શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2015 (17:20 IST)

હાઇકોર્ટે હાર્દિકની જીભ ઉપર લગામ મુકી, આગામી સુનાવણી સુધી નિવેદન બાજી નહિ કરવા જણાવ્યું

નાટકીય ઘટનાક્રમ બાદ આજે સવારે હાઇકોર્ટના દ્વારે પહોંચેલા હાર્દિક પટેલને કોર્ટે આકરા શબ્દોમાં ખખડાવી નાખ્યો હતો. હાઇકોર્ટે હાર્દિક પટેલ અને તેના વકીલ માંગુકીયાનો ઉધડો લીધો હતો. કોર્ટે હાર્દિક પટેલને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શું તમારો ઇરાદો પોલીસને બાનમાં લેવાનો છે ? તમારા ઇરાદાઓ મલીન હોવાના નિર્દેશો મળે છે ? ન્યાય તંત્રના દરવાજા ખુલ્લા હોવા છતાં તમે વારંવાર શા માટે મિડીયા પાસે ચાલ્યા જાવ છો ? હાઇકોર્ટે કોર્ટે હાર્દિક પટેલના આરોપો અંગે અસંતોષ વ્યકત કર્યો હતો અને હાર્દિક પટેલ અને તેના વકીલને આરોપો સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે જો હાર્દિક પટેલ સામે એફઆઇઆર નોંધાય હશે તો તેની ધરપકડ થઇ શકશે. હાઇકોર્ટે હાર્દિકના વકીલને જણાવ્યું હતું કે, તમારા માટે ન્યાય તંત્રના દરવાજા મોડી રાત્રે ખુલ્યા હતા તો પછી ગઇકાલે રાત્રે તમે શા માટે હાર્દિકને પત્રકાર પરિષદમાં હાજર કર્યો. અપહરણ થયું તે વ્યકિત મળ્યો તો કોર્ટને જાણ કેમ ન કરી. કોઇ એક વ્યકિત એક વખત જુઠુ બોલે તો ૧૦ વખત જુઠું બોલવું પડે છે. સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ બે કવરમાં પુરાવાઓ રજૂ કર્યા હતા. વધુ સુનાવણી ૨૯મીએ કરવામાં આવશે. હાઇકોર્ટે આજે હાર્દિકની જુબાન ઉપર લગામ મુકતા તેને આગામી સુનાવણી સુધી નિવેદન બાજી નહિ કરવા જણાવ્યું છે.

   અરવલ્લીના બાયડ પાસેના તેનપુર ગામની સભા બાદ હાર્દિક પટેલના ગુમ થયાની ઘટનાને પગલે સતત બે દિવસથી ચાલી રહેલા હાઈપ્રોફાઈલ ડ્રામા બાદ આજે અંતે હાર્દિક પટેલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ થયો હતો. જેમાં હાઈકોર્ટે હાર્દિકના આક્ષેપો સામે શંકા વ્યકત કરી તેનું લેખિતમાં નિવેદન લીધું હતું. કાયદાનો દુરૃપયોગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી વધુ સુનાવણી ૨૯ સપ્ટેમ્બર પર મુલતવી રાખી હતી.

   ગુજરાત હાઈકોર્ટમાં મીડિયા અને સમર્થકોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે આજે હાર્દિક પટેલના એડવોકેટ બી.એમ. માંગુકીયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા એડવોકેટ બી.એમ. માંગુકીયા અને અરજદારો દ્વારા અપનાવવામાં આવેલી ટેકનિક પ્રત્યે સખત નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે સીધી ચીમકી પણ આપી હતી કે, કાયદાની મર્યાદામાં રહીને જ કાર્યવાહી કરવી જોઈએ. હાઈકોર્ટે હાર્દિકને તેની સાથે બનેલી આખી ઘટના બયાન કરવા કહ્યું હતું. હાર્દિકે પોલીસ દ્વારા તેને લઈ જવામાં આવ્યો હોવાની, કારમાં ફેરવવામાં આવ્યો હોવાની ઘટના વર્ણવી હતી. જેના પગલે તેની પાસે લેખિતમાં પણ નિવેદન લેવામાં આવ્યું હતું.

   જયારે સરકાર તરફે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સમગ્ર ઘટનાને સુઓમોટો રીટ તરીકે લઈ જો આ કેસમાં કાયદાનો દુરૃપયોગ કરવામાં આવ્યો હોય તો તેવા સંજોગોમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. તેમણે કોર્ટ સમક્ષ કેટલીક મોબાઈલ કોલ ડિટેઈલ્સ પણ બંધ કવરમાં રજૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, તેમાં વાતચીતની ટ્રાન્સ્ક્રિપ્ટનો સમાવેશ થાય છે. 

   હાઈકોર્ટે આ કેસને ૨૯મી સુધી મુલતવી રાખ્યો છે ત્યારે આગામી મુદ્દતે હાર્દિકે પણ હાજર રહેવાનું રહેશે. હાઈકોર્ટે સમગ્ર મામલાને ખુબ જ ગંભીરતાથી લીધો હતો અને એડવોકેટ માંગુકીયાને કહ્યું હતું કે, તમે કોર્ટ સમક્ષ વર્ણવી હતી તેવી પ્રાથમિક તબક્કાની ગંભીરતા હાલના તબક્કે જણાતી નથી. તેમજ તમારે અપહરણ થયું હતું એ વ્યકિત જયારે મળી આવ્યા ત્યારે કોર્ટને જાણ કરવાની જરૃર હતી. કોર્ટે એ બાબતે પણ ભારે નારાજગી વ્યકત કરી હતી કે, એડવોકેટ માંગુકીયાએ સમગ્ર બાબતને મીડિયા સમક્ષ ખોટી રીતે લઈ ગયા હતા. કોર્ટ દ્વારા મનાઈ કરવામાં આવી હોવા છતાં તેમણે રાત્રે અઢી વાગ્યે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. હાર્દિકે પણ એ પકડાયો ત્યારે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જે બાબતની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

   હાઈકોર્ટે ટકોર કરી હતી કે, મિસ્ટર માંગુકીયા કોઈ વ્યકિત એક વાર જૂઠું બોલે તો તેને દસ વાર જૂઠું બોલવું પડે છે. હાઈકોર્ટે એવું પણ મૌખિક અવલોકન કર્યુ હતું કે, કોઈને પણ ન્યાયતંત્ર સાથે રમત કરવાનો અધિકાર નથી. ન્યાયતંત્રની મજાક કરનારા સામે કડક હાથે કામ લેવાશે. આ પૂર્વે હાઈકોર્ટે કેસ સાથે જેમને કંઈ લેવા-દેવા ન હોય તેમને બહાર જવા આદેશ કર્યો હતો.

   શું કહે છે એવોકેટ માંગુકીયા?

   સુનાવણી પૂર્વે હાર્દિક પટેલના એડવોકેટ બી.એમ. માંગુકીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેનપુર ગામે ૧૪૪નો અમલ નહોતો. તેવું હાર્દિકનું કહેવું છે. અને લાગુ હોય તો પણ એ પ્રાઈવેટ પ્રોપર્ટી પર લાગુ ન પડે. એ જ રીતે હાર્દિક પર ૧૮૮ પણ લાગુ નથી પડતી. જો લાગુ પડે તો પણ એને જામીન આપીને છૂટો કરો. માંગુકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિકની ધરપકડ ન થવી જોઈએ. જેથી ગુજરાતમાં શાંતિ યથાવત રહે અને રાજયનો માહૌલ ન ડહોળાય.

   અરવલ્લી જિલ્લાનાં તેનપુરમાંથી મંગળવારે બપોરે સભામાં ભાષણ આપીને પલાયન થયેલો હાર્દિક પટેલ બુધવારે બપોરે ધ્રાંગધ્રા હાઈવે પર પ્રગટ થયો હતો. આ દરમિયાન પોલીસ તેને શોધતી રહી હતી, તો બીજી બાજુ મોડી રાત્રે હાર્દિકને લઈને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી રાત્રે બે વાગ્યે જસ્ટિસના બંગલે કરવામાં આવી હતી. આજે હાર્દિક જસ્ટિસ એમ.આર. શાહ અને કે.એમ. ઠક્કરની ડિવિઝન બેચ સામે આ કેસમાં રજૂ થયો હતો. જોકે આ કેસમાં હાઇકોર્ટ દ્વારા મૌખિલ અવલોકન રજૂ કરાયું છે. વધુ સુનાવણી આગામી ૨૯મી સપ્ટેમ્બરે કરવામાં આવશે. હાઈકોર્ટે હાર્દિક પટેલને આગામી સુનાવણી સુધીમાં ગોંધી રખાયાની વાતને સાબિત કરતાં પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. હાર્દિકની જેમ હાઇકોર્ટે પોલીસ પ્રત્યે પણ કડક વલણ દાખવતા કાયદાની મર્યાદામાં કામ કરવાની સલાહ આપી છે.

   આજે હાઈકોર્ટમાં હાર્દિકને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો. હાર્દિક સાથે તેનો વકીલ બાબુભાઈ માંગુકિયા પણ હાજર રહ્યા હતા. તેમના મતે તો હાર્દિકનો કેસ એ કલીયરકટ અપહરણનો કેસ જ હતો અને તેની તપાસ થવી જોઈએ. જોકે, કોર્ટે હાર્દિકની આ હેબિયસ કોર્પસની વિશ્વસનીયતા પર શંકા વ્યકત કરી દીધી હતી. હાઈકોર્ટે એમ પણ કહ્યં હતું કે જો તમે એકવાર જુઠ્ઠુ બોલો તો સો વખત જુઠ્ઠું બોલવું પડે છે. ન્યાયતંત્ર સાથે રમવાનો કોઈને અધિકાર નથી.

   વધુમાં કોર્ટે હાર્દિક પર લાલ આંખ કરતા કહ્યું હતું કે દરેક વખતે મીડિયાને સાથે રાખવાની શું જરૃર છે. હાઈકોર્ટે હાર્દિકને તેનપુરની સભા બાદ ગુમ થવાથી લઈને અત્યાર સુધીનો તમામ ઘટનાક્રમ લેખિતમાં આપવા પણ જણાવ્યું હતું અને હાર્દિકે લખેલી તમામ વિગતોની એફિડેવિટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી હાર્દિકને કોઈ પણ પ્રકારની નિવેદનબાજી ન કરવા કે સભા ન સંબોધવા તાકિદ કરી છે. હાઈકોર્ટે પોલીસને પણ ઠપકો આપતા કહ્યું હતું હાર્દિકની ધરપકડ કરવા પોલીસ સ્વતંત્ર છે પરંતુ કાયદાની હદમાં રહીને પોલીસે કામ કરવું જોઈએ. હાઈકોર્ટમાં આજે અરવલ્લીના એસપી મયૂર ચાવડા હાજર રહ્યાં હતાં. હાર્દિકની હાજરીને કારણે હાઈકોર્ટ બહાર સમર્થકોની ભીડ જમા થઈ ગઈ હતી અને તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં.