'હું નથુરામ ગોડસે’ નાટક સામે કોંગ્રેસનો હિંસક વિરોધ, હેમુ ગઢવી હોલમાં તોડફોડ બાદ શો રદ
Congress violently protests against the play
રાજકોટના સુપ્રસિદ્ધ હેમુ ગઢવી હોલ ખાતે શનિવારે રાત્રે યોજાનાર વિવાદાસ્પદ નાટક હું નથુરામ ગોડસે ના મંચન પહેલા જ ભારે હોબાળો મચ્યો હતો. શહેર કોંગ્રેસ અને NSUI ના કાર્યકરોએ નાટકનો ઉગ્ર વિરોધ કરી સ્ટેજ પર પહોંચી સેટમાં તોડફોડ કરી હતી, જેના કારણે આખરે આયોજકોને શો રદ કરવાની ફરજ પડી હતી.
મુખ્ય ઘટનાક્રમ:
-સેટ પર તોડફોડ: નાટક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ હોલમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉશ્કેરાયેલા કાર્યકરોએ સ્ટેજ પર ચઢીને નાટકના સેટ, ખુરશીઓ અને બેનરોને નુકસાન પહોંચાડ્યું હતું.
- કોંગ્રેસનો આક્ષેપ: કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, "ગાંધીના ગુજરાતમાં ગાંધીજીના હત્યારાનું મહિમામંડન સાંખી લેવામાં નહીં આવે. આ નાટક દ્વારા નથુરામ ગોડસેને હીરો તરીકે ચિતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે રાષ્ટ્રપિતાનું અપમાન છે."
-પોલીસ કાર્યવાહી: ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તોડફોડ અને વિરોધ પ્રદર્શન કરનાર અંદાજે 40 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
નાટકના નિર્માતા સેજલ પેન્ટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "લોકો નાટક જોયા વગર જ વિરોધ કરી રહ્યા છે. આ નાટકમાં કોઈનાં વિરુધ કશું કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. તે માત્ર એક કળાનું પ્રદર્શન છે."
કોંગ્રેસે ચીમકી આપી છે કે ગુજરાતમાં જ્યાં પણ આ નાટક ભજવવામાં આવશે ત્યાં તેઓ ઉગ્ર વિરોધ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે આ નાટક અગાઉ સુરત, વડોદરા અને ભાવનગર જેવા શહેરોમાં પણ ભજવાઈ ચૂક્યું છે, પરંતુ રાજકોટમાં વિરોધ હિંસક બનતા પ્રેક્ષકોને ટિકિટના પૈસા રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.