1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. ‘Bharat Tex’ inaugurated by Amit Shah

ગાંધીનગરમાં આજે અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્ષી’નો શુભારંભ:‘PM ફેમિલી કેર ટ્રેકર’નું કરશે લોન્ચિંગ; બે દિવસીય પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

amit shah
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 જૂન એમ બે દિવસ દરમિયાન તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે પધારી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની નાગરિકોને ભેટ આપશે તેમજ સંગઠન અને વહીવટી તંત્ર સાથે મહત્વની સમીક્ષાત્મક બેઠકો યોજી ચિંતન કરશે. ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં આ પ્રવાસના કાર્યક્રમોની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે.

ભારતની પ્રથમ સહકારી ટેક્સી સેવાનો શુભારંભ

કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 27 જૂનના રોજ સવારે 11 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી એક ઐતિહાસિક શરૂઆત થવા જઈ રહી છે. શાહના હસ્તે ભારતની સૌપ્રથમ ડ્રાઈવરની માલિકી ધરાવતી સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી"નો ગુજરાતમાં ભવ્ય શુભારંભ કરાવવામાં આવશે. સહકારિતા ક્ષેત્રે ટેક્સી ચાલકોના ઉત્થાન માટે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે.
 
ત્યારબાદ બપોરે 12.45 કલાકે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમીટી (DISHA - દિશા) ની મહત્વની બેઠક યોજાશે, જેમાં સરકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાશે.
 

અમદાવાદમાં 'હરિયાળી લોકસભા' અંતર્ગત વૃક્ષારોપણની સમીક્ષા અને લોકદરબાર

બપોર બાદ અમિત શાહ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે પહોંચશે. અહીં તેઓ ‘ગાંધીનગર લોકસભા - હરીયાળી લોકસભા’ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલા "સામુહિક વૃક્ષારોપણ" ની કામગીરી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરશે અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપશે.
 
ત્યારબાદ સાંજે 6.30 કલાકે સાબરમતી વિધાનસભા વિસ્તારના રાણીપ અને સાબરમતી વોર્ડના નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે રાણીપમાં જીએસટી ક્રોસિંગ પાસે આવેલી શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક ભવ્ય ‘લોકદરબાર’ યોજાશે, જેમાં ગૃહમંત્રી જનતાની વચ્ચે ઉપસ્થિત રહેશે.
 

ચિંતન શિબિર અને 'PM Family Care Tracker'નું લોકાર્પણ

પ્રવાસના બીજા દિવસે એટલે કે 28 જૂનના રોજ બપોરે 2.30 કલાકે અમિત શાહ સાબરમતી વિધાનસભાના બુથ પ્રમુખો અને શક્તિકેન્દ્રના ઇન્ચાર્જોની ‘ચિંતન શિબિર’માં ઉપસ્થિત રહી આગામી સંગઠનાત્મક કાર્યો અંગે માર્ગદર્શન પૂરું પાડશે.

 
આ પ્રવાસના અંતિમ ચરણમાં ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત ટાઉન હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નાગરિકોની સ્વાસ્થ્ય અને કલ્યાણ સુવિધાઓને ડિજિટલી ટ્રેક કરતા અત્યંત મહત્વકાંક્ષી PM Family Care Tracker (FCT) પ્રોગ્રામનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના આ બે દિવસીય પ્રવાસને પગલે ગાંધીનગર અને અમદાવાદના મનપા પ્રશાસન તેમજ ભાજપ સંગઠન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
 
 
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
ટૂંક સમયમાં જ ભારત આવશે ટ્રંપ, પીએમ મોદી સાથે તેમના સંબંધ ખૂબ સારા છે - માર્કો રૂબિયો