મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|

માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ

P.R

નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. નવરાત્રિ આવતા જ ચારેબાજુનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. માતાજીના દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જામવા માંડે છે. મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આમ તો નવરાત્રિ એક વર્ષમાં ચાર હોય છે. ચૈત્ર નવરાત્રિ વાસંતિક નવરાત્રિ, શારદીય નવરાત્રિ અને ધર્મગ્રંથો મુજબ મહા માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. આ ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું ભારતમાં વિશેષ મહત્વ છે.

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. નવરાત્રિનો તહેવાર કુલ નવ દિવસનો હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ આ નવ દિવસોમાં નવ દેવીઓનુ વિશેષ મહત્વ છે આવો જાણીએ માતાના નવ સ્વરૂપો.

આદિશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે,

આદિશક્તિ શ્રી દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા મળે છે.

આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્ર્તિ થાય છે

આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે, કૂષ્માંડાનું પૂજન કરવાથી આકર્ષણ મળે છે.

આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ મળે છે.

આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. માતા કાત્યાયનીનું પૂજન કરવાથી ઇચ્છાપૂર્તિ થાય છે.

આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રી છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રી કહેવાય છે. કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય મેળવી શકાય છે.

આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. મહાગૌરીનું પૂજન કરવાથી નવ નિધિ સુખ મળે છે.

આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે.
હિન્દુ પૌરાણિક કથા પર નજર નાખીએ તો ત્રેતાયુગમાં રાવણે માતા સીતાનુ હરણ કરીને લંકા લઈ ગયા હતા. જેથી રામે સીતાને પરત લાવવા માટે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી. એ સમયે આસો માસ હતો. આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે. તેથી શ્રીરામે આસો માસના સુદ પક્ષમાં એકમથી લઈને નવમી સુધી આરાધના કરીને દેવી શક્તિને જાગૃત કરી. તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન પણ મળ્યુ. આમ શ્રી રામે આસો સુદ દશમીએ વિજય મુહુર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો. શ્રીરામે નવ દિવસ વ્રત અનુષ્ઠાન કર્યુ હોવાને કારણે શારદીય નવરાત્રિમાં માતાની આરાધના કરવાનું મહત્વ વધી ગયુ.

નવરાત્રિમા ભારતમાં વિશેષ કરીને ગુજરાતમાં ઘટસ્થાપના, વ્રત-પૂજન, ઉપવાસ અને ગરબાનું વિશેષ મહત્વ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મોટા મોટા પંડાલ બનાવીને દુર્ગા મહોત્સવ ઉજવાય છે.