શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By વેબ દુનિયા|

હિંદુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદી દ્વારા મુસ્લિમ વોટ બેન્ક અંકે કરવાનો નક્કર પ્રયાસ

P.R


ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ્ના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ દિલ્હીની ગાદી સર કરવા માટે લઘુમતીઓને ફરી એક વખત સાથે લેવાની રણનીતિ અપ્નાવી છે. જાન્યુઆરી ૨૦૧૨માં અમદાવાદ ખાતેથી સદ્ભાવના મિશનના નેજા હેઠળ મુસ્લિમોને નજીક લેવા માટે ઠેરઠેર સદ્ભાવના સંમેલનો યોજી વડા પ્રધાન પદની ઉમેદવારીનું શિલારોપણ કરનાર નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં જ લઘુમતી સમાજના ઉદ્યોગપતિઓના કોન્કલેવમાં ઉપસ્થિત રહી આગામી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ વોટ બેન્ક અંકે કરવા નક્કર કદમ ઉઠાવ્યું છે.

વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા ભીષણ કોમી રમખામણમાં લઘુમતી સમાજને થયેલા વ્યાપક નુકસાનના કારણે મુખ્ય પ્રધાન પર ગુજરાત અને ભારતમાંથી જ નહીં વિશ્ર્વભરની લઘુમતી સંસ્થાઓએ પસ્તાળ પાડી હતી. હિંદુ હૃદય સમ્રાટ તરીકે નામના મેળવી ચૂકેલા નરેન્દ્ર મોદી લઘુમતિ સમાજ માટે તિવ્ર નફરતનું કેન્દ્ર બની ગયા હતા. તેમનું કાર્યક્ષેત્ર ગુજરાતની ગાદી પૂરતું હતું ત્યાં સુધી બરાબર હતું પરંતુ દેશના ભાવિ વડા પ્રધાન તરીકે તેમનું નામ ઉછાળવામાં આવતા હિંદુ સમ્રાટનું બિરુદ કઠવા લાગ્યું હતું. માત્ર એક કોમના મસિહાના બિરુદમાં સિમિત રહેવાના બદલે તેમણે મુસ્લિમ સમાજ તરફ નજર દોડાવી હતી. જોકે, ગોધરાકાંડ પછીના તોફાનો અંગેના આક્ષેપો તેમનો પીછો છોડતા ન હોવાથી વર્ષ ૨૦૧૨ના પ્રારંભમાં જ અમદાવાદમાં યુનિવર્સિટી પટાંગણામાં સદ્દભાવના મિશન કાર્યક્રમ યોજી મુસ્લિમોને જોડે લેવાનો સફળ પ્રયોગ ર્ક્યો હતો. ત્યારબાદ તમામ જિલ્લા મથકે પણ આ પ્રકારના કાર્યક્રમો યોજી બિનસાંપ્રદાયિક નેતા તરીકેની છબી વધુ મજબૂત કરવાનો પ્રયાસ ર્ક્યો હતો.

આગામી મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પોતાના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની વેતરણ ૨૦૧૨ના સદ્ભાવના મિશનથી શરૂ થઇ હોય તેમ છેલ્લાં બે - ત્રણ વર્ષ દરમિયાન જબરદસ્ત પલ્ટો આવ્યો હતો. મુસ્લિમ સમાજના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાની સાથોસાથ અન્ય રાજ્યો કરતા ગુજરાતના મુસ્લિમો વધુ સુખી, સમૃદ્ધ અને સલામત હોવાની આલબેલ પોકારવામાં આવતી હતી. બાકી હતું તો ઉત્તરાયણના તહેવારમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનને અમદાવાદ તેડાવી મુખ્યપ્રધાન મોદીએ તેની સાથે પતંગ ઊડાડી હતી. આ ઘટનાક્રમના કારણે લઘુમતી સમાજમાં પણ નરેન્દ્ર મોદી ચર્ચાવા લાગ્યા હતા.

આજે અમદાવાદમાં મુસ્લિમ ઉદ્યોગપતિઓ દ્વારા આયોજિત કોન્કલેવમાં ઉપસ્થિત રહી મુસ્લિમ અને હિંદુને એક રથના બે પૈડા સમાન ગણાવ્યા હતા અને બંનેમાંથી એક પણ કોમના સહકાર વગર વિકાસ શક્ય ન હોવાનું જણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ્ના લઘુમતી પ્રત્યેના કૂણા વલણથી દેશના રાજકારણમાં ચકચાર મચી છે. વિરોધી પક્ષો કેસરિયા બ્રિગેડના આ વલણને તૃષ્ટિકરણ ગણાવી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી આણિ મંડળી વિપક્ષના દૃષ્ટિકરણના આક્ષેપ્ને તટસ્થીકરણ ગણાવી રાષ્ટ્રના વિકાસમાં સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર પોતે સાર્થક કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.