ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

બાળકો પર આ તે કેવો અત્યાચાર !

કુમળા હાથો પર મોટરસાઈકલ ચલાવ્યું

આજે સવારે વર્તમાનપત્ર હાથમાં ઉપાડ્યું અને એક એવો ફોટોગ્રાફ નિહાળ્યો જેને જોઈને થોડી વાર માટે તો આંખો ચાર થઈ ગઈ.

ND
N.D
ફોટોગ્રાફમાં એક સાથે કેટલાયે સ્કૂલના બાળકો પોતાના હાથ આગળ અને માથું ઉંધુ રાખીને જમીન પર સુતા હતાં અને એક મોટરસાઈકલ ચાલક તેમના પર પોતાનું બાઈક ચલાવવા જઈ રહ્યો હતો.

આઠથી દસ વર્ષના બાળકોની કુમળી આંગળીઓ પર મોટરસાઈકલના ટાયર ચલાવનારા આ શખ્સની આંખોમાં જ્યારે એક તરફ પોતાના આ અજબોગરીબ કલા પ્રદર્શનનો અહંકાર છલકતો હતો તો બીજી તરફ આ કલા પ્રદર્શન નિહાળવા ઉમટી પડેલા બાળકોના વાલીઓ પણ પોતાના સંતાનોના બહાદુરી ભરેલા આ પરાક્રમને જોઈને ફૂલ્યા સમાતા ન હતાં.

ચેન્નઈથી 162 કિલોમીટર દૂર આવેલા વિલ્લૂપુરમ જિલ્લાની એક સ્કૂલમાં આયોજિત આ પ્રદર્શન દરમિયાન જ્યારે એક નાનકડી બાળકીના પેટ પર લાકડાનું પાટિયું રાખીને તેની ઉપરથી બાઈકને ચલાવામાં આવ્યું ત્યારે જોરદાર તાલીઓ વાગેલી તેવું વર્તમાનપત્રએ લખેલું પરંતુ કાર્યક્રમની મુખ્ય અતિથિ તમિલનાડુના ઉચ્ચ શિક્ષામંત્રી કે.પોનમુડીની પત્ની બાળકો પર આચરવામાં આવી રહેલી આ શારીરિક યાતનાઓને વધુ વાર સુધી જોઈ ન શકી અને તેણે તરત જ આ પ્રદર્શનને બંધ કરાવ્યું.

જોત જોતા તો આ સમગ્ર બનાવે વિકરાળ રૂપ લીધું અને મુદ્દો બાળ અધિકાર કાર્યકતોએ સુધી જઈ પહોંચો. તેમણે આ પ્રદર્શનની આકરા શબ્દોમાં ટીકા કરી.

સ્કૂલ પ્રશાસને પણ પોતાના કોલર ઉચા કરીને કહ્યું કે, ''તેઓએ તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. કે. કામરાજની જન્મજંયતિના ભાગરૂપે આ કલા પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને જ્યારે બાળકોના માતા-પિતાને આ અંગેનો વાંધો નથી તો પછી વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.''

સ્કૂલે પોતાના બચાવમાં એમ પણ કહ્યું કે, ''ભાઈ વિરોધ કેમ કરો છો. આ આયોજન માટે શિક્ષક પાલક સંઘની પણ મજૂરી લેવામાં આવી છે અને આ કલા પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે અને કોઈ પણ વિદ્યાર્થીને ઈજા પહોંચી નથી. અમારા વિદ્યાર્થીઓ તો બહાદુર છે.

સ્કૂલ પ્રશાસનનો જવાબ સાભળીને એક પ્રશ્ન જરૂર થાય છે કે, શું આને બાળકોની બહાદુરી કહીશું કે રાજકીય રોટલા શેકવા માટે બાળકોના શરીરને આપવામાં આવનારો શારીરિક કષ્ટ. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના જન્મદિવસે આ પ્રકારનું કલા પ્રદર્શન યોજવા પાછળ દૂર દૂર સુધી રાજકિય પરિબળો જ સંકળાયેલા છે. જેમાં નાના બાળકોને કેન્દ્રસ્થાને રાખીને તેઓ પર ક્રૃરતા આચરવામાં આવી રહી છે. સ્વ. કામરાજે પણ કદી પોતાના જીવનકાળ દરમિયાન વિચાર્યું નહીં હોય કે, તેમના ગયા બાદ તેમના જન્મદિવસની આ રીતે ઉજવણી કરવામાં આવશે.

આ માત્ર ચેન્નઈની એક સ્કૂલની વાત નથી. દેશની મોટાભાગની સ્કૂલોમાં પણ આ પ્રકારની કોઈને કોઈ ઘટનાઓ ઘટતી હોય છે જેની પાછળ રાજકિય પરિબળો સંકળાયેલા હોય છે. આવું કરીને આ પ્રકારની સ્કૂલો લોકો તથા મીડિયાની નજરોમાં આવવા ઈચ્છે છે. દુ:ખ તો ત્યારે થાય છે કે, રાજકારણીઓને પ્રોત્સાહિત કરવા માટે ક્યારેક-ક્યારેક બાળકોના માતા-પિતાઓ અને સ્કૂલના શિક્ષકો પણ તેમાં પોતાની ભાગીદારી નોંધાવે છે.

આ એજ માતા-પિતા છે જે અવારનવાર મીડિયા સામે આવીને પોતાના બાળકો પર તેના શિક્ષક દ્વારા પહોંચાડવામાં આવેલી નાની એવી કોઈ સજાના જખમો પણ દેખાડતા અચકાતા નથી પરંતુ આજે તો તેઓ તાલીઓ વગાડી રહ્યાં છે જ્યારે તેમના બાળકોની કોમળ આંગળીઓ પર મોટરસાઈકલના મજબૂત ટાયરો ફરી રહ્યાં છે.

માન્યું કે, રાજનીતિમાં સઘળુ ચાલે છે પરંતુ કુમળા બાળકો પર અત્યાચાર દાખવીને મીડિયાની નજર સામે આવવાનું દેશની અમુક શાળાઓનું રાજકારણ કેટલી હદ સુધી વ્યાજબી છે ? શું આવા આયોજનોને પ્રોત્સાહન આપવું જોઈએ ?