1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો

phone for farmers
ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ખેડૂતો પાસેથી સીધી જ લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સરકાર બાજરી અને જુવાર પર MSP ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું વિશેષ બોનસ પણ ચૂકવશે, જેથી ખેડૂતોને બજાર કરતા વધુ પોષણક્ષમ ભાવ મળી રહે.
 

કયા પાક માટે કેટલો ભાવ (MSP) નક્કી કરાયો?

 
 સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ મુજબ, બાજરી માટે 2775 રૂપિયા, મકાઈ માટે 2400 રૂપિયા અને જુવાર (માલદંડી) માટે 3749 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. હાઇબ્રીડ જુવારનો ભાવ 3699 રૂપિયા રહેશે. આ ભાવમાં બાજરી અને જુવાર પર મળનારું 300 રૂપિયાનું વધારાનું બોનસ ખેડૂતો માટે મોટો આર્થિક લાભ સાબિત થશે.
 

નોંધણી અને ખરીદીની સમયમર્યાદા

 
 ટેકાના ભાવે પાક વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. ખેડૂતો પોતાની સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે 1 થી 30 એપ્રિલ, 2026 દરમિયાન નોંધણી કરાવી શકશે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, સરકાર દ્વારા પાકની પ્રત્યક્ષ ખરીદી 1 મે થી 15 જુલાઈ, 2026 સુધી કરવામાં આવશે. ખાસ નોંધવું કે નોંધણી વખતે ખેડૂતનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (ફિંગરપ્રિન્ટ) જરૂરી છે.
 

જરૂરી દસ્તાવેજો અને નોંધણીની પ્રક્રિયા 

 
નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, જમીનના લેટેસ્ટ 7/12 અને 8-A ના ઉતારા, તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક સાથે રાખવાનો રહેશે. જો જમીનના ઉતારામાં પાક વાવણીની એન્ટ્રી ન હોય, તો તલાટીનો સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો રજૂ કરવો પડશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર ખેડૂતોની નોંધણી રદ થઈ શકે છે, તેથી સાચી વિગતો આપવી અનિવાર્ય છે.
 
એસએમએસ દ્વારા જાણ અને હેલ્પલાઈન સુવિધા 
 
સફળ નોંધણી પછી, જ્યારે ખેડૂતનો પાક વેચવાનો વારો આવશે ત્યારે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે. પાક વેચવા જતી વખતે મૂળ ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે. જો ખેડૂતોને કોઈ પણ મૂંઝવણ હોય, તો તેઓ સરકારના હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
 
ये भी पढ़ें
MI vs KKR IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી નોંધાવી જીત, કેકેઆરને એકતરફા હરાવ્યું