શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ઉદેપુર, , સોમવાર, 25 જુલાઈ 2016 (12:59 IST)

મોદી હવે ગુજરાતના રહ્યા નથી, મોદી એનઆરઆઇ છે

શરતી જામીન અંતર્ગત ઉદેપુરમાં રહેતા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં દલિત આંદોલન અને તેમાં સરકારની ભૂમિકા અંગે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા.

હાર્દિકે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આટલી ઘટનાઓ બની, આટલા સમય સુધી હિંસાઓનો દોર ચાલ્યો છતાં વડાપ્રધાન મોદીએ ક્યારેય પણ ગુજરાતની મુલાકાત લીધી નથી કે પછી ગુજરાત વિષે કોઈ ટિપ્પણી કરી નથી તેનું કારણ એ છે કે મોદી હવે ગુજરાતના રહ્યા નથી તે તો હવે એનઆરઆઈ થઈ ગયા છે. હાર્દિકે જણાવ્યુ હતું કે, હાઈકોર્ટ દ્વારા મને માત્ર ગુજરાત બહાર રહેવાની શરતે જામીન અપાયા હોવા છતાં અહીં ઉદેપુરમાં મને એક જ મકાનમાં નજરકેદ કરવામાં આવ્યો છે. 

મારા વકિલે ઉદેપુરના આઈજી અને એસપીને નોટિસ આપી છે જેમાં તેમની પોલીસ હાઈકોર્ટના આદેશનો ભંગ કરી રહી હોવાનુ જણાવી તેમનું સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે. હું ઘરની બહાર નિકળવા માંગુ છું જ્યારે પોલીસ મને ઘરમાં પુરાઈ રહેવા મજબુર કરી રહી છે. હું આ કાયદાકીય બાબતો ઉકેલાઈ જાય તેની રાહ જોઈ રહ્યો છું. હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગુજરાતના નહીં પણ એનઆરઆઈ થઈ ચુક્યા છે.

તેમણે સરકારી મશીનરી અને ઈન્ટેલિજન્સ બ્યુરોનો અમારુ આંદોલન રોકવા માટે દુરુપયોગ કર્યો છે. લોકો બધુ શાંતિથી જોઈ રહ્યા છે અને આવતા વર્ષે ચુંટણીમાં તેમને ખબર પાડી દેશે. જ્યારે પોતાની સામે રાજદ્રોહનો ગુનો નોંધવા અંગે હાર્દિકે જણાવ્યુ હતું કે, અડવાણીજી અને મોદીજી જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા લઈને નિકળ્યા હતા ત્યારે દેશભરમાં ફાટી નિકળેલ હિંસાઓમાં ૧૦ હજારથી વધુ લોકોના મોત થયા હતા.

ત્યારે તો કોઈએ અડવાણીજી સામે કે મોદીજી સામે રાજદ્રોહનો કેસ લગાડ્યો નહતો.  આ ઉપરાંત કાશ્મીર, ગોધરા, દાદરી એવા અનેક કાંડ છે જ્યાં રાજદ્રોહના કેસ લાગ્યા નથી. આતંકીઓ, નક્સલીઓ અને ઝાકીર નાઈક જેવા લોકો સામે પણ રાજદ્રોહના કેસો લાગતા નથી માત્ર પોતાનો હક માંગવા નિકળેલા નિર્દોષ લોકો પર જ રાજદ્રોહના કેસ લાગે છે.