1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Chief Minister's big decision for Gujarat farmers

ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય: સિંચાઈ માટે કેનાલોમાં એપ્રિલના અંત સુધી પાણી રહેશે ચાલુ

Chief Minister Bhupendra Patel
ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રવિ સીઝનમાં પાકને પૂરતું પાણી મળી રહે તે માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી કેનાલો દ્વારા સિંચાઈનું પાણી ચાલુ રાખવામાં આવશે. સામાન્ય રીતે રવિ સીઝન માટે ફેબ્રુઆરીના અંત સુધી જ પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષની ખાસ પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકારે આ સમયમર્યાદા લંબાવી છે.
 

કમોસમી વરસાદ અને મોડી વાવણીને કારણે લેવાયો નિર્ણય
 

જળ સંપત્તિ મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, ગત ચોમાસું લાંબુ ચાલ્યું હતું અને પાછોતરા કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. આ કારણોસર રવિ સીઝનની વાવણી મોડી થઈ હતી અને પાકની લણણીમાં પણ વિલંબ થવાની શક્યતા છે. ખેડૂત આગેવાનોની રજૂઆત અને 11 માર્ચ 2026ના રોજ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકની ચર્ચા બાદ પીવાના પાણીના જથ્થાને સુરક્ષિત રાખીને ખેતી માટે એપ્રિલના અંત સુધી પાણી આપવાનો નિર્ણય લેવાયો છે.
 

જમીન માપણીની ભૂલો સુધારવા 'ભૂમિ સીમાંકન' પદ્ધતિ અમલી
 

ખેતીની જમીનની માપણીમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે પણ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) થઈ ગઈ છે પરંતુ તેમાં ભૂલો રહી ગઈ છે, તે સુધારવા માટે હવે આખા રાજ્યમાં 'ભૂમિ સીમાંકન' નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોએ સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે અને તેમની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક રીતે નિકાલ શક્ય બનશે.
 

સુશાસન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મળશે વેગ
 

રાજ્ય સરકારના આ બંને નિર્ણયોથી ગુજરાતમાં 'ગુડ ગવર્નન્સ' (સુશાસન) મજબૂત બનશે. જમીન માપણીની પ્રક્રિયા વધુ સરળ બનતા ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે, જ્યારે સિંચાઈના પાણીની મુદ્દત વધારવાથી રવિ પાકનું ઉત્પાદન જળવાઈ રહેશે. સરકારના આ ખેડૂતલક્ષી અભિગમથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ये भी पढ़ें
તેલ સંકટથી પાકિસ્તાનમાં ભારે હાલાકી પડી, પગારમાં 30% સુધીનો ઘટાડો અને વિદેશ યાત્રા પર પ્રતિબંધ