બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :ડોડા: , ગુરુવાર, 22 જાન્યુઆરી 2026 (16:58 IST)

જમ્મુ-કાશ્મીર - ડોડામાં 200 ફીટ ઊંડી ખીણમાં ખાબકી સેનાની ગાડી, 10 જવાનો શહીદ

Army vehicle accident Jammu and Kashmir
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. આ અકસ્માતમાં 10 સૈનિકોના મોત થયા. સેનાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા વાહનમાં કુલ 17 લોકો મુસાફરી કરી રહ્યા હતા. શરૂઆતમાં, એવું કહેવામાં આવ્યું હતું કે 4 સૈનિકોના મોત થયા છે, પરંતુ બાદમાં 6 ગંભીર રીતે ઘાયલ સૈનિકોના પણ મોત થયા છે. અકસ્માતના સમાચાર મળતા જ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં ઘાયલ થયેલા સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
 
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને 10 સૈનિકોના મૃત્યુની માહિતી આપી. તેમણે ટ્વિટર પર લખ્યું, "ડોડામાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં આપણા 10 બહાદુર ભારતીય સેનાના સૈનિકોના જીવ ગુમાવવાથી ખૂબ દુઃખ થયું. આપણે આપણા બહાદુર સૈનિકોની ઉત્તમ સેવા અને સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખીશું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ખૂબ જ દુઃખદ ઘડીમાં, સમગ્ર રાષ્ટ્ર શોકગ્રસ્ત પરિવારો સાથે એકતા અને સમર્થનમાં ઉભો છે. 10 ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મેં વરિષ્ઠ અધિકારીઓને શ્રેષ્ઠ શક્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. હું તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."
 

ખાની ટૉપ વિસ્તારમાં થઈ દુર્ઘટના 
 

આ અકસ્માત ભાદરવાહના ખાની ટોપ વિસ્તારમાં થયો હતો. ત્યાં સેનાના વાહનને અકસ્માત થયો હતો. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માત બાદ તરત જ સેના અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મુશ્કેલ ભૂપ્રદેશ અને પ્રતિકૂળ હવામાન હોવા છતાં, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ સૈનિકોને તાત્કાલિક ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેમને સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા.
 

200 ફીટ ઊંડી ખીણમાં પડ્યુ સેનાનુ વાહન 
 

એક સૈન્ય અધિકારીના જણાવ્યા મુજબ, જે વાહન ખીણમાં પડ્યું તે બુલેટપ્રૂફ હતું. તેમાં કુલ 17 સૈનિકો સવાર હતા. તેઓ એક ઉંચાઈવાળી ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું. તેમણે કહ્યું કે નવ અન્ય સૈનિકોને ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી ત્રણને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે ઉધમપુર લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.