બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

દાળ વગરનું તો...કેવું લાગશે ભાણું ?

ગરીબની થાળીમાંથી અદૃશ્ય થતી તુવેર દાળ

જ્યારથી દેશના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ શર્મ અલ શેખમાં પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની સાથે સંયુક્ત નિવેદન આપીને સ્વદેશ પરત ફર્યા છે ત્યારથી દેશની સંસદમાં સતત એ જ ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાને પોતાના નિવેદનમાં બલૂચિસ્તાનનું નામ શા માટે જોડ્યું ? આ ચર્ચાઓ ખોટી નથી, પરંતુ આ સાથે અન્ય કેટલાયે મુદ્દાઓ છે જે હાલ સંસદમાં ચર્ચાની માગણી કરે છે.

ND
N.D
આજે કોણ નથી જાણતું કે, દેશમાં તુવેર દાળના ભાવો કઈ ગતિએ વધી રહ્યાં છે ? આ ભાવો આસમાને પહોંચી રહ્યાં છે. એવા સમયે સ્વાભાવિક છે કે, સંસદમાં આ વિષય પર પણ દલીલો થવી જોઈએ, ચર્ચાઓ થવી જોઈએ ? શું તુવેર દાળ પણ બલૂચિસ્તાનની જેમ જ એક જ્વલંત મુદ્દો નથી. વિપક્ષે પણ અગાઉ મોંઘવારીને રણનીતિ બનાવીને સંસદની બહાર ધરણા કર્યા પરંતુ હાલ ગરીબની થાળીમાંથી અદૃશ્ય થતી દાળની તેને બિલકુલ પણ ચિંતા નથી. ?

તાજેતરમાં દિલ્લીથી એક સમાચાર આવ્યાં છે કે, જનતાને રાહત પહોંચાડવાના ઉદેશ્યથી દિલ્લીમાં 80 કેન્દ્રો પર રાહત દરે તુવેર દાળનું વિતરણ કરવામાં આવવાની જાહેરાત કરી છે પરંતુ આ યોજના શરૂઆતી ચરણોમાં જ નિષ્ફળ પૂરવાર થતી દૃશ્યમાન થઈ રહી છે. હજુ સુધી સરકાર દ્વારા નિયત કેન્દ્રો પર દાળનો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો નથી.

બીજી તરફ એવા પણ સમાચારો આવ્યા છે કે, દેશમાં દાળની અછતને જોતા વિદેશોથી મંગાવામાં આવેલી ચાર લાખ ટન દાળ કોલકાતાના બંદર પર સડીને નષ્ટ થઈ ગઈ છે. જો તેને ત્યાંથી સમયસર ઉઠાવી લેવામાં આવી હોત અને બજારો અને ગોદામો સુધી પહોંચાડી દેવામાં આવી હોત તો આજે આ સમસ્યાનું નિર્માણ ન થયું હોત અને દાળના ભાવોને નિયંત્રણમાં રાખી શકાયા હોત પરંતુ સરકારી બાબુની આળસ અને બેજવાબદારીના કારણે આ આયાતિત દાળ પણ બેકાર થઈ ગઈ.

એ વાત સહું કોઈ જાણે છે કે, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે દાળ માત્ર ખાદ્યાન્ન જ નહીં પરંતુ પ્રોટીનનો પણ મુખ્ય સ્ત્રોત છે. મોંઘવારીના આ યુગમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના લોકો દાળ અને રોટલી ખાઈને જ પોતાના જીવનનું ગુજરાન કરી લે છે તેઓને તેમાં જ સંતોષનો ઓડકાર મળી રહે છે.

W.D
W.D
દાળએ આપણા ગુજરાતી ભોજનનો પણ એક અભિન્ન ઘટક છે. પરંતુ જે દેશમાં એક મજૂરને દૈનિક કુલ 120 રૂપિયા આપવામાં આવે છે તે 80 થી લઈને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવની દાળની ખરીદી કેવી રીતે કરી શકશે ? સરકાર પણ દાળના ઉત્પાદનને વધારવા માટે કોઈ નક્કર પગલા હાથ ધરી રહી નથી અને બજાર પર પણ તેમનું કોઈ નિયંત્રણ નથી.

કોઈ કહે છે કે, સરકારે દાળના વેચાણના વેપારને અંકૂશમાં રાખવા અમુક પગલા હાથ ધર્યા છે. આ માટે ખાદ્ય વિભાગના પ્રસ્તાવ પર ઉચ્ચસ્તરીય ચર્ચાઓ પણ ચાલી રહી છે. જે અંતર્ગત બે ત્રણ માસ માટે તુવેર દાળના વેપારને આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 હેઠળ અંકૂશની સીમામાં લાવવામાં આવશે. કેન્દ્ર સરકારે આ માટે તમામ રાજ્ય સરકારોને પણ સૂચિત કરી દીધી છે. ખાંડની જેમ દાળનો પૂરવઠો પણ પૂરતો જળવાઈ રહે તે માટે તેના પણ કંટ્રોલ એક્ટ લાગૂ કરી દેવામાં આવશે.

આ કાયદા અનુસાર દાળનો વેપાર કરનારો કોઈ પણ વેપારી એક સમયમાં નિયત ક્વિંટલથી વધારે સ્ટોક નહીં રાખી શકે. જગ્યા બદલીને સ્ટોક જમા કરનારા વેપારીઓને આડે હાથ લેવા અલગ-અલગ સ્થાનો પર ભંડારણ (સ્ટોક) ના લાઈસેંસ લેવાની વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે. સંબંધિત વિભાગ દ્વારા લીલી ઝંડી મળ્યાં બાદ તેને લાગૂ કરવામાં આવશે પણ આ બધી પ્રક્રિયાને પૂર્ણ થવામાં હજુ સમય લાગશે.

ખૈર નેતાઓ અને બાબુઓને તો દાળની આ વધતી કીમતો અસર ન કરી શકે કારણ કે, તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી સારી છે. તેઓ મોંઘી દાળની ખરીદી કરવા માટે પણ પૂરતા સક્ષમ છે. પરંતુ જે દેશમાં લગભગ કરોડો લોકો પોતાના માટે એક પણ દિવસનું ભોજન એકત્ર કરી શકતા નથી તેમના પેટનું શું ?