ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. નરેન્દ્ર મોદી - દેશના ભાવિ વડાપ્રધાન !
Written By વેબ દુનિયા|

મોદીનું સદ્દભાવના મિશન આજે ગોધરામાં

P.R
નરેન્દ્ર મોદી 2002ના ગુજરાત રમખાણો બાદ દેશ-દુનિયામાં બદનામ થયેલું સૌથી મોટું નામ. પરંતુ એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં આ નામ સૌથી વધારે લોકપ્રિય છે. તેના કારણે તો એક દસકા જેટલા લાંબા સમયથી અનેક ઝંઝાવાતો સામે મોદીને ગુજરાતની જનતાએ સત્તાના સિંહાસન પર બેસાડ્યા છે.

બીજી બાજુ નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ અગાઉ શબનમ હાશ્મી તથા અન્ય છ કાર્યકર્તાઓને પ્રિવેન્ટિવ કસ્ટડીમાં લેવાયા છે.

દેશ-દુનિયામાં તેમના નામ પર કીચડ ઉછાળવામાં આવે છે, પણ ગુજરાતની જનતાએ તેમને ખોબલે-ખોબલે મતો આપીને ગુજરાતના સત્તાના સૂત્રો સોંપ્યા છે. ગુજરાતે છેલ્લા એક દસકામાં વિકાસના મામલે હરણફાળ ભરી છે. તો કોંગ્રસના વડપણવાળી યુપીએ સરકારની સચ્ચર કમિટીએ પણ કહ્યું છે કે ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ દેશના અન્ય ભાગોના મુસ્લિમો કરતાં ઘણી સારી છે છતાં નરેન્દ્ર મોદીની છબી કટ્ટર હિંદુત્વવાદી નેતાની છે.

મુસ્લિમ સમુદાયમાં નરેન્દ્ર મોદીને સૌથી વધારે ધૃણાથી જોવામાં આવતું હોવાની માન્યતા છે. પરંતુ કઠલાલ વિધાનસભા બેઠક પર ભાજપને મળેલી જીત બાદ ખુદ મોદીએ જ કબુલ્યું કે આ જીતમાં મુસ્લિમ મતોની 30 ટકા જેટલી ભાગીદારી છે. અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ગાંધીનગરને બાદ કરતાં તમામ સ્થાનો પર ભાજપને બહુમતી સાથે સત્તા મળી ત્યારે પણ મુસ્લિમ મતો ભાજપને મળ્યા હોવાનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી દાવો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કેસ સંદર્ભે આવેલા એક જજમેન્ટ બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સદભાવના મિશન હેઠળ ઉપવાસની શરૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કાંડ સંદર્ભેના ચુકાદામાં મોદીને ક્લિનચીટ મળી હોવાના દાવા કરાયા છે. જો કે તે ચર્ચાનો અને કાયદાકીય મુદ્દો છે. પરંતુ એકવાત સ્પષ્ટ છે કે મોદીએ પોતાની સત્તાના એક દશકામાં પોતાનો ‘રાજધર્મ’ તો નિભાવ્યો છે. મોદીના ઉપવાસ હવે શુક્રવારે ગોધારામાં થવાના છે. ગોધરાના પોલન બજાર ખાતેના કેસરી ચોકમાં સદભાવના ઉપવાસ થશે.

અહીં શુક્રવારે મુસ્લિમોને નમાજ પઢવા માટે ઈબાદતખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંભાવના છે કે મુસ્લિમો મોટી સંખ્યામાં મોદીના સદભાવના ઉપવાસમાં હાજર રહેશે. ગોધરાકાંડને 10 વર્ષ થવા આવશે, દસ વર્ષમાં સાબરમતી નદીમાં ઘણાં નીર વહી ગયા છે ત્યારે જોવાનું એ રહેશે કે 27 ફેબ્રુઆરી, 2002ના સાબરમતી એક્સપ્રેસ કાંડ વિશે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સદભાવના ઉપવાસમાં શું કહે છે? તેનો ઉલ્લેખ કરે છે કે નહીં? શું નરેન્દ્ર મોદી સાબરમતી એક્સપ્રેસની 10મી વરસીએ પણ ગોધરા સ્ટેશન પર પડેલા s-6 કોચની મુલાકાત લેશે કે જેમાં 58 જેટલા કારસેવકો જીવતા ભૂંજાયા હતા? સાબરમતી એક્સપ્રેસ કાંડના મોટાભાગના આરોપીઓ અને સજા પામેલા લોકો ગોધરાના સિગ્નલ ફળિયા અને પોલન બજારના છે. ત્યારે મુખ્યમંત્રી મોદી અહીં શું સદભાવના સંદેશ આપશે, તેને પર સૌની મીટ મંડાયેલી છે.

ગોધરા ખાતેના સદભાવના ઉપવાસથી સ્પષ્ટ થઈ જશે કે હિંદુત્વના પોસ્ટર બોય નરેન્દ્ર મોદી ભાજપના સર્વોચ્ચ નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરશે કે પોતાના આગવા મોદીત્વના સહારે રાજકીય વૈતરણી પાર કરીને દિલ્હીની ગાદીએ પહોંચવાનો પ્રયત્ન કરશે. એટલું તો સત્વ છે કે તેઓ લાલકૃષ્ણ અડવાણીના માર્ગે ચાલવા માગતા નથી. સારા હેતુ માટે થતું પરિવર્તન હંમેશા સારું હોય છે. સદભાવના માટે નરેન્દ્ર મોદીમાં આવેલા પરિવર્તનથી તેમની છબીમાં કોઈ પરિવર્તન થાય તો તે સુખદ છે.

નરેન્દ્ર મોદી પ્રત્યે મીડિયાના એક વર્ગમાં હજી પણ સદભાવના નથી. તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યે પક્ષપાતપૂર્ણ વલણ દર્શાવે છે. તેમનું આ વલણ હજી પણ ચાલુ છે અને મોકો મળતા જ તેઓ આ વલણને તીવ્રતાથી દર્શાવે છે. ત્યારે સદભાવના મિશનથી મીડિયાના આ વર્ગમાં સદભાવના સ્થપાશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. આજના યુગમાં મીડિયા વ્યક્તિની છબીને બનાવે છે અને બગાડે છે. ત્યારે નરેન્દ્ર મોદીની હિંદુત્વવાદી છબી લોકોમાં મીડિયા થકી જ વધારે ગાઢ બની છે. જેનો લાભ લઈને નરેન્દ્ર મોદીના પક્ષ અને વિપક્ષમાં રહેલા રાજકીય પ્રતિસ્પર્ધીઓ તેમની ઈમેજને કારણ બનાવીને અવાર-નવાર તેમની રાજકીય મહત્વકાંક્ષામાં ગ્રહણ લગાવી રહ્યા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતોના ગણિતને આગળ કરીને જેડીયૂના નીતિશ કુમારે મોદીને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવતા રોક્યા હતા. પરંતુ કદાચ હવે તેમને યૂપીમાં રોકી શકાશે નહીં. ત્યારે શું સદભાવના મિશન તેમના રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન બનવા સુધીના મિશનમાં કોઈ રીતે મદદરૂપ થશે કે કેમ? તે પણ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપની સૌથી મોટી વિડંબણા એ છે કે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતૃત્વ પોતાનું પ્રતિસ્પર્ધી સમજે છે. જેના કારણે તેઓ હિંદુત્વવાદી ઈમેજમાં કેદ રહીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકામાં ન આવે, તેના માટે ગઠબંધન અને અન્ય કારણો આગળ કરીને તેમને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભાજપનું હાઈકમાન્ડ ગણાતી કેન્દ્રીય નેતાગીરી કરતાં નરેન્દ્ર મોદી આખા દેશમાં સૌથી મોટા ક્રાઉડ પુલર નેતા છે.

આમ જોવો તો નરેન્દ્ર મોદી માટે પક્ષની અંદર પણ કેન્દ્રીય સ્તરે સદભાવના ઘણી ઓછી છે. તેવા સંજોગોમાં મોદી માટે ગુજરાતમાં સદભાવના મિશન સાથે ભાજપમાં પણ પોતાના તરફે સદભાવના ઉભી થાય તેવું કોઈ મિશન ચલાવવાની હજી પણ જરૂરત છે. મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા હોવાની વાત અંબાણી બંધુઓથી માંડીને જાપાન-ચીન અને છેલ્લે અમેરિકી કોંગ્રેસના રિપોર્ટમાં પણ કહેવામાં આવી છે. છેલ્લે ચેન્નઈ ખાતે તુઘલક મેગેઝીનના સંપાદક અને રાજકીય વિશ્લેષક ચો. રામાસ્વામીએ પણ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં એનડીએ તરફથી આગળ કરવાની વાત કરી છે.

અડવાણીએ પણ કહ્યુ છે કે નરેન્દ્ર મોદીનું કદ વધવાથી તેમને ઘણો ગર્વ થયો છે. પરંતુ મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં તેમના કદ પ્રમાણેની ભૂમિકા આપવામાં કઈ દુર્ભાવના નડે છે અને તેને કેવી રીતે સદભાવનામાં ફેરવવી તે પણ મોદી માટે યક્ષપ્રશ્ન છે? જો કે નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા આપણું ગુજરાત, આગવું ગુજરાતથી મોદીત્વની શરૂઆત કરી હતી, પણ અત્યારે મોદીત્વ સૌનો સાથ, સૌના વિકાસના સ્ટેશને આવીને ઉભું છે, તે પણ ઘણું સૂચક છે.