ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી આલેખ
Written By વેબ દુનિયા|

કલાકારોના પણ બજાર ભરાય છે, બોલો, કલાકારોના ભાવ બોલાય છે

વિચિત્ર આશ્ચર્યજનક આશ્ચર્યજનક લાગશે, પણ આ વાત હકીકત છે

P.R


અમદાવાદ શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓ હોય કે હાર્ડવેરની ચીજવસ્તુ, કાપડ હોય કે સોના-ચાંદી, તમામ ચીજ વસ્તુના બજાર છે. પરંતુ, આ શહેરમાં એક એવું બજાર છે કે જે માત્ર એકાદ માસ માટે જ ધમધમે છે. આ બજાર નવરાત્રિના એક માસ અગાઉ જ ધમધમતું થાય છે અને તે બજાર ઓળખાય છે કલાકારોના બજાર તરીકે.

આમ તો આ વાત થોડી આશ્ચર્યજનક લાગશે. પણ આ વાત હકીકત છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં રાયપુર દરવાજા સામે આવેલ સ્વામી વિવેકાનંદ કોલેજના ઝાંપા પાસે નવરાત્રિના એકાદ માસ અગાઉથી આ બજાર ધમધમતું થવા માંડે છે. જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય તેમ તેમ આ બજાર કલાકારોના ધસારાથી ઊભરાતું જાય છે.

નવરાત્રિના નવ દિવસમાં અમદાવાદના ખૂણે ખાંચરે થતા ગરબામાં બોલાવવામાં આવતી ઓરકેસ્ટ્રામાં વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડતા કલાકારો અને ગાયકો (ગરબા ગવડાવતા કલાકારો) એ આ બજારનું મુખ્ય આકર્ષણ છે. આ બજારની બીજી મહત્વની બાબત એ છે કે આ બજાર રાત્રિના ૧૦ વાગ્યા પછી જ ભરાય છે અને મોડી રાત સુધી ધમધમતું હોય છે.

આ બજારમાં તમામ પ્રકારના ઈન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાજિંત્રો વગાડતા કલાકારો તેમજ સીંગરો ભેગા થતા હોય છે. આ કલાકારો આર્ટિસ્ટ તરીકે પણ ઓળખાય છે. રાત્રે ૧૦ વાગ્યા પછી વિવિધ આર્ટીસ્ટો આ બજારમાં ભેગા થાય છે અને એકબીજાની સાથે ઓળખાણ થતી હોય છે અને ઓરકેસ્ટ્રા તેમજ મ્યુઝીકલ ગુ્રપમાં નવરાત્રિના પ્રોગ્રામ માટેના કલાકારોની પસંદગી થતી હોય છે. જો કોઇ ઓરકેસ્ટ્રા અથવા તો ગુ્રપમાં કોઇ કલાકાર ખૂટતો હોય તો તે આ બજારમાંથી સરળતાથી મળી જાય છે.

એક અંદાજ મુજબ બજારમાં રોજ રાત્રે ૫૦૦થી ૬૦૦ જેટલા કલાકારો ભેગા થતા હોય છે. જેમાં નાના અને નવા, મધ્યમ કક્ષાના તેમજ અનુભવની દ્રષ્ટિએ મોટા ગજાના તમામ કલાકારો ભેગા થતા હોય છે. આ કલાકારોનું મૂલ્ય પણ તેમના અનુભવ મુજબ અંકાતું હોય છે. આમ કલાકારોના આ બજારમાં આ સમય દરમિયાન ભારે સ્પર્ધાનું વાતાવરણ જોવા મળતું હોય છે. એમ પણ કહી શકાય કે આ બજારમાં કલાકારોના ભાવ બોલાય છે, મૂલ્ય અંકાય છે.

નવરાત્રિ દરમિયાન આ આર્ટીસ્ટોના ભાવ પણ અલગ અલગ મુકાતા હોય છે. જેમાં મુખ્યત્વે ઢોલ વગાડનાર આર્ટીસ્ટના રૃા. ૫૦૦થી ૨૫૦૦, ડ્રમ વગાડનાર આર્ટીસ્ટના રૃા. ૧૦૦૦થી ૪૦૦૦, કી બોર્ડ પ્લેયરના રૃા. ૧૨૦૦થી ૫૦૦૦ સુધી અને ઓકટોપેડ (ઈલેકટ્રોનીક્સ ડ્રમ) વગાડનાર આર્ટીસ્ટના રૃા. ૧૦૦૦થી ૩૦૦૦ જેવા ભાવ બોલાતા હોય છે તેમ જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.

ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા આર્ટીસ્ટોની સાથોસાથ આ બજારમાં સીંગરોની પણ બોલબાલા હોય છે. સીંગરો માટે પણ રૃા. ૧૦૦૦થી માંડીને પાંચથી છ હજાર જેવા ભાવ મૂકાતા હોય છે. ઓરકેસ્ટ્રાના મોટા ગુ્રપોના આર્ટીસ્ટોના મૂલ્ય અત્રે દર્શાવેલા મૂલ્ય કરતા પણ વધુ ઊંચા હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે 'કલાકારો અમૂલ્ય હોય છે.'અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન બોલાવવામાં આવતા ઓરકેસ્ટ્રા અથવા તો ગરબા પાર્ટીનો ઓછામાં ઓછો ચાર્જ રૃા. ૩૫૦૦ જેવો મૂકાય છે. કલાકારોના બજાર સાથે સંકળાયેલ એક મ્યુઝીકલ ગુ્રપના સંચાલકના જણાવ્યા મુજબ સારી, વ્યવસ્થીત ઓરકેસ્ટ્રાનો ચાર્જ રૃા. ૩૫૦૦૦થી ૪૦૦૦૦નો હોય છે. જ્યારે, સેલીબ્રીટી અને બ્રાન્ડનેમ ધરાવતી પાર્ટી/ઓરકેસ્ટ્રાનો ચાર્જ લાખોમાં ચૂકવાતો હોય છે.

આમ, નવરાત્રિના એકાદ માસ અગાઉ ધમધમતા થતા કલાકારોના આ બજારને નિહાળવાનો લ્હાવો ખરેખર લેવા જેવો છે.