શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

રાજ મુદ્દે રાજકારણ, કોંગ્રેસે સાધ્યું નિશાન !

P.R

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ જે રીતે તોફાન મચાવ્યું તે લોકશાહી માટે બિલકુલ વ્યાજબી નથી. પરંતુ રાજ ઠાકરેના આગ ઝરતા ભાષણો તથા ઉત્તર ભારતના લોકો સામેની નારાજગી કંઇ આજ કાલની વાત નથી તો પછી એકાએક આ બધુ કેમ ? વિચારવા જેવો મુદ્દો છે.

છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી જ કેમ રાજ ઠાકરેને હિટલર બનાવી દેવાયો ? કોંગ્રેસે પોતાનો ભૂતકાળ વાગોળતાં રાજ ઠાકરેને પોતાનું મહોરૂ બનાવ્યું છે. રાજ મુદ્દે રાજકારણ ખેલી કોંગ્રેસે આગામી ચૂંટણીને લઇને સચોટ નિશાન સાધ્યું હોય તેવું સ્પષ્ટ લાગુ રહ્યું છે.

ચાર દાયકા પહેલા જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના ઉભરી રહી હતી ત્યારે તે વખતના કોંગ્રેસી મુખ્યમંત્રી વસંતરાવ નાઇકે પણ કંઇ આવો જ દાવ અજમાવ્યો હતો. એ વખતે મીલ કામદારો સહિત સામાન્ય જનતામાં લેફ્ટ પાર્ટીઓનું વર્ચસ્વ વધતાં એને અટકાવવા માટે તેમણે આડકતરી રીતે શિવસેનાને પોષી તેનું કદ મોટુ બનાવ્યું હતું.

આગામી ચૂંટણીમાં મત બેંકની મલાઇ ખાવા માટે હાલમાં પણ કંઇક આવું જ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના થઇ એ દિવસથી જ રાજ ઠાકરે મી મહારાષ્ટ્રચા, માઝા મહારાષ્ટ્ર એટલે કે હું મહારાષ્ટ્રીયન, મહારાષ્ટ્ર મારૂ...એ વિચારધારાને લઇને ભડકીલા ભાષણો કરી રહ્યા છે. પરંતું કોંગ્રેસ આ બધુ ચલાવી લેતી હતી એમ કહીએ તો પણ વધુ નહીં કહેવાય.

હવે જ્યારે ચૂંટણી દેખાઇ રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓને પાણી માથા ઉપર આવ્યાનો અહેસાસ થઇ રહ્યો છે અને રસ્તો સાફ કરવા માટે રાજ મુદ્દે રાજકારણ ખેલી સામે પાર જવાનો તરાપો બનાવ્યો હોય તેમ લાગે છે. અત્યાર સુધીમાં રાજ ઉપર કેટલાય કેસ થયા છે પરંતુ છેલ્લા બે દિવસમાં જે ખેલાયું એ સ્પષ્ટ રાજકીય ગેમ પ્લાન જેવું દેખાય છે. વિધાનસભા માથે મંડાઇ છે અને લોકસભાના ડાકલા વાગી રહ્યા છે ત્યારે કોંગેસ સહિત યુ.પી.એ સરકાર પોતાની વેતરણમાં છે.

લોકસભામાં મોટુ બળ ધરાવતા ઉત્તર ભારતીયોના મત મેળવવા માટે રાજ ઠાકરે નામનો તરાપો મળતાં સૌએ પોતાનું નિશાન સાધ્યું હોય એમ લાગે છે. આનાથી કોંગ્રેસને મોટો લાભ છે. એક તો રાજની ધરપકડ કરવાથી ઉત્તર ભારતમાં કોંગ્રેસ પ્રતિ લોકોની લાગણી વધી રહી છે તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં વસતા ઉત્તર ભારતીયો હવે કોંગ્રેસની તરફેણ કરશે એમાં કોઇ બેમત નથી.

સાથોસાથ રાજ ઠાકરેની થયેલી નેગેટીવ પ્રસિધ્ધિથી પણ જો રાજ હીરો બને છે તો પણ કોંગ્રેસને જ ફાયદો થવાનો છે. રાજનું કદ જેટલું મોટું બનશે એટલું શિવસેનામાં ગાબડું પડશે આમ રાજ મુદ્દે રાજકારણ ખેલી કોંગ્રેસને તો બંને હાથમાં લાડુ આવ્યા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે !