Kalana Village Stone Pelting - અમદાવાદના સાણંદતાલુકાના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પત્થરમારો, પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત
અમદાવાદના સાણંદ તાલુકાનું કલાણા ગામ હાલ છાવણીમાં ફેરવાયું છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ભારે પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે સવારે વધુ વકરતા પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
અગાઉ બનેલી ઘટનાને લઈને સાણંદ તાલુકાના કલાણા ગામે ફરી એકવાર મામલો ગરમાયો હતો. બંને સમાજના લોકો વચ્ચે તણાવ વધતા પરિસ્થિતિ બગડવાની આશંકા ઉભી થઈ હતી, જેના પગલે ગામમાં અશાંતિ ફેલાઈ હતી.
મળતી માહિતી મુજબ સાણંદના કલાણા ગામમાં રહેતા બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ 'સામે કેમ જુવે છે' કહી માથાકૂટ કરી હતી. ત્યારબાદ બંને જૂથના લોકો એકઠા થઈ ગયા હતા અને મારામારી કરી હતી. પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધી હતી. આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી અને પથ્થરમારો શરૂ થતા અલગ અલગ પોલીસની ટીમો કલાણા ગામ પહોંચી છે. આ મામલે અંદાજે 30 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.