શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

વી લવ યૂ ગુરૂજી...

દલાલ સાહેબનો અનોખો રેકોર્ડ...

ગુજરાત અને સૌરાષ્ટ્રના પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વ્યક્તિઓની યાદીમાં જો યાસીન દલાલનું નામ લેવામાં ન આવે તો કદાચ વાત અધૂરી ગણાય.
W.D
W.D
દૂબળી કદકાઠી અને આખુ શરીર વ્હીલચેરને આધિન હોવા છતાં આજે પણ આ વ્યક્તિમાં એ જ જોમ અને જુસ્સો જોવા મળે છે જે કોઈ નવયુવાનમાં હોય છે. આજે 65 વર્ષના વહાણાં વિત્યા બાદ તેમને એ સફળતા પ્રાપ્ત થઈ છે જેની તે ન જાણે કેટલાયે વર્ષોથી પ્રતિક્ષા કરી રહ્યાં હતાં. દલાલ સાહેબે આજે ન તો માત્ર રાજકોટનું પરંતુ સમગ્ર ગુજરાતનું નામ પૂરા વિશ્વમાં રોશન કર્યું છે.


"રિપોર્ટિંગના સિદ્ધાંતો", "રેડિયો રિપોર્ટિંગ", "લેખ લખવાની કળા", "અખબારનું અવલોકન", "લેખક બનવું છે" અને "ચોથી જાગીર." પત્રકારત્વ વિષય પર આવા તે એક, બે નહીં પરંતુ પૂરા 65 પુસ્તકો લખીને યાસિન દલાલે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાત અને ભારતના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ એવો દાખલો છે જ્યારે કોઈ લેખકે પત્રકારત્વ વિષય પર એકસાથે 65 પુસ્તકોની રચના કરી હોય. જો દલાલ સાહેબની ઉમર સાથે તેમના દ્વારા લિખિત પુસ્તકોની સરેરાશ કાઢવામાં આવે તો એમ કહેવામાં જરા પણ ખોટું નથી કે, તેમણે પોતાના જીવનના દર એક વર્ષમાં એક પુસ્તક લખ્યું છે.

સૌરાષ્ટ્રના પત્રકારત્વ ક્ષેત્રના ઉદ્દભવ અંગેનો ઈતિહાસ જન-જન સુધી પહોંચડાવા માટે કલાકો સુધી લાઈબ્રેરીઓમાં ન જાણે કેટલાયે પુસ્તકોના સંદર્ભોને કાગળો પર ટાંકીને રાખનારા, પ્રસિદ્ધ સિને નિર્દેશક સત્યજીત રે અને અભિનેત્રી નૂરજહાના અંગત જીવન વિષે ગહન અધ્યયન કરીને તેને જનજન સુધી પહોંચાડનારા આ વ્યક્તિના હાથ હેઠળ ન જાણે કેટલાયે પત્રકારો તૈયાર થયા છે. જેઓ આજે દિવ્ય ભાસ્કર, સંદેશ, અકિલા, ગુજરાત સમાચાર, ફૂલછાબ અને મિડ-ડે જેવા પ્રતિષ્ઠિત ગુજરાતી વર્તમાન પત્રોમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. હું પણ તેઓના વિદ્યાર્થીઓનો પૈકીનો એક વિદ્યાર્થી છું.

શિક્ષણ ક્ષેત્રે 43 વર્ષનો અનુભવ ધરાવનારા અને ગુજરાત સાહિત્ય પરિષદ એવોર્ડથી સન્માનિત યાસીન દલાલનો જન્મ નવ જૂન 1944 ના રોજ સૌરાષ્ટ્રના નાનકડા એવા ઉપલેટા શહેરમાં થયેલો. ગુજરાત યૂનિવર્સિટીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ વર્ષ 1881 માં 'સૌરાષ્ટ્રમાં પત્રકારત્વના ઉદ્દભવ' વિષય પર તેમણે પીએચડી કર્યું. શ્રી દલાલે વિદેશોમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ગુજરાત સમાચાર નામના વર્તમાન પત્રમાં છેલ્લા 20 વર્ષથી 'વિચાર વિહાર' નામના શિર્ષક હેઠળ તેમની રેગ્યુલર કોલમ પણ પ્રકાશિત થતી આવી છે.

તેમની સાથે જોડાયેલા અમુક સમરણો યાદ કરતા વિદ્યાર્થી જીવનના એ રળિયામણા દિવસોની યાદ આવી જાય છે. એ સમયે દલાલ સાહેબ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના પત્રકારત્વ ભવનના હેડ હતાં. તેમની સાથે એક અકસ્માત સર્જાયેલો જેના કારણે તેઓ ચાલી શકતા ન હતાં. દરરોજ બપોર પડતા એક ડ્રાઈવર તેમને કારમાં પત્રકારત્વ ભવને મૂકવા આવતો. અમે લોકો તેમની કાર સુધી જતા અને વ્હીલચેર સાથે તેમને ઉચંકીને છેક તેમની ઓફિસ સુધી ઉપાડીને લઈ જતાં. હળવું હાસ્ય ફરકારવા તેનો માત્ર એટલું જ કહેતા 'થેંક યૂ'.

થોડી જ વારમાં તેમનું લેક્ચર શરૂ થતું. અમુક સંદર્ભો અને અમુક પાત્રો તેમના લેક્ચરમાં હમેશા છવાયેલા રહેતા. જેવી કે, ગુરૂદતની પ્યાસા, કાગઝ કે ફૂલ અને શાહેબ બીબી ઔર ગુલામ ફિલ્મ. આ ઉપરાંત શ્યામ પિત્રોડા અને મોહમ્મદ અલી ઝીણા પણ તેમના લેક્ચરનો ભાગ બનતાં. દલાલ સાહેબને જૂની ફિલ્મો વિષે કંઈ પણ પુછો તેની માહિતી હમેશા તેમની જીભ પર હોય.

પ્રેમના સાગર તણા, જ્ઞાનના મંદિર સમા, હમેશા આંખોમાં વસીને રહેનારા દલાલ સાહેબે આજે તેમની સાથે જોડાયેલી મારી યાદોને ફરી પ્રજવલિત કરી દીધી છે. તેમની આ સફળતા બદલ હું તેમને અંત:કરણથી શુભેચ્છા પાઠવી રહ્યો છું.

Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo. 09754144124