શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

વિદ્યાર્થીઓનું બીજુ ઘર પણ અસુરક્ષિત

શાળાઓમાં સર્જાનારી દુર્ઘટનાઓ ચિંતાનો વિષય

સરકાર હવે ભલેને કેટલીયે ઉચ્ચ સ્તરે તપાસ કરે કાં પછી વળતર આપવાના વાયદા કરે તેમ છતાં પણ તે એ માતા-પિતાનું દુ:ખ હળવું નહી કરે શકે જેમણે પોતાના બાળકોને ગુમાવ્યાં છે.
PTI
PTI
દિલ્હીની સરકારી શાળામાં ગુરૂવારે સર્જાયેલી એક નાસભાગમાં સાત વિદ્યાર્થીઓ કચડાઈને મરી ગયાં અને અસંખ્ય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયાં.


આ દુર્ઘટનાથી મૃતક બાળકોના માતા-પિતાના માથે તો જાણે આભ જ ફાટી નિકળ્યું. આ એ જ માતા-પિતા હતાં જે પોતાના સંતાનોની સ્કૂલેથી આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.તેમના સંતાનો તો પાછા ન આવ્યાં પરંતુ તેમના મોતના સમાચાર જરૂર આવ્યાં. અહીં હર કોઈના મનમાં એ પ્રશ્ન તો જરૂર ઉદ્દભવતો હશે કે, આખરે એવું તે શું બન્યું કે, શાળામાં ભાગદોડ મચી ?

કહેવામાં આવે છે કે, ચોતરફ પાણીથી ભરાયેલી આ શાળામાં ઈલેક્ટ્રીક શોટ વહેતો હોવાની કોઈએ અફવા ફેલાવેલી અને તેના ડરથી રઘવાયા થઈને બાળકોએ નાસભાગ શરૂ કરી દીધી અને અંતે આ કરુણાંતિકા સર્જાઈ. પ્રશ્ન તો એ પણ ઉઠે છે કે, આખરે શાળામાં પાણી ભરાયેલું હતું તો તેનો હજુ સુધી નિકાલ કરવામાં કેમ ન આવ્યો. આ વસ્તુ પણ એ કડવું સત્ય સાબિત કરે છે કે, આપણા ભારત દેશમાં સરકારી શાળાઓની કેવી દુર્દશા છે.

શાળાને તો વિદ્યાર્થીનું બીજુ ઘર કહેવામાં આવે છે પરંતુ આ ઘર હવે એટલું સુરક્ષિત રહ્યું નથી. અહીં મૃત્યુ ગમે ત્યારે આવી ચડે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સુરક્ષાની જવાબદારી શાળાના સંચાલકોની છે પરંતુ દિલ્હીની ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે, તેઓ તેના પ્રત્યે પૂરી રીતે બેજવાબદાર છે અને તેનું પરિણામ આપણી આંખોની સામે જ છે એ છે સાત કૂમળા બાળકોના અંકાળે નિપજેલા મૃત્યુ.

અગાઉના વર્ષોમાં સુપ્રિમ કોર્ટે કહેલું કે, એવી કોઈ પણ સરકારી અથવા ખાનગી શાળાઓને મંજૂરી નહીં આપવામાં આવે જેમણે પોતાના ભવનમાં આગ અને ભૂકંપની સાવચેતીના ભાગરૂપે કોઈ વ્યવસ્થા કરી રાખી ન હોય પરંતુ આજે દેશની આશરે 42 ટકા જેટલી શાળાઓ એવી છે જ્યાં આ પ્રકારની કોઈ સુવિધા જ નથી. આ સુવિધાના અભાવે જ ગુજરાતમાં આવેલા ધરતીકંપ વખતે અંજારની શાળાના અંસખ્ય વિદ્યાર્થીઓ મોતને હવાલે થઈ ગયાં હતાં. આ ઉપરાંત દેશમાં એવી કેટલીયે શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ માટે જરૂરી એવી આરોગ્ય સંબંધી સુવિધાઓનો પણ અભાવ છે.

કેટલીયે શાળાઓ તો એવી પણ છે જ્યાં હજુ સુધી ટોયલેટ જ નથી. આવી શાળાઓના વિદ્યાર્થીઓ ખાસ કરીને બાળકીને પેશાબ અથવા જાજરૂ માટે નાછુટકે ખુલ્લામાં બેસવું પડે છે અને શરમનો ભોગ બનવું પડે છે. આવી શાળાઓના શિક્ષકો કાં તો મોટેભાગે ગેરહાજર રહે છે કાં તો ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને રઝડતા મૂકીને ગપ્પા મારવા માટે ક્યાંક ચાલ્યાં જાય છે. કેટલાક શિક્ષકો તો સ્કૂલની અદંર ધોળે દિવસે પણ સૂતા નજરે ચડ્યાં છે જ્યારે તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે ગુસ્સે થઈને વિદ્યાર્થીઓને એવો માર મારે છે કે, કોઈક વખત એ વિદ્યાર્થીઓના હાડકા ભાંગી જાય છે તો કોઈક વખત તેઓનો કાનનો પડદો તુટી જાય છે. આ પ્રકારના કેટલાયે કેસ છાપાઓમાં છપાતા રહ્યાં છે જેમાં વિદ્યાર્થીને તેના શિક્ષકે અપેક્ષા કરતા પણ વધુ મૈથીપાક આપતાં ગંભીર ઈજા પહોંચી હોય.

વર્ષો પહેલાની વાત છે, તમિલનાડુની એક શાળામાં અચાનક આગ લાગી હતી અને
PTI
PTI
તેમાં આશરે 94 જેટલા બાળકો હોમાઈ ગયાં હતાં. આ બાળકોને બચાવી શકાયા હોત જો એ શાળાના સંચાલકો પાસે આગની સાવચેતીના ભાગરૂપે કોઈ સાધનો હોત પણ પૂર આવ્યાં પછી કુવો ખોદવાનો પણ શું અર્થ ? આજે એ શાળા પાસે તમામ સાધનો છે પરંતુ એ 94 વિદ્યાર્થીઓ નથી જે આગની ઘટનામાં ભડથૂ થઈ ગયાં.


અંતે એટલું જ કહીશ આજે જ્યારે સ્કૂલે જતી વખતે કોઈ પણ બાળક પાછળ વળીને પોતાના માતા-પિતાને 'આવજો' કહે છે ત્યાંરે માતા પિતાના હૈયે પણ એટલી ધરપટ હોય છે કે, સાંજ પડતા તેનો બાળક જરૂર પાછો આવી જશે પરંતુ હવે અવાર-નવાર શાળાઓમાં સર્જાતી દુર્ઘટનાના કારણે તેમની હૈયાધારણા ડગમગી ચૂકી છે માટે જ દેશની સરકારની હવે એ પ્રાથમિક ફરજ બને છે કે, તે આ પ્રકારની કોઈ પણ શાળાને મંજૂરી આપતા પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે.

માન્યુ કે, જે થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી પરંતુ એ અંગે સરકાર થોડી જાગૃત તો થઈ શકે કરી, તેને રોકવાનો થોડો ઘણો પ્રયત્ન તો કરી શકે ખરી જેની કિમત કૂમળા બાળકોની જીંદગી આપીને ચૂકવામાં આવતી હોય.