શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2015 (16:18 IST)

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનાં દિવસે પટેલોનું શક્તિ-પ્રદર્શન

પટેલ અનામત આદોલનના નેતા હાર્દિક પટેલે તેમના આંદોલનની રાષ્ટ્રીય રૂપરેખા જાહેર કરતાં ગઈ કાલે એક નવી સંસ્થાની જાહેરાત કરી હતી જે પટેલો અને અન્ય સમાન કોમોને એક છત્ર હેઠળ લાવી તેમને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)માં સામેલ કરવા સરકાર પર દબાણ લાવશે.

હાર્દિકે જાહેર કર્યું હતું કે પટેલ નવનિર્માણ સેના, પાટીદારો અને તેમને સમાન જાતિઓ જેવી કુર્મી અને ગુજ્જરોને તેમની સરકારી નોકરીઓ અને શિક્ષણક્ષેત્રે અનામતની માગણી માટે સરકાર પર દબાણ લાવવા એક છત્ર હેઠળ લાવશે.

આગામી મહિનાઓમાં પોતાની ઝુંબેશ આગળ ધપાવવા હાર્દિકે રાષ્ટ્રીય ક્ષેત્રે કેટલીક રૅલીઓ આયોજિત કરવાની પોતાની યોજના જાહેર કરી છે. ૧૬ રાજ્યોમાં પટેલ નવનિર્માણ સેનાના એકમોની સ્થાપના થઈ ચૂકી છે અને ગઈ કાલે આ સંગઠનના રાષ્ટ્રીય  પ્રમુખ તરીકે હાર્દિક પટેલ ચૂંટાઈ આવ્યા હતા.

હાર્દિક પટેલ એવો દાવો કરે છે કે ગુજરાતની બહાર પટેલો કુર્મી અને ગુજ્જર તરીકે ઓળખાય છે. ભારતમાં આ ત્રણે કોમોની કુલ વસ્તી ૨૭ કરોડ છે, જ્યારે અનામતની માગણી માટે પટેલોએ ગુજરાતમાં આંદોલન કર્યું ત્યારે હાર્દિકને એકાએક પ્રસિદ્ધિ મળી હતી.

હાર્દિકે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી કુર્મી પટેલ કોમના ૭.૮ લાખ લોકો પટેલ નવનિર્માણ સેનાના સંગઠનમાં જોડાયા છે. આગામી ૧૨ મહિનામાં અમે ૧૬ રાજ્યોમાં ૧૬ રૅલીઓ કરીશું અને અમે આશા રાખીએ છીએ કે આ દરેક રૅલીમાં પટેલ નવનિર્માણ સેનાના ચાર લાખથી વધુ સભ્યો ભાગ લેશે. ૩૧ ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. એ દિવસે અમારી સંસ્થા લખનઉમાં કુર્મી પટેલોને અનામત મળે એ માટે મેગા રૅલી યોજશે. ત્યાર બાદ આ શક્તિ-પ્રદર્શન દિલ્હી ખાતે યોજાશે.’

હાર્દિકે ઉમેર્યું હતું કે લખનઉની રૅલીના દોઢ મહિના પછી અમે દિલ્હીમાં ભવ્ય રૅલી યોજીશું જેમાં અમારી સંસ્થાના લગભગ ૫૦ લાખ સભ્યો ભાગ લેશે.

૨૫ ઑગસ્ટે હાર્દિક પટેલના નેતૃત્વવાળી પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગુજરાતમાં કરેલા આંદોલનમાં અમદાવાદમાં મોટી રૅલી યોજી હતી. એ દિવસે હાર્દિકની થોડા સમય માટે અટક થયા બાદ આંદોલન હિંસક થઈ ગયું હતું જેમાં ૧૦ જણનું મૃત્યુ થયું હતું અને સરકારી સંપત્તિને મોટું નુકસાન પહોંચ્યું હતું.