શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

ને..રેડ્ડી સૌને રડતા મૂકી ગયાં..

વાઈએસઆરની અણધારી વિદાય

પ્રેમ અને મૃત્યુની જો તુલના કરવામાં આવે તો પ્રેમ મૃત્યુથી અનેક ગણો મજબૂત છે. ભલે મનુષ્ય પોતાના મૃત્યુ પર વિજય ન પામી શકે, ભલે મૃત્યુ તેને પોતાના પ્રેમાળ વ્યક્તિઓ દૂર કરી દે તેમ છતાં પણ તે વ્યક્તિ પોતાના મહાનકાર્યો થકી સદેવ એ જ પ્રેમ પામતો રહે છે જેની કલ્પના તેણે જીવતા રહેતા પણ કરી નથી હોતી.
ND
N.D


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ડો. યેદુગુલી સાંદિનતી રાજશેખર રેડ્ડી જેને લોકો મોટાભાગે 'વાઈએસઆર' ન રૂપે જાણતાં રહ્યાં તેમનું ગુરૂવારે એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં તેમના અંગત સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મૃત્યુ નિપજ્યું.

કોંગ્રેસે એક એવો નેતા ગુમાવ્યો જેણે એક પાયાનો પથ્થર બનીને દિવસ રાત જોયા વગર પાર્ટી અને પોતાના રાજ્યની તન, મન અને ધનથી સેવા કરી હતી.

રેડ્ડીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેમના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પ્રદેશના અલગ અલગ ભાગોમાં 60 થી વધું લોકો મૃત્યુ પામ્યાં. 12 લોકોએ પોતાના પ્રિય મુખ્યમંત્રીની અણધારી વિદાયથી આપઘાત કરી લીધો જ્યારે અન્ય લોકોનું હ્રદય રોગના કારણે મૃત્યુ નિપજ્યું.

રાયલસીમાં ક્ષેત્રના પછાત ગણાતા પેલીવેંદુલા ગામમાં 8 જુલાઈ 1949 ના રોજ જન્મેલા રેડ્ડીએ હમેશાથી જ નિર્ધન અને ઉપેક્ષિત વર્ગના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. લોકોની સેવા કરવાનું સૌભાગ્ય તેમને વારસામાં મળ્યું હતું. વાઈએસ રાજાના પુત્ર ડો. રેડ્ડીએ પોતાના વિદ્યાર્થી જીવનમાં જ રાજનીતિમાં રસ દાખવાનું શરૂ કરી દીધેલું. એમબીબીએસની પદવી પ્રાપ્ત કર્યાં બાદ ડો.રેડ્ડીએ વર્ષ 1973 માં પિતા વાઈએસ રાજા રેડ્ડીના નામ પર પુલિવેંદલામાં 70 પથારીઓ વાળું એક ઘર્માર્થ ચિકિત્સાલય પણ સ્થાપિત કર્યું. વર્ષ 1978 માં પ્રથમ વખત ચૂંટણી લડીને તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. તે ચાર વખત રાજ્ય વિધાનસભા અને અને ચાર વખત લોકસભાના સભ્ય પણ રહ્યાં.

રેડ્ડીએ પોતાની રાજકિય કારકિર્દીમાં પાર્ટીમાં એક કુશળ નેતા, વહીવટકર્તા અને સંચાલનકર્તા તરીકે જબરદસ્ત નામના મેળવી હતી અને પોતાના 30 વર્ષ ભારત દેશને અર્પિત કર્યાં હતાં. તે 1983 થી લઈને 1985 સુધી અને બાદમાં 1998 થી લઈને 2000 સુધી આંધ્રપ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ પદે રહ્યાં. તેમણે પ્રદેશ સરકારના કેટલાયે વિભાગોના મંત્રીઓનું પદ પણ સંભાળ્યું. તેમને કોંગ્રેસ પાર્ટી પ્રત્યે સૌથી પ્રતિબદ્ધ નેતાના રૂપમાં ઓળખવામાં આવતાં. પોતાના મૃદુભાષી સ્વભાવથી લોકોના પ્રિય ગણાતા અને હમેશા એક સામાન્ય વ્યક્તિની જેમ ઘોતી અને ઝભ્ભો પહેરનારા રેડ્ડીનું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે બિરાજમાન થવાનું સોભાગ્ય એ તેમની કર્તવ્યનિષ્ઠા અને સેવાપારાયણની ભાવનાનું પરિણામસ્વરૂપ હતું.

કોંગ્રેસને રેડ્ડીના રાજ્યમાં હમેશા ફાયદો મળ્યો. છેલ્લી બે ચૂંટણીમાં આંધ્રપ્રદેશે કોંગ્રેસના સાંસદોની સંખ્યામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વર્ષ 2004 માં આ રાજ્યમાં કોંગ્રેસના 29 સાંસદો હતાં જે સંખ્યા વર્ષ 2009 માં 33 સુધી પહોંચી ગઈ છે. ભલે ચૂંટણીમાં યૂપીએ સરકારને સેન્ટરમાંથી વધુ ફાયદો ન મળ્યો હોય પરંતુ આંધ્રપ્રદેશે રેડ્ડીના પ્રયત્નો થકી કેન્દ્રની સરકારને ખુબ જ લાભ અપાવડાવ્યો

રેડ્ડી દરેક વાતને ધ્યાન પૂર્વક સાંભળતા અને કોઈ પણ કાર્યને ઝીણી આંખે નીહાળ્યાં બાદ તેના પર અમલ કરતાં. રેડ્ડીએ પૂર્વગામી મુખ્યમંત્રી ચંદ્રબાબું નાયડુની સફળતા અને નિષ્ફળતાનું ગહન અધ્યયન કર્યું હતું અને તેમાંથી બોધપાઠ લઈને તેમણે પોતાના રાજ્યમાં વિવિધ યોજના-પરિયોજનાઓને કાર્યાન્વિત કરી હતી.

ND
N.D
આંધ્રપ્રદેશમાં છેલ્લા નવ વર્ષથી વિપક્ષનો વાવટો ફરકાતો હતો. એ મુખ્યમંત્રી રેડ્ડી જ હતાં જેણે આ રાજ્યમાં કોંગ્રેસને વિજય અપાવ્યો. વર્ષ 2003 માં 1500 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરીને સમાજના ગરીબ અને પછાત લોકોના ઘરે ઘરે જઈને તેઓની સમસ્યાઓ તેમની ભાષામાં જાણવા, સમજવા અને તેનું સમાધાન શોધવાનો પ્રયત્ન રેડ્ડીએ કર્યો. બસ ત્યારથી જ રેડ્ડીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધવા લાગી.

હાલ આંધ્ર કોંગ્રેસ પાસે અસંખ્ય નેતાઓ છે પરંતુ રેડ્ડીએ જે કરિશ્મો દેખાડેલો તેવો કરિશ્મો કદાચ ભાગ્યે જ કોઈ નેતા દેખાડી શકશે. પાર્ટીનું મુખ્ય ધ્યેય આ રાજ્યમાં પાર્ટીના લોકોને જોડીને માઓવાદીઓ તથા તેલગાના સેપરેટિઝમ પર લગામ કસીને રાખવાનું છે. 42 લોકસભા સીટ ધરાવતું આ રાજ્ય કોંગ્રેસ માટે સફળતાના દ્વારની અમુલ્ય ચાવી છે. જેની આજ સુધી રેડ્ડીએ રખેવાળી કરી હતી. હાલ રાજ્યના નાણામંત્રી રોસૈયાને કામચલાઉ ધોરણે આ ચાવી સોંપવામાં આવી છે. આશા રાખીએ કે, તેઓ પણ તેની રખેવાળી સ્વ.વાઈએસઆરની જેમ પૂરતી કર્તવ્યનિષ્ઠા અને વફાદારીથી કરશે.