શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2015 (14:31 IST)

મુખ્યપ્રધાનનું પેકેજ હથેળીમાં ચાંદ બતાવવા જેવુ - અસંતુષ પાટીદારો વડીલાન શરણે

છેલ્લા ત્રણ માસથી પાટીદારો માટેના અનામતને મુદ્દે ચાલી રહેલું આંદોલન ગઇ કાલે સરકારે જાહેર કરેલ શૈક્ષણિક નીતિ અને રૂ.૧,૦૦૦ કરોડના આર્થિક પેકેજ પછી હવે યુ ટર્ન લઇ રહ્યું છે. સરકારના આર્થિક પેકેજ અને નવી નીતિથી અસંતુષ્ટ પાટીદારો વડીલોના શરણે ગયા છે. 
 
વારંવાર સંકલન સમિતિ પાસ અને એસપીજીની કાર્ય પ્રણાલીમાં થઇ રહેલી વિસંગતતા-બંને નેતાઓના જુદા જુદા પ્રતિભાવ વગેેરે જોતાં હવે પાટીદાર સમૂહમાં પણ નેતાગીરીના મુદ્દે આંતરિક અસંતોષનું વાતાવરણ ઊભું થઇ રહ્યું હોવાના પગલે હવે પાટીદારોની ચાર મુખ્ય સંસ્થાના આગેવાનો-વડીલો આંદોલનની નેતાગીરી હવે સંભાળી લેશે.
 
 
આ અંગે એસપીજી ગાંધીનગરના નેતા ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં પાટીદાર સંસ્થાના વડીલોની ઉપસ્થિતિ અને નેતૃત્વમાં એક બેઠક યોજાશે. જેમાં હવે પછીના કાર્યક્રમો અંગેની રણનીતિ ઘડવામાં આવશે. સરકારે જાહેર કરેલી નીતિ અને પેકેજના મુદ્દે અમારા નેતાઓએ તેમની પ્રતિક્રિયા જાહેર કરી દીધી હોવાનું તેમણે જણાવ્યું હતું.
 
 
અત્રે ઉલ્લેખનીય છે કે પાસ અને એસપીજીના નેતા હાર્દિક પટેલ અને એલ.ડી. પટેલે આ પેકેજને લોલીપોપ અને હથેળીમાં ચાંદ બતાવવા જેવું ગણાવ્યું હતું.
 
 
વડીલોમાં કોનું હશે નેતૃત્વ
 
જેમના નેતૃત્વમાં હવે પછીની અનામત આંદોલનની લડાઇ આગળ ધપાવવામાં આવશે. તેને હવે 'વડીલો' નામ અપાયું છે. જેમાં મુખ્યત્વે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, ઉમિયા માતાજી સંસ્થાન સિદસર, ખોડલધામ કાગવડ અને સમસ્ત પાટીદાર સમાજ સુરતનો સમાવેશ કરાયો છે. આ ચાર સંસ્થાના પ્રતિનિધિઓની એક નવી ટીમ બનશે. 
 
. તેમના નેતૃત્વ હેઠળ હવે પછીના કાર્યક્રમો જાહેર થશે. આગામી બે દિવસમાં આ મિટિંગ ઊંઝા અથવા સુરત ખાતે મળવાની સંભાવના છે. પાટીદારો સરકારે જાહેર કરેલા પેકેજથી નારાજ છે.
 
અનામત અને મેડિકલ કોલેજની નીતિ જાહેર નહીં કરવાના મુદ્દે તેમજ રાજસ્થાન પેટર્ન પણ ઉપયોગમાં નહીં લેવાના મુદ્દે પાટીદારો નારાજ છે, પરંતુ કોઇ પણ પ્રકારના વિખવાદો ટાળવા હવે તેઓ વડીલોની રાહે આંદોલન આગળ ધપાવશે.