ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. નરેન્દ્ર મોદી - દેશના ભાવિ વડાપ્રધાન !
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 21 જાન્યુઆરી 2012 (10:48 IST)

મને જુલમ સહન કરવાની શક્તિ પ્રજાએ આપી છે - મોદી

P.R

હિન્દુત્વના પોસ્ટરબોય તરીકે 2002માં પ્રસ્થાપિત થયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરામાં પગ મૂકી હિન્દુત્વની ગાડીને વિકાસનો રંગ ચઢાવી દીધો છે. વિરોધીઓને તેમનું કામ ચાલુ રાખવાનો સંદેશ આપી તેમણે કહ્યું કે મને જુલ્મ સહન કરવાની પ્રજાએ શક્તિ આપી છે. ગોધરામાં ગયેલા મોદીની કેસરી પાઘડીનો રંગ તિરંગો બની ગયો હતો.

2009માં 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનના કાર્યક્રમમાં મોદી ગોધરા ગયા હતા તે પછી બીજી વાર સદભાવના મિશનમાં ઉપસ્થિત થયાં છે. આ વખતે મુસ્લિમોને પણ તેમણે સાથે રાખ્યા હતા. એક દિવસના સદભાવના ઉપવાસ પ્રસંગે જનતાને સંબોધનમાં વિકાસના મંત્રનું તેમણે ગાન કર્યું છે. 2002માં હિંદુત્વની ગાડીમાં સવાર નરેન્દ્ર મોદીએ સંકેતો આપી દીધા છે કે તેઓ હવે સદભાવનાના ઈંજનથી ચાલતી વિકાસની ગાડીમાં બેસીને ભવિષ્યની રાજનીતિ કરવા માંગે છે.

P.R

નરેન્દ્ર મોદીના સંબોધનમાં કહ્યુ કે આજે ગુજરાતની ઓળખ વિકાસને લઈને જ બની છે. પહેલીવાર ગુજરાત વિકાસની ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે કહ્યુ કે ગુજરાતના વિકાસને લઈને ક્યારેય તેમણે ખોટા વાયદા કર્યા નથી. દેશ જ નહીં દુનિયાભરમાં ગુજરાતની ઓળખ વિકાસને લઈને થઈ છે. તેના માટે તેમણે વિકાસના કામોને એક એજન્ડા હેઠળ કર્યા છે.

ગોધરામાં ઉપસ્થિત જનમેદનનીને સંબોધિત કરતાં મોદીએ કહ્યુ કે દેશના વિકાસની નવી પરિભાષા ગુજરાતે આપી છે. મોદીનું માનીએ તો તેમણે ગુજરાતમાં વોટબેંકની રાજનીતિ કરી નથી, વિકાસને લઈને જ રાજનીતિ કરી છે. તેમણે કહ્યુ કે ગુજરાતની જનતા તેમની પાસે પોતાની માંગો કરે છે અને તેઓ તેને પુરી કરે છે. પોતાના અંદાજમાં મોદીએ કહ્યુ કે પહેલા ગુજરાત ટીપા-ટીપા પાણી માટે તરસતું હતું. પરંતુ તેમણે પાણીના કારોબાર પર રોક લગાવી અને હવે સૌને ભરપૂર પાણી મળવા લાગ્યું છે.

P.R

મોદીએ કહ્યુ કે ગુજરાતમાં પાણીની અછત દૂર થઈ, હવે ટેન્કરો દોડતા નથી. હેન્ડપંપથી આગળ પાણીની વ્યવસ્થા કરવા સંદર્ભે વિચાર થતો ન હતો. પરંતુ આજે પાઈપલાઈનથી ગુજરાતના ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પાઈપલાઈન પણ એવી કે તેમાં મારુતિ ચલાવી શકાય.

મોદીએ કહ્યુ કે 2001માં ઉમરગાંવથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં માત્ર 4 ટકા ઘરોમાં નળથી પાણી આવતું હતું. પરંતુ આજે 75 ટકા આદિવાસીઓના ઘરોમાં નળમાંથી પાણી આવે છે. આને 100 ટકાના લક્ષ્યાંક સુધી પહોંચાડવાની નેમ છે.

કોંગ્રેસ પર કટાક્ષ કરતાં મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ કે ગુજરાતની જનતા કહે છે કે જ્યારે તમારી સરકાર હતી તો લોકો ગધેડા રાખતા હતા અને તેના પર માટી લાદીને વેચવા માટે જતા હતા. જ્યારે તેમની સરકાર આવી ત્યારે લોકો ગધેડા નહીં, પણ જેસીબી રાખવા લાગ્યા છે. મોદીએ કહ્યુ કે ગુજરાતના વિકાસનો લાભ ગરીબમાં ગરીબ વ્યક્તિ ઉઠાવી રહ્યો છે. મોદીએ કહ્યુ કે તેમના રાજ્યમાં મજૂર ઠેકેદાર બની ગયો છે.

P.R

ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતની 6 કરોડની જનતાએ દેશ આખાની રાજનીતિને વિકાસ માટે મજબૂર કરી દીધો છે. પહેલા વિકાસના કામો વોટબેંકને મજબૂત કરવા માટે થતાં હતા. દરેક વસ્તુને ચૂંટણી સાથે, વોટબેંક સાથે જોડી દેવામાં આવતા હતા. તેનાથી વોટબેંક તો સંભાળી શકાય, પણ દેશ સંભાળી શકાયો નહીં. પક્ષોનું તો ભલું થયું, પણ આમ આદમીનું કંઈ ભલું થયું નહીં. 15 વર્ષોમાં ગુજરાતની તસવીર બદલાઈ ગઈ છે.

નરેન્દ્ર મોદીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સંદર્ભે વાત કરતાં જણાવ્યુ કે રાજ્યે ઔદ્યોગિક વિકાસની પરિભાષા બદલી નાખી છે. આજે ગુજરાતના દરેક જિલ્લામાં કોઈને કોઈ ઉદ્યોગ છે. દરેક જિલ્લામાં ઉદ્યોગની જાળ બિછાવાઈ છે.

કેન્દ્ર સરકારને દિલ્હી સલ્તનત તરીકે સંબોધીને મોદીએ કૃષિ વિકાસના મામલે ગુજરાત સાથે સ્પર્ધા કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર કૃષિ વિકાસ દરને 3 ટકાથી ઉપર લઈ જઈ શકી નથી, પરંતુ ગુજરાતે કૃષિ વિકાસ દરને 11 ટકાની પાર પહોંચાડયો છે.

નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. તેમણે કહ્યુ કે એક રાજકીય પ્રવૃતિ છે, ભાગલા પાડો અને રાજ કરો, જેટલા ટુકડા થાય તેટલા ટુકડા કરો. બીજી રાજનીતિ છે સૌનો સાથ, સૌનો વિકાસ. તેમણે કહ્યુ કે આ વાત તપશ્ચર્યાથી નીકળી છે. વોટબેંકની રાજનીતિએ દેશને તબાહ કર્યો છે. શાંતિ, એકતા અને ભાઈચારાની શક્તિ ગુજરાતે દુનિયાને દેખાડી દીધી છે. સમાજના દરેક વર્ગનો વિકાસ ઈચ્છીએ છીએ.

તેમણે કહ્યુ કે પાંચ કરોડ હતા, ત્યારે કેમ ગુજરાતનો વિકાસ થયો નહીં, તેમ લોકો પુછે છે. ત્યારે પહેલા થતું કે એક જાતિને બીજી જાતિ સાથે લડાવવાની રાજનીતિ થતી. જાતિવાદના ઝેરે આપણને બરબાદ કર્યા છે. બીજી તરફ કોમવાદનું ઝેર ગોધરામાં 300 દિવસ કર્ફ્યુ રહ્યો હતો.

નાનીનાની વાતોમાં કોમી હુલ્લડો થઈ જતા હતા. દસ વર્ષ પહેલા બાળક મમ્મી-પપ્પાની જગ્યાએ કર્ફ્યુ બોલતા શીખતું હતું. બાળક પોતાના કાકા-મામાને ઓળખવાની જગ્યાએ પોલીસ અંકલને ઓળખતું હતું. પરંતુ દસ વર્ષથી ગુજરાતમાં કર્ફ્યું લાગ્યો નથી,

બાળકને કર્ફ્યું શું છે તેની ખબર નથી. આની પાછળનું કારણ એકતા, શાંતિ અને ભાઈચારાનો માહોલ અને વિકાસ છે. તેમણે કહ્યુ કે ઉપવાસ શ્રેય મેળવવા કે કોઈના વિરુદ્ધ નથી. પરંતુ ગુજરાતના લોકો ડંકાની ચોટ પર વિકાસનું કારણ દુનિયાને જણાવી શકે તેના માટે કર્યા છે. જો કે તેમણે ગોધરામાં કરેલા પોતાના સંબોધનમાં એકપણ વખત ગોધરાકાંડ અને ત્યાર પછીના રમખાણોનો ઉલ્લેખ કર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2012ના રોજ ગોધરાકાંડની 10મી વરસી છે.

તેમણે જનતાને એવા આશિર્વાદ આપવા જણાવ્યું કે તેમના પર જેટલા જુલ્મ થાય તેટલી તેને સહન કરવાની શક્તિ વધે. બાકીનું તેમના પર છોડી દેવામાં આવે. દરેક જુલ્મને સહેવાનું સામર્થ્ય જનતાના આશિર્વાદથી તેમને પ્રાપ્ત થયું છે. તેમણે જણાવ્યું કે તેઓ મુશ્કેલીઓથી ડરતા નથી.

મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતાં કહ્યુ કે જેમનો દિલ્હીમાં ઝંડો ફરકે છે, જે લોકો દેશમાં વર્ષો સુધી સત્તામાં રહ્યા તેઓ ગુજરાતમાં તેમની (મોદીની) સત્તાને સહન કરી શકતા નથી. તેમણે કહ્યુ કે આ એવું છે કે જેવી રીતે કોઈ બાળકના હાથમાંથી રમકડું લઈ લેવામાં આવે અને પછી તે ઘર આખામાં તોફાન મચાવે છે. મોદીએ કોંગ્રેસની તુલના ગરોળીની કપાયેલી પુંછડી સાથે કરી છે.

તેમણે કહ્યુ કે ગુજરાત દેશમાં સારું કરવાનો માપદંડ બન્યો છે. પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અમરિંદર સિંહે પોતાના ભાષણમાં કહ્યુ છે કે તેમને વોટ આપવામાં આવશે, તો પંજાબને તેઓ ગુજરાતની જેમ આગળ લઈ જશે. હિંદુસ્તાનભરમાં કોંગ્રેસના લોકેને જનતાને કંઈ કહેવું હોય છે, તો ગુજરાતનું નામ લેવું પડે છે. ત્યારે અહીંના કોંગ્રેસીઓને શું કહેવું.


મોદીએ કહ્યુ કે તેમને જે કંઈ કહેવું છે તે ગુજરાતના છ કરોડ લોકોને કહેવાનું છે કે વિકાસથી આગળ વધવાનો એક જ રસ્તો સદભાવના છે.