1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Ahmedabad Dosa Death Case Twist Couple Killed Daughters Over Desire For Son

અમદાવાદ ડોસા ડેથ કેસમાં ખોફનાક ખુલાસો, પુત્ર પ્રાપ્તિના મોહમાં કપલે પુત્રીઓને આપ્યુ ઝેર, ડાયરીએ ખોલ્યુ રહસ્ય

Ahmedabad dosa batter death
Ahmedabad dosa batter death
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના મોતની ઘટનામાં હવે એક ભયાનક વળાંક આવ્યો છે. શરૂઆતમાં જે ઘટનાને ડોસાના ખીરાને કારણે થયેલું 'ફૂડ પોઈઝનિંગ' માનવામાં આવતું હતું, તેની તપાસમાં હવે ઈરાદાપૂર્વક ઝેર અપાયું હોવાના પુરાવા મળી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ તેની પાછળ કોઈ ઊંડું અને અંધારું રહસ્ય છુપાયેલું છે.
 
ખીરાની તપાસમાં ક્લીનચીટ: 200  લોકોએ ખાધું પણ કોઈને કંઈ ન થયું
પરિવારે આક્ષેપ કર્યો હતો કે ડેરીમાંથી લાવેલા 3  કિલો ખીરાના ડોસા ખાધા બાદ તબિયત બગડી હતી. જોકે, પોલીસે સતર્કતા દાખવી તે ડેરીના તે જ બેચના ખીરાની તપાસ કરી હતી. આશ્ચર્યજનક રીતે તે દિવસે અન્ય 200 લોકોએ પણ તે જ ખીરાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ કોઈને પણ સામાન્ય બીમારી પણ થઈ નથી. આ રિપોર્ટ બાદ પોલીસની શંકાની સોય હવે પરિવાર તરફ વળી છે.
 
  કબર ખોદીને બાળકીનો મૃતદેહ બહાર કઢાયો: ફોરેન્સિક તપાસ તેજ
ત્રણ મહિનાની રાહા અને ચાર વર્ષની મિશ્રીના મોત બાદ રાહાને દફનાવી દેવામાં આવી હતી. જોકે, સત્ય બહાર લાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ચાંદખેડા પોલીસે રાહાના મૃતદેહને કબર ખોદીને બહાર કાઢ્યો છે. પેનલ પોસ્ટમોર્ટમ અને વિગતવાર ફોરેન્સિક તપાસ માટે વિસેરાના નમૂના લેવામાં આવ્યા છે, જેથી શરીરમાં કયા પ્રકારનું ઝેર હતું તે જાણી શકાય.
 
 ત્રણ મહિનાની બાળકી ડોસા કેવી રીતે ખાય? તપાસકર્તાઓ મૂંઝવણમાં
આ કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉઠ્યો છે કે માત્ર ત્રણ મહિનાની બાળકી ડોસા કેવી રીતે ખાઈ શકે? તબીબી વિજ્ઞાન મુજબ આ ઉંમરે બાળક માત્ર સ્તનપાન પર હોય છે. જો ડોસાના ખીરામાં ઝેર હોત, તો તે બાળકી સુધી કેવી રીતે પહોંચ્યું? આ તર્ક પરથી પોલીસને શંકા છે કે ખીરામાં નહીં, પરંતુ દૂધ અથવા અન્ય કોઈ રીતે બાળકીઓને સીધું ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે.
 
 ભાવનાની ડાયરીએ ખોલ્યા રહસ્યો: પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા
પોલીસને ભાવનાના પિયરેથી એક ડાયરી મળી આવી છે, જે આ કેસમાં સૌથી મોટો પુરાવો સાબિત થઈ શકે છે. ડાયરીમાં ભાવનાએ લખ્યું હતું કે તેને પુત્રની ખૂબ જ ઈચ્છા હતી. તેણે પુત્ર માટે અનેક મંદિરોમાં માનતા માની હતી અને બાધા રાખી હતી. આ ડાયરી સૂચવે છે કે દંપતીમાં પુત્ર માટેની ઘેલછા એટલી હદે હતી કે તે માનસિક તણાવનું કારણ બની હતી.
 
 બીજી પુત્રીનો જન્મ બન્યો આઘાતનું કારણ?
તપાસમાં સામે આવ્યું છે કે પહેલી પુત્રી મિશ્રીના જન્મ બાદ ભાવના બીજી વખત ગર્ભવતી થઈ ત્યારે તેને આશા હતી કે પુત્ર આવશે. જોકે, બીજી પણ પુત્રી (રાહા) જન્મી હતી. આ વાત ભાવના સહન કરી શકી નહોતી અને તે આઘાતમાં હતી. પોલીસ માને છે કે પુત્રના મોહમાં અને પુત્રી પ્રત્યેના તિરસ્કારને કારણે આ કરુણ પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે.
 
 ઉંદર મારવાના ઝેરના પેકેટ ગુમ: પિતાની શંકાસ્પદ ભૂમિકા
સેક્ટર-1  ના એડિશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું કે, પિતા વિમલ પ્રજાપતિની પૂછપરછમાં ચોંકાવનારી વિગત મળી છે. વિમલે ઘઉં સાચવવા માટે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ (ઝેર) ના 10 પેકેટ ખરીદ્યા હતા. તેમાંથી 8 પેકેટ વપરાયા હતા, પરંતુ બાકીના 2  પેકેટ ક્યાં ગયા તેનો જવાબ વિમલ આપી શક્યો નથી. આ ઝેર જ લોહીમાં જોવા મળ્યું છે.
 
લોહીના રિપોર્ટમાં જંતુનાશક તત્વો મળ્યા
ટોક્સિકોલોજી રિપોર્ટમાં માતા-પિતાના લોહીના નમૂનામાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અને જંતુનાશક દવાઓના અંશ મળી આવ્યા છે. આ એ જ તત્વો છે જે ઉંદર મારવાની દવામાં વપરાય છે. આ રિપોર્ટ સાબિત કરે છે કે પરિવારના શરીરમાં જે ઝેર ગયું છે તે ડોસાના ખીરાનું નથી, પરંતુ કોઈ રાસાયણિક જંતુનાશકનું છે.
 
કૌટુંબિક ઝઘડા અને આર્થિક વિવાદોની પણ તપાસ
માત્ર પુત્રનો મોહ જ નહીં, પરંતુ પોલીસ વિમલના માતા-પિતા ગૌરીશંકર અને કુસુમ પ્રજાપતિની પણ પૂછપરછ કરી રહી છે. પરિવારમાં છેલ્લા કેટલાય સમયથી નાણાકીય બાબતોને લઈને વિવાદ ચાલતો હોવાનું સામે આવ્યું છે. શું આ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ હતો કે પછી માત્ર બાળકીઓને રસ્તામાંથી હટાવવાનું કાવતરું, તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
 
સત્યની નજીક પોલીસ: વિસેરા રિપોર્ટ પર સૌની નજર
હાલમાં વિમલ અને ભાવના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર છે. પોલીસ હવે ફોરેન્સિક અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. જો આ રિપોર્ટમાં પુષ્ટિ થશે કે બાળકીઓને દૂધ કે અન્ય પદાર્થમાં ઝેર આપીને મારવામાં આવી છે, તો આ કેસ ગુજરાતના સૌથી ચકચારી હત્યાકાંડોમાંનો એક બની જશે. પુત્રના મોહમાં બે ફૂલ જેવી બાળકીઓનો ભોગ લેવાયો હોવાની આશંકાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે.
આગળનો લેખ
Amarnath Yatra 2026: બાબા બર્ફાની દર્શન માટે નોંધણી ક્યારે શરૂ થશે? સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી નિયમો જાણો.