ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By

એક દિવસ માટે પર્યાવરણ દિવસની ભક્તિ, પાછા હતા એવા ને એવા

સતત વધતી જતી જનસંખ્યા પર્યાવરણ માટે સતતપણે ચિંતાનો વિષય

માનવીઓની વસતી વધે અને બીજા જીવોની પણ સંખ્યા બેકાબૂ રીતે વૃદ્ધિ પામે એમ સામાજિક વ્યવસ્થામાં પણ ધરખમ ફેરફાર જોવા મળે. સમાજને વધુ ઊર્જા, વધુ અન્ન તથા પીવાલાયક પાણી, વધુ આવાસ અને બીજી લગભગ દરેક ચીજવસ્તુની જરૂર પડે. આ બધી આવશ્યકતાઓ પૂરી કરવામાં જમીનના વપરાશમાં ફેરફાર જોવા મળે તેમ જ પર્વાવરણમાં પણ પરિવર્તન થાય. હરિયાળા પ્રદેશો તેમ જ જંગલનો ઉપયોગ કૃષિ માટે તથા વૃક્ષારોપણ માટે વાપરવામાં આવે અને દરિયા કાંઠાનો વિસ્તાર ભરણી કરીને આવાસ તથા વેપારલક્ષી વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે. આ બધા ફેરફારોને લીધે કુદરતી સૌંદર્ય પર માઠી અસર થાય. બીજી રીતે કહીએ તો કુદરતી સંપત્તિ ભયમાં મુકાઈ જાય. સૌથી ખરાબ અસર જીવસૃષ્ટિ માટે અત્યંત જરૂરી શુદ્ધ હવા અને પાણીના પુરવઠા પર થાય.

આજે વિશ્વ પર્યાવરણ દિન છે અને એ મનાવવા પાછળનો મુખ્ય હેતુ ઉપર જણાવેલી બાબતોમાં પૉઝિટિવ પગલાં લેવા વિશે જાગતિક જાગૃતિ લાવવાનો છે. આપણે સૌથી પહેલાં ટૂંકમાં ૪૧ વર્ષથી મનાવવામાં આવતા આ દિન વિશે જાણી લઈશું અને પછી ભારતને સ્પર્શતા પર્યાવરણને લગતા પ્રશ્ર્નો પર આવીશું.

વિશ્ર્વ પર્યાવરણ દિન દર વર્ષે પાંચમી જૂને મનાવવામાં આવે છે. ૧૯૭૩થી એનું સંચાલન યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા થાય છે. દર વર્ષે પર્યાવરણ દિન માટે નવી થીમ અપનાવવામાં આવે છે. ૨૦૧૩માં ‘વિચારો, ખાઓ અને બચાવો’ થીમ હતી અને આ વખતે ‘નાના ટાપુઓ અને હવામાનમાં ફેરફાર’ થીમ અપનાવીને પર્યાવરણમાં શું સુધારો લાવી શકાય એના પર ફોકસ રાખવામાં આવશે.

સવાસો કરોડની વસતી ધરાવતા અને કુલ ૩૨,૮૭,૫૯૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા વિશાળ ભારત દેશમાં વર્ષોથી પર્યાવરણને લગતા અનેક પ્રશ્ર્નો પડકારરૂપ થઈ જતા હોય છે. હવાનું તથા પાણીનું પ્રદૂષણ, કચરો અને કુદરતી સંપત્તિનો નાશ એ બધી બાબતો દેશ માટે હંમેશાં ચૅલેન્જ બની રહેતી હોય છે. ૧૯૪૭થી ૧૯૯૫ સુધી આ બધી બાબતોમાં હાલત અત્યંત ખરાબ હતી, પરંતુ ૧૯૯૫થી ૨૦૧૦ દરમિયાન ભારતે પર્યાવરણના વિષયોમાં અને વાતાવરણમાં સુધારો લાવવામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી હતી.

જોકે, ભારત વિકાસશીલ દેશ છે અને વિકાસની સાથોસાથ વાતાવરણ દૂષિત થવાની જે સમસ્યા જળવાઈ રહી છે એ અનેક પ્રકારના રોગ, આરોગ્યના પ્રશ્ર્નો તેમ જ ખોરાક જેવા આજીવિકાના સાધનો માટે ખતરો બની રહી છે.

સવાસો કરોડની વસતી ધરાવતા ભારતની સતત વધતી જતી જનસંખ્યા પર્યાવરણના રક્ષકો માટે સતતપણ ચિંતાનો વિષય રહી છે. બીજી મોટી ચિંતા છે જંગલ અને કૃષિજન્ય જમીનનું કથળતું જતું સ્તર તેમ જ ખનિજ સંપત્તિ પર થતી માઠી અસર.

ભારતમાં હવા અને પાણીના પ્રદૂષણને આમંત્રણ આપતી આ છ બાબતો સૌથી જલદ કહી શકાય : (૧) બળતણ માટે વૃક્ષોનો થતો નાશ, (૨) ગંદકી, (૩) કચરાના નિકાલ માટેની વ્યવસ્થામાં કચાશ, (૪) પૂરને કાબૂમાં લેવા માટેની વ્યવસ્થાનો તેમ જ વરસાદના પાણીના ડ્રેઇનેજ માટેની સિસ્ટમનો અભાવ, (૫) નદી તથા દરિયામાં ઠાલવવામાં આવતો માનવ વપરાશી ચીજોનો કચરો તેમ જ ઔદ્યોગિક રસાયણો અને (૬) નદીઓના કાંઠે કરવામાં આવતી અંતિમક્રિયા.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારતના ૩૧૧૯માંથી માત્ર ૨૦૯ શહેરો અને નગરોમાં કચરા અને મળના નિકાલ માટેની સગવડો યા તો આંશિક છે અથવા એ જરાય ઉપલબ્ધ નથી. ૧૦૦ કરતાં વધુ શહેરોમાં કચરો અને મળ સીધો ગંગા નદીમાં ઠાલવવામાં આવે છે.

જોકે, નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નવી સરકાર ગંગા નદીના શુદ્ધિકરણ માટે પ્રતિબદ્ધ છે એટલે આવનારા મહિનાઓમાં જળ પ્રદૂષણની સમસ્યામાં મોટો ઘટાડો થયેલો જોવા મળશે.

મોદીના વડા પ્રધાનપદ હેઠળ સત્તારૂઢ થયેલા નવા પ્રધાનમંડળમાં પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તનના વિભાગનો રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનો સ્વતંત્ર અખત્યાર પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવ્યો છે. તેમણે પદ સંભાળતાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘નવી સરકાર પર્યાવરણના ભોગે વિકાસ કરવામાં નહીં પણ પર્યાવરણની રક્ષાની સાથોસાથ વિકાસ સાધવામાં માને છે.’