શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

માઇ નેમ ઈઝ ખાન...શાહરૂખ ખાન !

શાહરૂખ મુદ્દાને છોડો, ને સુરક્ષા ફૂલપ્રૂફ બનાવો

ભારતનો 63 મોં સ્વતંત્રતા દિવસ બોલીવુડના કિંગ ખાનને ખુબ જ ભારે પડી ગયો. શિકાંગો જતી વેળાએ નેવોર્ક હવાઈમથક પર સિનેસ્ટાર શાહરૂખ જેવા જ પહોંચ્યા હશે કે તરત જ કોમ્પ્યુટર પર
IFM
IFM
તેમના નામની પાછળ 'ખાન' શબ્દને જોઈને ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ સતર્ક થઈ ગયાં. તેઓએ તરત જ શાહરૂખને અટકાયતમાં લઈ લીધા.


સતત બે કલાક સુધી તેમની પુછપરછ કરવામાં આવી અને એટલું જ નહીં પરંતુ તેમનો મોબાઈલ પણ ઝુંટી લેવામાં આવ્યો.એ તો ભલું થાય આપણા ભારતીય રાજદૂતોનું જેમણે સમયસર શાહરૂખ કોણ છે એ વાત અમેરિકી અધિકારીઓને જણાવી અને બાદમાં તેમને મુક્ત કરાવ્યાં.

આ ઘટનાના વિરોધમાં માત્ર શાહરૂખ પ્રશંસકો એ જ નહીં પરંતુ ભારત સરકાર અને સમગ્ર મનોરંજન જગતે આકરા પ્રત્યાઘાતો આપ્યાં. ખુદ શાહરૂખે પણ એક સમયે કહી દીધું કે, 'ભવિષ્યમાં તેઓ બીજી વખત અમેરિકા જવા માટે જરૂર વિચારશે.'

ફિલ્મ સ્ટાર સાથે જોડાયેલી આ ઘટનામાં આપણા રાજકારણીઓ શા માટે પાછળ રહે ? સુચના અને પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ દિલ્હીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરીને કહ્યું કે, 'અમેરિકામાં શાહરૂખ સાથે કરવામાં આવેલી ગેરવર્તણુંક કોઈ પણ રીતે વ્યાજબી નથી. ઘર્મના નામે કોઈને અટકાયતમાં લેવા ઉચિત નથી પરંતુ અમેરિકામાં આવી ઘટનાઓના અસંખ્ય ઉદાહરણો છે. ભારતના વિદેશી મંત્રાલયના પ્રવક્તા વિષ્ણું પ્રકાશે કહ્યું કે, ભારતે આ મુદ્દો અમેરિકી દૂતાવાસમાં ઉપાડ્યો છે અને આ પ્રકારની ગેરવર્તણુંક વિષે તેઓને જવાબ આપવો જ પડશે.

ખેર, શાહરૂખ સાથે ઘટેલી આ ઘટનાથી એક વાત તો સાબિત થઈ જ ગઈ કે, અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને મુસ્લિમોની સઘન તપાસ હાથ ઘરવામાં આવે છે. બિચારા કિગ ખાને કહી-કહીને થાકી ગયાં કે, ' ભાઈ મને છોડી મૂકો, હું ભારતનો મોટો ફિલ્મ સ્ટાર છું અને અગાઉ કેટલીયે વખત અહીં મારી ફિલ્મોની શૂટિંગ અર્થે આવી ચૂક્યો છું પરંતુ સુરક્ષાકર્મીઓ ક્યાંથી એમની વાત માને. શાહરૂખ ભલેને બોલીવુડના નંબર-વન સ્ટાર કેમ ન હોય પરંતુ એ જરૂરી નથી કે, અમેરિકાના હવાઈમથક પર કામ કરનારો દરેક કર્મચારી આપણા કિંગ ખાનને ઓળખતો હોય.

આમ પણ જોઈએ તો 9/11 ના આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં જોરદાર પરિવર્તનો કરી નાખ્યાં છે. કહેવત છે ને કે, 'દૂધનો દાઝેલો વ્યક્તિ છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે છે' એ કહેવતને સાર્થક કરતા અમેરિકા હવે પોતાની સતર્કતા અને સુરક્ષા નીતિને લઈને પૂરતું સજ્જ થઈ ચૂક્યું છે અને એ જ કારણ છે કે, 9/11 ના હુમલા બાદ અમેરિકામાં કોઈ પણ મોટી આતંકવાદી ઘટના ઘટી નથી.

એવું નથી કે, માત્ર ભારતના નેતાઓ, અભિનેતાઓ અથવા અત્યંત મહત્વપૂર્ણ હસ્તિઓને જ અમેરિકામાં સઘન પુછપરછમાંથી પસાર થવું પડે છે. ખુદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અલ ગોર અને સેનેટર
PTI
PTI
એડવર્ડ કૈનેડી જેવા લોકપ્રિય અમેરિકી અભિનેતાઓને પણ સુરક્ષા અને તપાસ એજન્સીઓએ બાકાત નથી રાખ્યાં. શાહરૂખ તો એક મોટી હસ્તિ હતાં એટલે તેમની સાથે થયેલા કથિત ગેરવર્તાવનો મુદ્દો સમગ્ર ભારતભરમાં ઉપડ્યો. જો કોઈ સામાન્ય વ્યક્તિ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોત તો તમે શું માનો છો, એ વાત ભારત સુધી પહોંચી શકી હોત ?


દુ:ખ સાથે કહેવું પડે છે કે, આપણે ભારતીયો હમેશા આપણી વીઆઈપી ગ્રંથિના કારણે એટલા હડબળાટ અને ગુમાનમાં રહેતા હોઈએ છીએ કે, આપણે ત્યાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાનું ખુદ પાલન કરતા નથી. માત્ર ત્રણ રૂપિયાની પ્લેટ ફોર્મ ટિકિટ લીધા વગર રેલવે સ્ટેશનની અંદર આંટા-ફેરા કરવાની આપણને હવે આદત થઈ ગઈ છે.

આપણી પાસે કેટલાયે નેતા-અભિનેતા, ક્રિકેટરો અને અન્ય મોટી હસ્તિઓના નામ છે જે જ્યારે પણ પોતાના પરિવારો સાથે પ્રવાસ અર્થે જાય છે ત્યારે કદી પણ તેઓની તપાસ કરવામાં આવતી નથી. આવા નેતાઓ જ્યારે માર્ગ પરથી પસાર થાય છે ત્યારે સમગ્ર માર્ગને રોકી દેવામાં આવે છે જેના કારણે સામાન્ય નાગરિકને અસંખ્ય મુશ્કેલીઓ વેઠવી પડે છે. .

માટે જ શાહરૂખના મામલાને વિકરાળ રૂપ આપવાના બદલે જરૂરિયાત એ વાતની છે કે, આપણે એક તો આપણી સુરક્ષા વ્યવસ્થાને અમેરિકાની જેમ ફૂલપ્રૂફ બનાવીએ અને બીજું આપણા વીઆઈપી લોકો સામાન્ય નાગરિકોની જેમ નિયમોનું પાલન કરતા પોતાની સુરક્ષા તપાસ વગેરેમાં સબંધિત અધિકારીઓને સહયોગ આપતા રહીએ. .

અહીં એક વાત એ પણ ધ્યાનમાં લેવી જરૂરી છે કે, 'માઈ નેમ ઈઝ ખાન' નામની ફિલ્મના શૂટિંગ અર્થે શાહરૂખ અગાઉ કેટલીય વખત અમેરિકા જઈ ચૂક્યાં છે પરંતુ ત્યારે તો તેની સાથે આ પ્રકારનું કોઈ ગેરવર્તન ન થયું ? શાહરૂખ કહે છે કે, તેમના નામની પાછળ 'ખાન' ઉપનામ લગાડવામાં આવ્યું એટલે તેમની બે કલાક પુછપરછ કરવામાં આવી જ્યારે સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે, શાહરૂખની બેગ બીજી ફ્લાઈટથી આવી એટલા માટે તપાસમાં વાર લાગી. ક્યાંક આ મુદ્દાને વધુ પડતો ઉછાળીને શાહરૂખ ખુદ પોતાની આગામી ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' ની પબ્લિસિટી માટે તો પ્રયત્નો નથકરી રહ્યાં ને ? જે ફિલ્મનો વિષય પણ શાહરૂખ સાથે ઘટેલી ઘટનાને મહદઅંશે મળતો આવે છે.

ટૂકુ અને ટચ એટલું જ કહીશ કે, જો કોઈને અમેરિકા જવું હોય તો તેના નિયમ-કાયદાઓ, ભલેને પછી તે ગમે તેટલા લાંબા-લચક કેમ ન હોય તેનું પાલન કરવું જ પડશે. નહીં તો પછી ભારતમાં બેઠા રહોને ભાઈ !

શાહરૂખે કહ્યું - 'આ પબ્લિસિટી સ્ટંટ નથી'