાતણ લાવીને કરે છે. ઘણા વડીલો તો બગીચામાં કે અન્ય જગ્યાેએ લીમડાનું ઝાડ હોય તો તેના દાતણ બનાવીને દાતણ કરે છે. તથા સવારે મોર્નિંગ વોકમાં જતા લોકો માટે તથા લાફીંગ કલબમાં જતા લોકો માટે ઉકાળા કેન્દ્રમાં કે લાફીંગ કલબમાં પણ દાતણની વ્યવસ્થા કરાય છે. આ ઉપરાંત સરકારી હોસ્પિ્ટલમાં બીમાર દર્દીઓ માટે તથા તેની સાથે આવેલ સગા સબંધીઓને પણ દરરોજ દાતણ અપાય છે.

પહેલાના દાયકામાં દેવીપુજક સમાજના બહેનો દાતણ આપવા લોકોના ઘરે જતા. લોકો તેમને દાતણના બદલામાં પૈસા નહી પરંતુ તેઓને તેના બદલામાં અનાજ અથવા જમવાનું અપાતું હતું. વાર તહેવારે દાતણવાળા બહેનને વસ્તુઓ અપાતી. લોકોને દરરોજ તરોતાજા દાતણ મળતા હોવાથી ગામડામાં ભાગ્યે જ ટુથપેસ્ટનો ઉપયોગ થતો, પરંતુ બહાર ભણવા ગયેલા અને બહારગામથી આવતા મહેમાનો ટુથપેસ્ટ કરતા હોવાથી ગામડાના લોકો પણ ટૂથપેસ્ટંનો ઉપયોગ કરવા લાગ્યા. ગામડામાં જો કોઇ ટુથપેસ્ટનો ઉપયોગ કરે તો બધા તેની સામે કુતૂહલ ભાવે જોતા. આજે આ સ્થિતિમાં બદલાવ આવ્યો છે. આજે જો કોઇ દાતણ કરે તો આજની નવી પઢી તેની સામે વિસ્મયથી નિહાળે છે.

જો કે દાતણ કરવાથી દાંત ભલે ચમકતા ન દેખાય પરંતુ દાતણ દાંતને નુકસાનકર્તા નથી. પહેલાના જમાનામાં એક કહેવત પ્રચલિત હતી કે ‘ઓકી દાતણ જે કરે, તે વૈદ ઘેર કદી ન જાય'. અર્થાત ઉબકા આવે તે રીતે દાતણ કરે તે રીતે દાતણ કરવાનો સંકેત દર્શાવાયો છે.

પહેલા દાતણની બજાર ભરાતી એક સાથે સાત થી આઠ લોકો દાતણ વેચવા બેસતા, લાંબી લાંબી દાતણની સોટીઓના ભારા લાવી તેના કટકા કરી બજારમાં વેચતા. પરંતુ આજે આ ધંધામાં લોકોને જરાય રસ નથી. આજે બહુ ઓછા લોકો આ ધંધામાં જોવા મળે છે અને દાતણ વેચવાના પરંપરાગત ધંધામાં નવી પેઢીને રસ નથી અને આ ધંધામાં એટલી કમાણી પણ નથી કે તેના દ્વારા ગુજરાન ચલાવી શકાય. આજે લોકો પોતાના સંતાનોને પરંપરાગત ધંધામાં લાવવા નથી માંગતા, તેઓ પણ પોતાના સંતાનોને ભણાવવાની ઇચ્છા ધરાવે છે. બદલાતા જતા સમય સાથે આજે લોકોની જીવનશૈલીમાં પણ પરિવર્તન થતું જોવા મળે છે. એક સમય એવો હતો કે લોકો રોજના હજારો દાતણ વેચીને પોતાનું પેટીયુ રળતા હતા. પરંતુ આવા વ્યવસાયમાં આજે હવે કોઇને રસ હોય તેવું જણાતું નથી.