સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (09:16 IST)

અશોક ગેહલોત 2017ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા, તે વખતે 77 સીટ મળી, હવે ચૂંટણી જીતવા નરેશ પટેલનો ખેલ પાડ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી વહેલી આવી રહી હોવાની અટકળો વચ્ચે તમામ રાજકીય પક્ષોએ રાજકીય સોગઠાં મારવાની શરૂઆત કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પ્રશાંત કિશોર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેની મુલાકાતથી નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યાં છે. નરેશ પટેલ કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવાની શક્યતા છે, ત્યારે આ કોંગ્રેસની આ રણનીતિ પાછળ અનુભવી કોંગ્રેસી નેતા અને ગુજરાતની રગેરગથી વાકેફ અશોક ગેહલોત હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ પાટીદાર કાર્ડ રમવામાં માહેર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમની આ રણનીતિએ જ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી.
 
અશોક ગેહલોત 2017માં ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા
અશોક ગેહલોત 2017ની વિધાનસભા ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા. તે સમયે કોંગ્રેસને 77 બેઠકો અપાવી પ્રદર્શન સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, માત્ર એટલું જ નહીં, ભાજપને 100 સીટના આંકડે પહોંચવા દીધો નહોતો, ત્યારે રાહુલ ગાંધીના વિશ્વાસુ એવા અશોક ગેહલોત ગુજરાતની ચૂંટણીમાં સક્રિય બન્યા છે. તેમજ રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોર તથા નરેશ પટેલ વચ્ચેની કડી પણ બન્યા છે.
 
2017ની વિધાનસભા ચૂંટણીમાં ગેહલોતની ભૂમિકા મહત્વની રહી હતી
2017ની વિધાનસભા ચૂંટણીમાં ગેહલોત ગુજરાતના પ્રભારી હતા અને તેની અસર ચૂંટણી પરિણામો પર પણ જોવા મળી હતી. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે વધુ બેઠકો મેળવી હતી. ચૂંટણી પહેલાં સંગઠનાત્મક રીતે કોંગ્રેસ સાવ નબળી પડી ગયેલી હોવા છતાં ત્યારે કોંગ્રેસના વોટશેરમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2017ની વિધાનસભા વખતે અશોક ગહલોત બે મહિનાથી વધુ સમય સુધી ગુજરાતમાં રોકાયા હતા. તેઓએ ગુજરાતમાં પાર્ટીના મોટા નેતાઓ વચ્ચે સમન્વય બનાવવાની પૂરી કોશિશ કરી હતી. તેમજ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરને પોતાના પક્ષમાં લાવવામાં પણ ગેહલોતે મહત્વની ભૂમિકા ભજવી હતી.
 
પાટીદારોના સપોર્ટથી ચૂંટણી જીતવાનો પ્લાન
પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં ભાજપ અને પાટીદાર સમાજ વચ્ચે તિરાડ પડી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારોમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી હતી. ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે વધુમાં વધુ પાટીદારોને કોંગ્રેસની ટિકિટ આપીને ચૂંટણી લડાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચવા પાટીદાર સમાજની નિર્ણાયક ભૂમિકા ભજવે તે માટે ગેહલોતે 33 ટકા અથવા 55 ટિકિટ પાટીદારોને ફાળવવા રજૂઆત પણ કરી હતી. બીજીતરફ બીજીતરફ અમદાવાદમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા દલિત નેતાને શહેરની જવાબદારી સોંપવાની પણ રજૂઆત ગેહલોત દ્વારા કરવામાં આવી હતી.
 
અશોક ગેહલોતનો રાજકારણમાં લાંબો અનુભવ
અશોક ગેહલોતનો રાજકારણમાં લાંબો અનુભવ છે અને તેઓ બે વાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સાથે જ ગેહલોતને રાહુલ ગાંધીના ખુબ જ નજીકના માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસના કેન્દ્રીય સંગઠનમાં સંગઠન મહાસચિવના પદ પર હતા. સાથે જ રાજસ્થાનમાં દરેક જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં સારી છબી ધરાવે છે. રાજ્યના દરેક જાતીના લોકોને સાથે રાખવામાં માહિર છે તેમજ સીનિયર નેતાઓમાં પણ તેમની છબી સારી છે.