ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

ક્રિકેટ ઇતિહાસનો કાળો દિવસ !

પાકમાં શ્રીલંકા ટીમ ઉપર હુમલો

આતંકવાદ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતાં આઇએસઆઇ, અલકાયદા, તાલીબાનની ગંદી રાજરમતોથી આજે પાકિસ્તાન સંકટમાં મુકાયું છે. ક્રિકેટ ઇતિહાસના કાળા દિવસ સમા આ હુમલા બાદ કોઇ ટીમ પાકમાં પગ મુકતાં પહેલા સો વાર નહીં લાખોવાર વિચાર કરશે.      

સ્વર્ગ સમા કાશ્મીરમાં આતંકના ઘોડા છુટા મુકનાર પાકિસ્તાન પહેલેથી જ બદનામ છે. મુંબઇ હુમલા બાદ તો સમગ્ર વિશ્વમાં એના ચહેરા ઉપરથી નકાબ હટી ગયો છે. દુધ પાઇ ઉછેરેલા સાપોલીયા આજે ખુદ પાકિસ્તાનના ગળામાં ફસાઇ ગયા છે. આતંકવાદને પોષતા તાલિબાન, અલકાયદા, આઇએસઆઇ જેવા સંગઠનોથી આજે પાકિસ્તાન ધ્રુજી રહ્યું છે, ફફડી રહ્યું છે.

આતંકવાદીઓના સ્વર્ગ સમાન બની ચુકેલ પાકિસ્તાન આજે સમગ્ર વિશ્વ માટે એટમ બોમ્બ છે. પાકિસ્તાનના અણુ શસ્ત્રો ગમે તે ઘડીએ આતંકવાદીઓના હાથમાં સરકી જાય છે એમ છે. આવા સમયે દિવસે દિવસે પાકિસ્તાન વધુને ગરકાવ થઇ રહ્યું છે. પાકિસ્તાન તો સલામત રહ્યું નથી પરંતુ તે વિશ્વની શાંતિ પણ હણી રહ્યું છે.

આઝાદીથી અત્યાર સુધીના સમયનો ઇતિહાસ તપાસીએ તો ભારતે પાકિસ્તાનની મેલી મુરાદોને બર આવવા નથી દીધી, તેના કાંકરીચાળાઓનો મુંહતોડ જવાબ આપ્યા બાદ પણ ભારત દરેક વખતે પાકિસ્તાનને માફ કરતું આવ્યું છે. આમ છતાં કુતરાની પૂ્છડી વાંકી તે વાંકી એ કહેવતને વધુને વધુ ચરિતાર્થ કરી રહ્યું છે. મુંબઇમાં હુમલો કરી પાકિસ્તાને હદ કરી હતી. સમગ્ર વિશ્વમાં તેનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો છે ત્યારે આજે પોતાની ધરતી ઉપર રમવા આવેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઉપર કરાયેલા હુમલાએ પાકિસ્તાનની રહીસહી આબરૂને પણ ધુળમાં ભેળવી છે.

શ્રીલંકાની આખે આખી ટીમને યમલોક મોકલવા કારસો ઘડાયો હતો. એક નહી બે નહીં એક સાથે ડઝન જેટલા આતંકવાદીઓ એક સાથે આધુનિક હથિયારો સાથે મોત બની ત્રાટક્યા હતા. પહેલા હેન્ડ ગ્રેનેડ પછી રોકેટ લોન્ચર અને છેલ્લે અંધાધૂંધ ગોળીબારી કરી ક્રિકેટ ખેલાડીઓને જાણે કે ચારણી કરી દેવાના હતા. જોકે બસ ડ્રાઇવરની સમય સુચકતાને કારણે ખેલાડીઓ બચી ગયા હતા. હુમલા બાદ મળી આવેલા આધુનિક હથિયારો, કાજુ બદામના પેકેટ ઘણું બધુ સુચવી જાય છે. મુંબઇ હુમલાની મોડસ ઓપરેન્ડીથી કરાયેલા આ હુમલાથી જાણે કે હુમલાખોરો એ કહેવા જઇ રહ્યા છે કે અમે જ્યા ઇચ્છીએ ત્યાં હુમલા કરી શકીએ છીએ.

આતંકવાદ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતાં આઇએસઆઇ, અલકાયદા, તાલીબાનની ગંદી રાજરમતોથી આજે પાકિસ્તાન સંકટમાં મુકાયું છે. ક્રિકેટ ઇતિહાસના કાળા દિવસ સમા આ હુમલા બાદ કોઇ ટીમ પાકમાં પગ મુકતાં પહેલા સો વાર નહીં લાખોવાર વિચાર કરશે. એ કહેવું પણ અનૂચિત નથી કે, પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવે.....હાલની પરિસ્થિતિ જોતાં પાકિસ્તાન સમગ્ર વિશ્વ માટે સંકટ બની રહ્યું છે. તેને કાબુમાં લેવું એ સૌના હિતમાં છે તો કોની જોવાઇ રહી છે રાહ....માંડો કદમ.....ઉપાડો હથિયાર....