બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

સત્યમનું અસત્ય...ખતરાનો ઘંટ...

આ તો પૂંછડી દેખાઇ છે મોંઢું ક્યાં ?

દેશની ચોથા નંબરની કંપનીમાં કરાયેલ 8 હજાર કરોડના ગોટાળાએ સૌની આંખો ખોલી નાંખી છે. સરકાર તથા આર્થિક બાબતોનું ધ્યાન રાખતી એજન્સીઓ માટે આ ખતરાની ઘંટડી સમાન છે. આ તો એક અસત્ય બહાર આવ્યું છે અન્ય એવી ઘણી કંપનીઓ હશે જેમાં આવું બધુ લોલમ લોલ ચાલતું હશે !      

ત્રણ માસના કારોબારની આવક રૂ. 2700 કરોડ, નફો રૂ. 649 કરોડ, કંપનીના ખાતામાં જમા રકમ રૂ. 5361 કરોડ, કંપનીને વ્યાજમાંથી થયેલી આવક 367 કરોડ રૂપિયા. કંપનીની આ બેલેન્સશીટ જોઇ ભલભલા રોકાણકારો આ કંપનીમાં નાણા રોકવાની તૈયાર થઇ જાય અને થયું પણ આમ જ.

વધુ કમાવવાની લાલચમાં લાખો કરોડો લોકોએ પોતાની પૂંજી રોકી. પરંતુ આ શુ ? કંપનીએ રજુ કરેલી આખે આખી બેલેન્સશીટ જુઠ્ઠી નીકળી. રોકાણકારો સહિત આર્થિક બજારના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. સત્યનું નામ ધારણ કરેલી આ કંપનીએ જાણે કે અસત્ય બોલવાનું જ વચન લીધું હોય એમ આખે આખી બેલેન્સશીટ ખોટી નીકળી અને લાખો રોકાણકારોને ડુબાડી ગઇ.

એક બાજુ વિશ્વમાં પ્રવર્તિ રહેલી આર્થિક મંદીના રેલાને દેશમાં આવતો રોકવા માટે સરકાર દ્રારા રાહત પેકેજ રૂપી થીંગડા મારવામાં આવી રહ્યા છે ત્યારે દેશની ચોથા નંબરની કંપનીમાં કરાયેલ 8 હજાર કરોડના ગોટાળાએ સૌની આંખો ખોલી નાંખી છે. સરકાર તથા આર્થિક બાબતોનું ધ્યાન રાખતી એજન્સીઓ માટે આ ખતરાના ઘંટ સમાન છે. આ તો એક અસત્ય બહાર આવ્યું છે અન્ય એવી ઘણી કંપનીઓ હશે જેમાં ઓડિટર, સીએની મીલીભગતથી બધુ લોલમ લોલ ચાલતું હશે.

જો આ અંગે કોઇ નક્કર અને લાબી દ્રષ્ટ્રિવાળા પગલા લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં રોકાણકારો આગળ આવતાં ખચકાશે. રોકાણકારોનો વિશ્વાસ ડગવો એ દેશને મરણતોલ ફટકો પાડી શકે છે. દેશનું અર્થતંત્રને બચાવવા માટે આ દિશામાં કડક કાર્યવાહી તથા દિશા નિર્દેશનની તાતી જરૂર છે. નહીં તો સત્યમની જેમ અસત્યનો થાબળો ઓઢનારી કંપનીઓનો રાફડો ફાટી નીકળશે.....


બજારનો વિશ્વાસ તૂટ્યો !
દેશની ચોથા નંબરની આઇટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સે વર્ષો સુધી પોલમ પોલ ચલાવી રોકાણકારો, સેબી સહિત સૌ કોઇને છેતર્યા છે. કંપનીના સ્થાપક બી રામલિંગા રાજુ દ્વારા તૈયાર કરાયેલી જુઠની નૌકા છેવટે ડૂબવા તરફ જઇ રહી છે. સાથોસાથ લાખો રોકાણકારોને પણ સાથે ખેંચી રહી છે અને કરોડો લોકોનો વિશ્વાસ ડગમગાવી ગઇ છે. કંપનીના શેરમાં 78 ટકા જેટલો ઘટાડો થતાં રોકાણકારો બરબાદ થઇ ગયા છે.

કેમ સત્ય બહાર આવ્યું ?
રામલિંગાએ સેબી તથા કંપનીના સંચાલક મંડળને લખેલા પત્રમાં સ્વીકાર કર્યો છે કે, તે કંપનીના ખાતાઓમાં કેટલાય વર્ષોથી ખોટો નફો દર્શાવતા હતા. જેને પગલે ખોટા ખાતા ખઓલવા પડ્યા હતા. પરંતુ સમય જતાં સાચા અને જુઠા વચ્ચે મોટી ખાઇ રચાઇ જતાં છેવટે સત્ય બહાર લાવ્યા સિવાય કોઇ છુટકો જ નહતો.

53 હજાર કર્મચારીઓ માથે આફત
અંદાજે 8000 કરોડ રૂપિયાના દેશના આ મોટા ગોટાળાને પગલે ચેરમેન પદેથી રામલિંગાએ રાજીનામું આપતાં 2 અરબ ડોલરની આ કંપનીના 53 હજાર કર્મચારીઓ માથે આફતનું આભ તૂટી પડ્યું છે. એક બાજુ આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે માથે આવી પડેલી આ આફતથી કર્મચારીઓની હાલત કફોડી બની છે.

હવે શુ થશે ?
રામલિંગાના ખુલાસાથી કેન્દ્ર અને આંધ્રપ્રદેશ સરકાર તથા સેબીને ચોંકાવી દીધા છે. કંપની કાર્ય મંત્રાલયે હૈદરાબાદ સ્થિત કંપની રજીસ્ટ્રારને સમગ્ર મામલાની તપાસનો આદેશ કર્યો છે અને 14મી જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ જમા કરાવવા કહ્યું છે. કંપનીના ઓડિટર પ્રાઇસવાટર હાઉસ કુપર્સ અને ડાયરેક્ટરોની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઇ રહી છે જેની પણ તપાસ થશે. આધ્રપ્રદેશ સરકાર આ મામલાની તપાસ સેબી અને સીઆઇડી પાસે કરાવશે.