સંબંધિત સમાચાર
- કેશોદમાં શરૂ થશે પાઇલટ ટ્રેનિંગ સેન્ટર; હવે Airbus 320 જેવા મોટા વિમાનો પણ લેન્ડ થશે
- ગીર સોમનાથમાં કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 5 આરોપીઓ ઝડપાયા
- વિમાન દુર્ઘટનાના એક વર્ષે મેઘાણીનગર કેમ્પસ માટે રૂ. 547 કરોડના મેગા પ્રોજેક્ટની જાહેરાત, અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટનો થશે કાયાકલ્પ
- ઈસનપુર આંબા તળાવમાં તંત્રની મોટી કાર્યવાહી: ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન
- પપ્પા હુ ફ્લાઈટમાં બેસી ગયો - અંતિમ મેસેજ આજે પણ સંભળાય છે... અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી, પરિવારના આંસુ થમતા જ નથી
અમદાવાદમાં ટ્રાફિક મુક્તિનું નવું આયોજન: 2027 સુધીમાં 2200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે ભવ્ય આઉટર રિંગ રોડ
Ahmedabad new outer ring road 2027
અમદાવાદ શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા એક નવા ભવ્ય આઉટર રિંગ રોડનું નિર્માણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે 2200 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે આકાર પામનારા આ અદ્યતન રિંગ રોડનું કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નવા રોડના કારણે અમદાવાદ આસપાસના ધાણજ, સનાવડ, ચાંગોદર, નાંદેજ, સરગાસણ, ગોધાવી, મોરૈયા, શેરથા અને કાસિન્દ્રા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો સીધા કનેક્ટ થશે, જેનાથી સ્થાનિક કક્ષાએ વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.
ઔડાનો 10 વર્ષીય વિકાસ પ્લાન અને 300 ફૂટનો રોડ
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા આ 300 ફૂટ પહોળા આઉટર રિંગ રોડના પ્રોજેક્ટને પોતાની નવી ૧૦ વર્ષની વિકાસ યોજના (DP) અંતર્ગત સત્તાવાર પ્રસ્તાવ તરીકે મૂકવામાં આવ્યો છે. હાલમાં ઔડાના કાર્યક્ષેત્રમાં આવતા ગામોના વિસ્તારને જ મુખ્ય આધાર માનીને આગામી કામગીરીની રૂપરેખા તૈયાર કરાઈ છે. આ નવો રિંગ રોડ કુલ ૯ જેટલા ગામોમાંથી પસાર થતાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની સમાંતર કે ચોક્કસ અંતરેથી પસાર થશે, જે ભવિષ્યના વિકાસ માટે અત્યંત મહત્વનો સાબિત થવાનો છે.
જમીન સંપાદન વિના TP સ્કીમ દ્વારા જમીન મેળવવાનું આયોજન
આ વિશાળ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના નિર્માણ માટે તંત્રને કોઈ મોટો જમીન સંપાદનનો ખર્ચ કરવો નહીં પડે. નવા આઉટર રિંગ રોડનો આખરી પ્લાન તૈયાર થયા બાદ સંબંધિત વિસ્તારોમાં નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ લાગુ કરવામાં આવશે. આ ટીપી સ્કીમની કપાત પદ્ધતિના નિયમ મુજબ ઔડાને તમામ સ્થળોએથી 40 ટકા જમીન આપોઆપ પ્રાપ્ત થઈ જશે. પરિણામે, જમીન ખરીદવા પાછળ થનારા અબજો રૂપિયાના સરકારી ખર્ચની મોટી બચત થશે.
લોજિસ્ટિક પાર્ક અને ટ્રાન્સપોર્ટ ઝોનનો નવો વેગ
દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરિડોરનું કામ પ્રગતિમાં છે ત્યારે આ નવો રિંગ રોડ લોજિસ્ટિક ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ગોધાવી ગામ નજીકથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ જતી રેલ કે રોડ લાઈનો અલગ પડે છે. હાલમાં જ ગોધાવી અને નિધરાડ જેવા આસપાસના વિસ્તારોમાં મોટા લોજિસ્ટિક ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ વિસ્તારોમાં માલસામાનની હેરફેર વધતાં મોટા પાયે આધુનિક લોજિસ્ટિક પાર્ક વિકસે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
અદ્યતન આંતરમાળખાકીય સુવિધાઓ અને ટોલ પ્લાઝા
ત્રીજા અને આખરી તબક્કાના આ પ્રોજેક્ટમાં દરરોજ 1 લાખથી વધુ વાહનો પસાર થઈ શકે તેવું ખાસ આયોજન છે. મુખ્ય માર્ગની બંને બાજુ 3 અને 4 લેનના વિકલ્પો સાથે સર્વિસ રોડ બનાવવામાં આવશે. આ સિવાય રોડની બહારની તરફ અંડરગ્રાઉન્ડ યુટિલિટી કોરિડોર, વરસાદી પાણીના નિકાલની લાઈન, ફ્લાય ઓવર, અંડર બ્રિજ અને ફૂટ ઓવર બ્રિજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. આ સમગ્ર રોડ પર કુલ 7 ટોલ પ્લાઝા બનાવવામાં આવશે, જ્યાં ઔડા પોતે જ ટેક્સ ઉઘરાવશે અને તે આવકમાંથી કરારબદ્ધ એજન્સીઓને ચૂકવણી કરવામાં આવશે.
