બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 જાન્યુઆરી 2026 (14:34 IST)

ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની નિમણૂક

Anar Patel's appointment
Anar Patel's appointment
ખોડલધામ ખાતે અનાર પટેલને અધ્યક્ષ બનાવાયા છે, ત્યારે અનાર પટેલે કહ્યું કે, 'નરેશ પટેલે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો એ હું ડગવા નહીં દઉં.  આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલની ખોડલધામ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી એ 'સોશિયલ એન્ટ્રી' ઓછી અને 'પોલિટિકલ લોન્ચિંગ' વધુ દેખાઈ રહી છે. આ એન્ટ્રીએ ગાંધીનગરના ગલિયારાઓમાં ચર્ચા અને કુતૂહલ બંને જન્માવ્યા છે
 
રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલી 'કન્વીનર મીટ 2026' દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે  ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની ઘોષણા કરી છે.  કાર્યક્રમ દરમિયાન ખોડલધામ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલે પોતાનું પ્રથમ સંબોધન આપ્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતાં તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે.
 
અનાર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે   “આપણી પાસે શક્તિ છે, સંપત્તિ છે, પટેલ સમાજ પાસે શું નથી? પરંતુ સાચી તાકાત એકતામાં છે. જેથી આપણે સંગઠિત રહેશું તો જ ઇતિહાસ રચી શકીશું.” અનાર પટેલે નરેશ પટેલના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે, પરંતુ પટેલોને એકજૂટ કરવું મુશ્કેલ છે.” છતાં પણ નરેશભાઈ પટેલે પટેલ સમાજને એકત્રિત કરીને બતાવ્યું છે, જે તેમની નેતૃત્વ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સમાજ છે પક્ષ નથી માટે બધાએ આપણા પોતાના સમાજ માટે કામ કરવાનું છે. સમાજ માટે મને હોદ્દો મળ્યો છે, અહીંયા બધું આપવાનું છે કશું લેવા માટે નથી. સમાજને કૈક પાછું આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભક્તિ સાથે એક્તાની શક્તિનું સૂત્ર છે જ્યાં ભક્તિ હોય ત્યાં મન ચોખ્ખું હોવું જોઈએ.
 
ખોડલધામ સંગઠનની કામગીરી રાજ્યના કુલ 31 જિલ્લાઓમાં વિસ્તરેલી છે. દરેક જિલ્લાના કન્વીનર હવે અનાર પટેલના માર્ગદર્શન હેઠળ સંગઠનનું કામકાજ આગળ વધારશે. સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એકતાને મજબૂત બનાવવાના દિશામાં સંગઠન વધુ સક્રિય બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.