ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે: અમદાવાદ સહિત 15 થી વધુ જિલ્લાઓમાં વરસાદી એલર્ટ
ahmedbad rain
ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા 22 જુલાઈથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.
કયા જિલ્લાઓમાં કેટલો પડી શકે છે વરસાદ?
આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. આ ઉપરાંત સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
vadodara rain
આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 27 જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદનું જોર યથાવત રહેશે. નવસારીથી લઈને અમદાવાદ અને મહેસાણા સુધીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો જેવા કે કચ્છ, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
vadodara rain
શહેરોનું તાપમાન અને દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ
હવામાનની સ્થિતિ જોતાં અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ અને સુરત-વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, ગુજરાતના દરિયાકાંઠે 3.6 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની ભીતિ હોવાથી કચ્છ, પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથમાં હાઈ વેવ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત કરાયા છે.
પવનની તેજ ગતિ અને માછીમારો માટે ચેતવણી
દરિયામાં સક્રિય થયેલા દબાણને કારણે બંદરો પર ૪૫થી ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે અને ઝાપટાં દરમિયાન 65 કિમી પ્રતિ કલાક સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જખૌથી લઈને દહેજ અને મગદલ્લા સુધીના તમામ બંદરો પર ચેતવણી જાહેર કરવામાં આવી છે અને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
