શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 19 માર્ચ 2014 (15:09 IST)

ગંદાગોબરા ગીધનું અસ્તિત્વ આપણા અસ્તિત્વ માટે જરૂરી

P.R
મલેશિયન પ્લેન ક્યાં લુપ્ત થઈ ગયું તે અઠવાડિયા સુધી સમજાયું નહીં. તેમાં મુસાફરી કરી રહેલા માણસો અચાનક નથી રહ્યા. તેમનું શું થયું, કેમ આમ થયું તે સવાલો આપણને સતાવતા જ રહેશે. પણ ક્યારેય વિચાર્યું છે આ જ રીતે અનેક પક્ષી, પ્રાણી, વૃક્ષો લુપ્ત થઈ રહ્યાં છે અને આપણે એની નોંધ પણ નથી લેતા.

માનવજાતની વસ્તી પૃથ્વી પર વધતી જાય છે તેમ અનેક જરૂરી પ્રાણી,પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે. હકીકતમાં આપણે સૌ જાણીએ છીએ કે દરેક પ્રાણી,પક્ષી પૃથ્વી પરના વાતાવરણના સમતુલન માટે જરૂરી છે.પરંતુ, આપણે એટલું સ્વાર્થી જીવન જીવીએ છીએ કે બીજા જીવોનું શું થાય છે તેના વિશે વિચારવાની જરૂરત પણ નથી સમજતા. ભુસાતા જતા અસ્તિત્વની અસર તો વાતાવરણ પર થતી જ હોય છે. ગ્લોબલ વૉર્મિંગની જેમ નષ્ટ થતી વાઇલ્ડ લાઈફ માટે પણ મનુષ્યે ચિંતા કરવી જ રહી. વાઘ, સિંહ અને સુંદર પક્ષીઓના અસ્તિત્વની ચર્ચા થતી જોવા મળે છે. પરંતુ, ગીધ પક્ષીની વાત નીકળે ત્યારે આપણું મોં મચકોડાય છે, કારણ કે આ પક્ષીનો દેખાવ કે અવાજ આકર્ષક નથી. અને તે હંમેશા મૃત જીવ પર નભે છે.

મૂળ જૂનાગઢના વિરાણી કુટુંબના પણ તેના દાદા મુંબઈમાં જન્મયા અને પછી કેનિયા વ્યાપાર અર્થે ગયા ને ત્યાં જ રહી ગયા. એટલે મુનીરનો જન્મ અને ઉછેર કેનિયાના નૈરોબીમાં થયા. મુનીર વિરાણી ગીધ માટે વાત કરતાં કહે છે કે, મને ગીધ માટે પ્રેમ છે. અને તે પ્રેમને પુરવાર કરવા માટે ગીધની જાતિઓને નષ્ટ થતી રોકવાના પ્રયત્ન કરે છે. મુનીર આમ તો ઘણો સારો ક્રિકેટર છે. કિશોરવયમાં તેનો ક્રિકેટપ્રેમ કેનિયાની નામાંકિત ક્લબ ટીમમાં સામેલ થવા સુધી લઈ જાય છે.

એક સમયે ટુર્નામેન્ટની જીતને કારણે તેને કેનિયાના રિઝર્વ નેશનલ પાર્કમાં રજા માણવા માટેનું પેકેજ મળ્યું. ત્યાં એણે કુદરતી વાતાવરણ અને પ્રાણી, પક્ષીઓ વચ્ચે સમય વિતાવ્યો. તેને સમજાયું કે વાઇલ્ડ લાઈફમાં તેને રસ પડે છે. એટલે મુનીરે વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું. ૧૯૯૦ની સાલમાં તે આઇસીસી વર્લ્ડ કપ જે હોલેન્ડમાં રમાવાનો હતો તે માટે કેનિયન ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયો હતો પણ ત્યારે એણે વાઇલ્ડ લાઈફનું ભણતર અને ક્રિકેટની કારકિર્દી વચ્ચે કોઇ એકની પસંદગી કરવી પડે તેવો સમય આવ્યો અને છેવટે તેણે ક્રિકેટને બદલે અભ્યાસને મહત્ત્વ આપ્યું.

ઇંગ્લૅંડમાં માસ્ટર્સ અને પીએચડી કરીને તેણે વિશ્ર્વમાં ગીધની જાતિ પર સંશોધન કર્યું. ગીધ નહીં હોય તો આપણી આસપાસની ગંદકી ઝડપથી ખતમ નહીં થાય. દેખાવમાં ભલે આ પક્ષી સુંદર ન હોય પણ તે મૃત જીવોના શબ જે ઝડપથી ખાય છે તેને કારણે તે ખૂબ જ ઉપયોગી છે. પારસીઓ મૃત વ્યક્તિના શબને ટાવર ઓફ સાયલન્સમાં ગીધને ખાવા માટે મૂકે છે. તેમના ધર્મમાં શબને બાળવાની કે દાટવાની રસમ નથી. પણ મુંબઈના ટાવર ઓફ સાયલન્સમાં ગીધની નષ્ટ થતી જાતિને કારણે લાશ કોહવાય છે. મુનીર કહે છે કે ગીધનું મહત્વ પૌરાણિક કાળમાંય રહ્યું છે. રામાયણમાં જટાયુની વાર્તા આપણે સૌ જાણીએ છીએ. ઇજિપ્તમાંની માયથોલોજીમાં ગીધ છે. ડિઝનીના કાર્ટૂનોમાં ગીધનો ઉપયોગ કરાયો છે. અને ટુ બી ફ્રેન્ક ગીધ રાજકારણીઓ કરતાં સારા જ હોય છે. ગીધ કુદરતી રીતે આસપાસના વાતાવરણને સાફ કરે છે. જ્યાં ગીધની જાતિ નષ્ટ થઈ છે ત્યાં એન્થ્રેક્સ, રેબીઝ જેવી બીમારીઓ ફેલાવતાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, કારણ કે પશુઓની લાશનો નિકાલ આવતાં વધુ સમય લાગતો હોય છે તેને લીધે બીમારી ફેલાવતા બેક્ટેરિયાઓ ઉત્પન્ન થાય છે. કારણ કે ગીધ ફક્ત હાડકાં જ રહે તે રીતે કોઇપણ મૃત જીવના શરીરને ખાઈ જતું હોય છે. ભારતમાં પણ ગીધની જાતિ લુપ્ત થવામાં છે. વધુમાં વધુ પંદર વરસ. દરેક પક્ષી અને પ્રાણીનું પોતાનું આગવું મહત્ત્વ છે. એક જાતિ લુપ્ત થતાં આખાય પર્યાવરણમાં અસર થાય છે. માણસોએ પોતાના સ્વાર્થ માટેય આવા પક્ષીઓ, પ્રાણીઓને નષ્ટ થતાં બચાવવા જરૂરી છે. કારણ કે તેમને નષ્ટ પણ આપણે જ કરીએ છીએ. આપણા સ્વાર્થ ખાતર. કેનિયામાં અને અન્ય જગ્યાએ જ્યાં વિન્ડમીલ છે તે સારું છે પરંતુ, આ વિન્ડમીલને કારણે અનેક પક્ષીઓ કપાઈ મરે છે. તેનો બીજો કોઇ રસ્તો વિચારવો જોઇશે.

P.R
આમ, સમાજસેવાનું કામ કરતાં ગીધની વસ્તી અચાનક નષ્ટ થતી જોઈ દુનિયાના રેપ્ટર બાયોલોજિસ્ટને ચિંતા થઈ. ૨૦૦૦ની સાલમાં મુનીર વિરાણીને ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ગીધની નષ્ટ થતી જાતિ અંગે સંશોધન કરવા માટે ફંડ મળ્યું હતું. જાણવા મળ્યા પ્રમાણે કેટલીક જંતુનાશક દવાઓને કારણે મરતા પ્રાણીઓને ખાવાને કારણે ગીધની વસ્તી ઝડપથી ઘટી રહી છે.

મુનીર વિરાણી પ્રયત્ન કરે છે કે ગીધ જેવા પક્ષીને લોકો ભૂલી ગયા છે, જેનું અસ્તિત્વ જોખમમાં મુકાતા આપણે પણ ભોગવવું પડશે તે સમજ્યા બાદ લોકો તેના અસ્તિત્વને ટકાવવા પ્રયત્ન કરે, કારણ કે ગીધ આપણા ઇતિહાસ સાથે પણ જોડાયેલું છે. રામાયણમાં આવતા જટાયુની બલિદાનની કથા યાદ કરવા જેવી છે. ગંદાગોબરા આ પક્ષીનું અસ્તિત્વ આપણા અસ્તિત્વ માટે જરૂરી છે તે ભૂલવું ન જોઇએ. કુદરતે દરેક જીવમાત્રને કોઇક ખાસ ઉદ્દેશથી અસ્તિત્વ આપ્યું છે. આપણા અસ્તિત્વને ટકાવવા માટે બીજાના અસ્તિત્વનો ભોગ લેવો જરૂરી નથી. મુનીર કહે છે કે આ પક્ષી વિશે અને તેની ઉપયોગિતા વિશે વાત થવી જરૂરી છે. પવનચક્કીઓ ઇકોલોજી માટે જરૂરી છે પણ આ પવનચક્કીઓ દ્વારા પક્ષીઓના ટુકડા થતાં હોય તો ફેરવિચાર પણ કરવો જરૂરી છે. ગીધના અસ્તિત્વને માટે જાગૃતિ નહીં આવે તો દશ વરસથીય ઓછા સમયમાં ભારતમાંથી તો આ પક્ષી નામશેષ થઈ જશે. સ્વસ્થ ભવિષ્ય માટે ગીધ જેવા પક્ષીને પણ પ્રેમ કરતાં શીખવું પડશે માનવજાતે.

એક તરફ માનવવસ્તી સતત વધી રહી છે તેને વિશે આપણે ગંભીરતાથી વિચારતા નથી. અને એ વધતી વસ્તીને કારણે આપણે કુદરતી વાતાવરણને નષ્ટ કરી રહ્યા છીએ. આખરે તો તેના પરિણામ માનવજાતે જ ભોગવવા પડશે. એટલે પોતાના સ્વાર્થ માટેય સહી હવે તો જાગીએ.